અમરેલી એસ.પી. કચેરી સંલગ્ન પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે અનુકંપા ફાઉન્ડેશન, અમરેલીના સહયોગથી તથા AIMS હોસ્પિટલ, અમરેલીની તબીબી સેવાઓ હેઠળ કાર્ડિયાક પ્રિવેન્શન અને CPR અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસકર્મીઓને હૃદયરોગથી બચવા માટે જરૂરી જીવનશૈલી અંગે જાગૃત કરવા તેમજ અચાનક હૃદયરોગનો હુમલો આવે ત્યારે તાત્કાલિક CPR આપી શકાય તે અંગે પ્રાયોગિક તાલીમ આપવાનો હતો. આ પ્રસંગે ડો. ભરત કાનાબાર, સામાજિક અગ્રણી પી.પી. સોજીત્રા, ASP જયવીર ગઢવી, DySP ચિરાગ દેસાઈ, DySP એ.જી. ગોહિલ,PI કડચા તથા PI ખમલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન AIMS હોસ્પિટલના સિનિયર કાર્ડિયોલોજિસ્ટ ડો. પલ્વી મહાજન દ્વારા પોલીસકર્મીઓને હૃદયરોગથી બચવા માટેની જીવનશૈલી, હૃદયરોગના જોખમી પરિબળો તથા હાર્ટ એટેકથી બચવા માટે રાખવાની જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ડો. કેયુર કોટડિયા દ્વારા ક્લિનિકલ દૃષ્ટિકોણ સાથે CPR અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન હાર્ટ એટેક અથવા અચાનક હૃદય બંધ થવાની સ્થિતિમાં તાત્કાલિક CPR કેવી રીતે આપવી તથા સમયસર પ્રાથમિક સારવારનું મહત્વ શું છે તે અંગે પોલીસકર્મીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તાલીમનો ૩૦૦થી વધુ પોલીસકર્મીઓએ લાભ લીધો હતો. કેમ્પના બીજા તબક્કામાં હૃદયરોગની પ્રાથમિક તપાસ માટે નિઃશુલ્ક ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં સિનિયર કાર્ડિયોલોજિસ્ટ ડો. પલ્વી મહાજન તથા ડો. કેયુર કોટડિયા દ્વારા ૨૩૦થી વધુ પોલીસકર્મીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. AIMS હોસ્પિટલ તરફથી પોલીસકર્મીઓને નિઃશુલ્ક ડોક્ટર કન્સલ્ટેશન, ECG,, લિપિડ પ્રોફાઇલ, HbA1c તથા બ્લડ સુગર સહિતની તપાસની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે AIMS હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર કુલદીપભાઈ ભમ્મર, મેડિકલ ઓફિસર ડો. ધ્રુવ મહેતા, P.R.O. કમલેશભાઈ ડેર, ર્નસિંગ સ્ટાફ તથા AIMS હોસ્પિટલની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. પોલીસકર્મીઓ સતત જવાબદારીભર્યા અને તણાવપૂર્ણ કાર્યક્ષેત્રમાં ફરજ બજાવતા હોવાથી તેમના માટે હૃદયરોગ અંગે જાગૃતિ વધારવા, સમયસર તબીબી તપાસ કરાવવા તથા કટોકટીની પરિસ્થિતિમાં CPR જેવી જીવનરક્ષક પ્રાથમિક સારવાર આપી શકાય તે માટે આ કેમ્પ મહત્વપૂર્ણ પહેલ સાબિત થયો હતો.





































