ભાદરવા સુદ અગિયારસ એટલે કે ભાદરવા સુદ એકાદશીના પાવન અવસરે રામદેવજી મહારાજના મંદિરે વિશેષ ઉજવણી કરવામાં આવી હતાં આ દિવસને રામદેવપીર મહારાજની જન્મજયંતીના અવસર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભવનાથ તળેટીમાં વાઘેશ્વરી મંદિર નજીક પર્વત પર આવેલા રામદેવપીર મંદિરે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવ્યા હતાં આજના દિવસે રામદેવપીર મહારાજને નવ ગજનો નેજા અર્પણ કરવાની વિશેષ પરંપરા પણ નિભાવવામાં આવી હતી રામદેવપીર સાથે જોડાયેલી પરંપરા અનુસાર આજના દિવસે રામદેવપીરનું પ્રાગટ્ય થયું હતું, તેથી ભાદરવા સુદ એકાદશીને તેમની જન્મજયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે.
રામદેવપીરના પ્રાગટ્ય સાથે ધાર્મિક કથા જાડાયેલી છે. રણુજાના રાજા અજમલ અને રાણી મીણલદેના સંતાન તરીકે રામદેવપીર મહારાજનું પ્રાગટ્ય થયું હતું. અજમલજી અને મીણલદે દ્વારકાધીશની કઠોર ભક્તિ અને આરાધના કરતા હતા, જેથી ભગવાન શ્રીકૃષ્ણએ તેમને વચન આપ્યું હતું કે હું સંતાનના રૂપમાં રામદેવપીરના રૂપે આપને ત્યાં જન્મ લઈશ. કૃષ્ણના આ વચન મુજબ ભાદરવા સુદ અગિયારસના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના અંશ સમાન રામદેવજી મહારાજનો જન્મ થયો હતો.
રામદેવજી મહારાજ સાથે જાડાયેલી ધાર્મિક કથા અનુસાર આજના દિવસે રામદેવજી મહારાજને નેજા અર્પણ કરવાની પણ વિશેષ પરંપરા જાવા મળે છે. નવ ગજનું કપડું અને નવ અલગ-અલગ રંગોથી બનેલો નેજા અગિયારસ અને બીજના દિવસે દરેક રામદેવપીર મંદિરે શાક્તિ વિધિથી ચડાવવામાં આવે છે.
આ ઉપરાંત રામદેવપીરના નોરતાના દિવસો દરમિયાન પણ નવ દિવસ અખંડ જ્યોત પ્રગટાવીને રામદેવપીર મહારાજ પ્રત્યે ભાવિકો પોતાની શ્રદ્ધા પ્રગટ કરતા હોય છે. રામદેવપીર મહારાજને બાર બીજના ધણી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમને ભાવિકો દ્વારા બાર બીજ અને નવ નેજા ધરવામાં આવે છે. રામદેવપીર સાથે જાડાયેલી બાર બીજનું પણ અલગ-અલગ મહત્વ દર્શાવવામાં આવ્યું છે, પરંતુ ભાદરવી બીજને સૌથી મોટી બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભવનાથમાં આવેલા રામદેવપીર મંદિર સાથે એક પ્રાચીન માન્યતા પણ જાડાયેલી છે. તે મુજબ રામદેવપીર મહારાજના મંદિરે ચાર યુગના પાઠ થયા છે, એટલે અહીં બીજના દિવસે દર્શન કરવાથી ચાર યુગના પાઠનું પુણ્ય મળે છે.










































