અમરેલી ખાતે GETCOમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા નવસારીના વતની કે.કે. પટેલે લદ્દાખ મેરેથોન-૨૦૨૬માં ૪૨ કિમીની ફુલ મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરી અમરેલી અને GETCO પરિવારનું ગૌરવ વધાર્યું છે. દરિયાઈ સપાટીથી આશરે ૧૧,૫૦૦ ફૂટની ઊંચાઈએ યોજાયેલી આ મેરેથોન તેમણે ૬ કલાક ૩૮ મિનિટમાં પૂર્ણ કરી હતી અને નિર્ધારિત કટ-ઓફ સમય કરતાં સાત મિનિટ વહેલા દોડ પૂરી કરી હતી. ઓક્સિજનની અછત, ઠંડા-શુષ્ક વાતાવરણ, તીવ્ર પવન અને કઠિન ભૂપ્રદેશને કારણે આ મેરેથોન પડકારજનક માનવામાં આવે છે. મેરેથોનમાં ૧,૦૪૫ દોડવીરોએ ભાગ લીધો હતો. જરૂરી અનુકૂલન બાદ કે.કે. પટેલે મિત્રો સાથે દોડમાં ભાગ લીધો હતો. તૈયારી દરમિયાન ડા. રવિ શાસ્ત્રી, ડા. અજય મોદી અને વિમલભાઈ પટેલનું માર્ગદર્શન મળ્યું હતું. તેમણે આ સિદ્ધિ સ્વર્ગસ્થ માતા-પિતાને સમર્પિત કરી હતી.