સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક ઓડિયોને લઈને સ્થાનિક સ્તરે તેમજ ખેડૂત આલમમાં ચર્ચા જાગી છે. વાયરલ ઓડિયોને આધારે તાલુકા પંચાયત પ્રમુખે એફ.પી.ઓ.ના ઓર્ગેનાઇઝર તથા ખેડૂત અગ્રણી સાથે ફોન પર અશોભનીય અને ગાળાગાળીભરી ભાષામાં વાત કરી હોવાનો આક્ષેપ થયો છે. ખેડૂતો માટે યોજાયેલા તાલીમ કાર્યક્રમમાં આમંત્રણ ન મળતાં આ સમગ્ર વિવાદ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. ખેડૂત અગ્રણીના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમ સરકારી ન હતો, પરંતુ ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મિત્ર તરીકે ભાજપના પ્રદીપભાઈ ભાખરને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. આ બાબતને લઈને તાલુકા પંચાયત પ્રમુખે ઉગ્ર વર્તન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં બિયારણ વેચવા તેમજ મીટિંગ કરવા અંગે ધમકી આપવામાં આવી હોવાનો પણ ખેડૂત અગ્રણીએ આક્ષેપ કર્યો છે. જોકે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ઓડિયોની સત્યતા અંગે સ્વતંત્ર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી.










































