સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અમરેલીમાં હોકીની સીકસ એ સાઈડ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. અમરેલીની ૬ ટીમો વચ્ચે લીગ ટુર્નામેન્ટ સવારે ૬ કલાકે ૨ મેચ તથા સાંજના ૫ વાગે ૨ મેચ રમાશે. અમરેલીના હોકી પ્લેયરોમાં પાજીના નામથી જાણીતા સ્વ. કિશનભાઈ બારૈયા એસ.ટી. અમરેલીમાં દોઢ વર્ષથી કલાર્ક તરીકે ફરજ બજાવનાર તેમજ હોકીની રમતમાં સ્કુલ ગેઈમ તથા ખેલ મહાકુંભમાં રાજયકક્ષા સુધી રમનાર સ્વ કિશનભાઈ માટે અમરેલીના હોકી ખેલાડીઓ બ્રિજરાજસિંહ વાળા, જયદિપ શિતોલે, સાગર સરવૈયા, સાર્થિક માલુકીયા, જીગ્નેશ સોલંકી, વિશ્વદીપ રાણાએ આ ટુર્નામેન્ટ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરી છે. ચિતલ રોડ પરના સરદાર પટેલ સ્પોટર્સ કોમ્પલેક્ષના હોકી ગ્રાઉન્ડ પર સ્પર્ધાનું ઉદ્ઘાટન હોકી ગુજરાતના સીનીયર વાઈસ પ્રેસિડન્ટ તેમજ હોકી અમરેલીના સેક્રેટરી આઈ. પી. બારડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે તમામ હોકીના ચાહકોએ બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમના મોટાભાઈ કમલભાઈ બારૈયા તથા તેમના પુત્ર મન અને પુત્રી કાવ્યા બારૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા. હોકી અમરેલીના ટ્રેઝરર બળદેવસિંહ ગોહિલ, એચડીએફસીના ઈન્દ્રસિંહ ગોહિલ હોકી કોચ અક્ષયભાઈ સોનીએ હાજરી આપેલ.




































