અમદાવાદના સરદારનગર વિસ્તારમાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પરિચય કેળવીને પ્રેમસંબંધ બાંધ્યા બાદ સસ્તામાં મકાન અપાવવાના નામે ૧૧.૬૯ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટના યુવક સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સરદારનગર કોતરપુર વોટર વર્ક્સ પાસે બાજપાઇનગરમાં રહેતી અને સિલાઈ કામ કરતી ૪૨ વર્ષીય મહિલા ઓક્ટોબર ૨૦૨૩માં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી રાજકોટના વિંછિયા તાલુકાના સનાળી ગામના વનરાજસિંહ ગંભીરભાઈ સોલંકીના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે વાતચીત વધતા પ્રેમસંબંધ બંધાયો હતો. વર્ષ ૨૦૨૪માં નવરાત્રી દરમિયાન યુવક મહિલાને જૂનાગઢ, મોગલધામ, સતાધાર અને વીરપુર ફરવા લઈ ગયો હતો, જ્યાં તેણે મકાનના ફોર્મ બહાર પડવાના હોવાનું જણાવી સેટિંગમાં સસ્તામાં મકાન અપાવવાની લાલચ આપી હતી.
આરોપી વનરાજસિંહે મકાનના નામે અવારનવાર નાણાંની માંગણી કરતાં મહિલાએ પોતાના પરિચિતો તથા પુત્ર નિખિલના બેંક ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ ૨.૦૩ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં વધુ રકમની જરૂર હોવાથી મહિલાએ પોતાના સોનાના દાગીના વેચી દીધા અને અન્ય લોકો પાસેથી નાણાં મેળવીને કુલ ૧૧.૬૯ લાખ રૂપિયા આપ્યા હતા.
આરોપીએ નાના ચિલોડા વેદ બંગ્લોઝમાં મકાન નોંધાવ્યાનું કહીને ૩૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ આપ્યું હતું અને બાદમાં નામ સુધારવાના બહાને તે સ્ટેમ્પ પાછો પણ મેળવી લીધો હતો. લાંબો સમય વીતવા છતાં મકાન ન મળતા અને મહિલાએ પૈસા પરત માંગતા આરોપીએ સંપર્ક તોડી નાખ્યો હતો. પોતાની સાથે વિશ્વાસઘાત થયાની જાણ થતાં પરિણીતાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.










































