સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નં. ૮ના સદસ્ય મેધાબેન એચ. ગઢીયાએ ચીફ ઓફિસર અને પ્રમુખને પત્ર લખી જેસર રોડની બિસ્માર હાલત અંગે તાત્કાલિક રજૂઆત કરી છે. GUDC દ્વારા અગાઉ ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનનું કામ કરાયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું યોગ્ય રિસ્ટોરેશન ન કરાતા રસ્તા પર મોટા ખાડા, પથ્થરો અને કાંકરા પડ્યા છે. મુખ્ય માર્ગ હોવાથી શાળાના બાળકો, વાહનચાલકો સહિત હજારો નાગરિકોની અવરજવર રહે છે અને અકસ્માતનું જોખમ વધ્યું છે. મેધાબેને સાત દિવસમાં રોડનું લેવલીંગ તથા પેચવર્ક અને રિપેરીંગ કરાવવા માંગ કરી છે. કામગીરી ન થાય ત્યાં સુધી ખાડાઓ ફરતે બેરીકેટ અને ચેતવણી બોર્ડ મૂકવા પણ રજૂઆત કરાઈ છે. અકસ્માત સર્જાય તો નગરપાલિકા તંત્ર જવાબદાર રહેશે તેવી ચીમકી અપાઈ છે.









































