અમરેલી જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે અમરેલી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા વધુ એક મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. અમરેલી પોલીસ દ્વારા ફોજદારી કેસમાં છેલ્લા ૨૨ વર્ષથી ફરાર ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પેરોલ ફર્લો સ્કવોડના સીધા સુપરવિઝન હેઠળ ચાર મહિનાની સતત તપાસ બાદ આ સફળતા મળી હતી.ધારી કોર્ટના ફોજદારી કેસમાં ચારેય આરોપીઓ લાંબા સમયથી વોન્ટેડ હતા. આરોપીઓને ઝડપી પાડવા ટીમે છેલ્લા ચાર મહિનાથી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આરોપીઓ અગાઉ ધારી તાલુકાના દલખણિયા વિસ્તારમાં રહેતા હોવાનું અને તેમનું મૂળ વતન બગસરા હોવાનું જાણવા મળ્યું હતું. ટીમે બંને સ્થળોએ માનવ બાતમીના આધારે તપાસ કરી હતી. ઉપરાંત ઇ-ગુજકોપ, આઈ.સી.જે.એસ. અને ગાંડીવ પોર્ટલમાં પણ આરોપીઓ અંગે તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન આરોપીઓ રાજકોટ, અમદાવાદ અને ત્યારબાદ નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં સ્થળાંતર કરી ચૂક્યા હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં ત્રણ આરોપીઓ સંખેડા તાલુકાના વાસણા ગામે આવેલા નિજાનંદ આશ્રમમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. તેમાંથી એક આરોપી સ્વામી નિજાનંદગીરી તરીકે આશ્રમ ચલાવતો હતો. જ્યારે ચોથો આરોપી અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા મંદિરમાં રહી સેવા-પૂજા કરતો હોવાનું બહાર આવ્યું હતું.માહિતીની ખરાઈ કર્યા બાદ ટીમે વાસણા ગામના આશ્રમમાંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્‌યા હતા. જ્યારે ચોથા આરોપીને અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.
તમામ આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ધારી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

 

આરોપીના નામ-સરનામા
*હર્ષદભાઈ શામળજીભાઈ ઉર્ફે શામળભાઈ વ્યાસ (ઉંમર ૭૬ વર્ષ, નિવૃત્ત) – રહે. નિજાનંદ આશ્રમ, વાસણા, તા. સંખેડા, જિ. છોટાઉદેપુર.
*સમીરભાઈ હર્ષદભાઈ વ્યાસ (ઉંમર ૫૦ વર્ષ, વ્યવસાયઃ સ્ટોક માર્કેટ ટ્રેડિંગ)- રહે. નિજાનંદ આશ્રમ, વાસણા, તા. સંખેડા, જિ. છોટાઉદેપુર.
*નીરજભાઈ હર્ષદભાઈ વ્યાસ (ઉંમર ૪૪ વર્ષ, હાલ સ્વામી નિજાનંદગીરી, ગુરુ નિરંજનદેવ, વ્યવસાયઃ સેવાપૂજા) – રહે. નિજાનંદ આશ્રમ, વાસણા, તા. સંખેડા, જિ. છોટાઉદેપુર.
*મુકેશભાઈ શામળજીભાઈ ઉર્ફે શામળભાઈ વ્યાસ (ઉંમર ૭૨ વર્ષ, વ્યવસાયઃ સેવાપૂજા) – રહે. ૧૩, ગોકુલધામ એપાર્ટમેન્ટ, વેજલપુર, જિ. અમદાવાદ.