સાવરકુંડલા શહેરમાં નગરપાલિકાથી રેલવે સ્ટેશન તરફ જતા રોડની હાલત બિસ્માર બનતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર પડેલા મસમોટા ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ, કનુભાઈ મોહનભાઈ ઓઢ છકડો રિક્ષા લઈને જેસર રોડ પરથી નગરપાલિકા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન રેલવે સ્ટેશન રોડ પર આવેલા મોટા ખાડામાં રિક્ષા છકડું પટકાતા તેની એક્સેલ તૂટી ગઈ હતી. રોડ પર ઠેર-ઠેર ખાડાઓ હોવાથી રિક્ષા અને દ્વિચક્રી વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. સ્થાનિકોએ અગાઉ પણ વાહનોને નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક રોડની મરામત કરી ખાડાઓ પૂરવાની માંગ ઉઠી છે.