મૂળ મહેસાણાના અને હાલ ગોતામાં રહેતા આધેડ ચાંગોદરની એક ખાનગી કંપનીમાં છેલ્લા ૨૦ વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ગત ૧૮ ઓગસ્ટની સવારે તેમને એક અજાણ્યા નંબર પરથી વોટ્‌સએપ મેસેજ આવ્યો. આ નંબર અચાનક કંપનીના ડિરેક્ટર એટલે કે બોસના નામે સેવ થઈ ગયો અને તેમાં ડિરેક્ટરનો જ ફોટો પ્રોફાઈલ પિક્ચર તરીકે દેખાતો હતો.
ગઠિયાએ મેસેજ કરી કંપનીના બેંક એકાઉન્ટનું બેલેન્સ પૂછ્યું. એકાઉન્ટન્ટે ૧૩ કરોડ બેલેન્સ હોવાનું જણાવતા જ ઠગે એક બેંક એકાઉન્ટ નંબર મોકલી તેમાં તાત્કાલિક ૩ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો મેસેજ કર્યો. બોસનો જ મેસેજ હોવાનું માનીને એકાઉન્ટન્ટે એક્સેલ ફાઈલ બનાવી, અન્ય ભાગીદાર પાસેથી અપ્રૂવલ લીધું અને ૩ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.
આ ૩ કરોડ રૂપિયાનું પેમેન્ટ થયાનો કન્ફર્મેશન મેઈલ આવતા અસલી બોસ અને તેમના ભાગીદારે કોન્ફરન્સ કોલ પર એકાઉન્ટન્ટ સાથે વાત કરી. ત્યારે ખબર પડી કે અસલી બોસે આવું કોઈ જ ટ્રાન્ઝેક્શન કરવાનું કહ્યું નહોતું સાયબર છેતરપિંડીનો ભાંડો ફૂટતા જ તાત્કાલિક ચાંગોદર પોલીસને જાણ કરવામાં આવી આ મામલાની ગંભીરતા જાઈને ચાંગોદર પોલીસ, ગ્રામ્ય ન્ઝ્રમ્ અને સાયબર સેલની ટીમો તરત એક્શનમાં આવી ગઈ હતી.
બેંક અને સાયબર ટીમ સાથે સંકલન સાધીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ગઠિયાઓના ખાતામાં ગયેલા ૩ કરોડમાંથી ૨.૯૪ કરોડ રૂપિયા હોલ્ડ કરાવી દીધા. ત્યારબાદ કાયદેસરની પ્રક્રિયા અને કોર્ટનો હુકમ મેળવીને પોલીસે ૨.૮૮ કરોડ રૂપિયા ભોગ બનનાર કંપનીને પરત પણ અપાવ્યા છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસના ટેકનિકલ એનાલિસિસ અને મની ટ્રેલની તપાસમાં આંતરરાજ્ય નેટવર્ક સામે આવ્યું છે. આ ૩ કરોડ રૂપિયા પહેલા આંધ્રપ્રદેશના એક બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હતા. જે બાદ ગઠિયાઓએ તેમાંથી ૬-૬ લાખ રૂપિયા મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. ત્યારે અમદાવદ ગ્રામ્ય પોલીસે અલગ-અલગ રાજ્યોમાં તપાસ માટે ટીમો રવાના કરી દીધી છે. ત્યારે આ ઘટના તમામ કોર્પોરેટ કંપનીઓ અને એકાઉન્ટન્ટ્‌સ માટે લાલબત્તી સમાન છે. કોઈપણ મોટો આર્થિક વ્યવહાર માત્ર મેસેજના આધારે કરવાને બદલે રૂબરૂ કે ફોન કોલ કરીને એકવાર માહિતી પાકી કરવી જાઈએ.