ગુજરાતમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) હેઠળ આપવામાં આવેલી લોનમાંથી ૧૫૦૦ કરોડ રૂપિયાની લોન નોન પર્ફો‹મગ એસેટ થઈ ગઈ છે.એસઆઇએલબીસીના રિપોર્ટ મુજબ, આ રકમ ગુજરાતભરના ૨.૬૯ લાખ બેક એકાઉન્ટ ધારકોની છે. સરકારની આ યોજનામાં ૫૦ હજારથી લઇ રૂ.૨૦ લાખની લોન અપાય છે. બીજી બાજુ ગુજરાતમાં બેંકોમાં એનઆરઆઇને રસ પડ્યો હોય એમ ગુજરાતમાં બેન્ક ડિપોઝિટ ૧૬ લાખ કરોડને પાર થઈ છે. રિપોર્ટની માનીએ તો છેલ્લા છ મહિનામાં ૧૨,૨૩૮ કરોડની પર્સનલ લોન લેવામાં આવી છે. એટલે કે મહિનામાં સરેરાશ ૫૫ હજાર લોકો ૨ હજાર કરોડની પર્સનલ લોન લે છે.
નાના વેપારીઓ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ગુજરાતમાં ૫૦ હજારથી લઈને ૨૦ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. જોકે,એસએલબીસીના આંકડા મુજબ રાજ્યના ૨.૬૯ લાખ ખાતાધારકોની અંદાજે ૧,૫૦૦ કરોડની મુદ્રા લોન એનપીએ થઈ ગઈ છે. આ ઉપરાંત, નેશનલ રૂરલ લાઇવલીહુડ્‌સ મિશન બેન્ક લિન્કેજ હેઠળ મહિલા સેલ્ફ હેલ્પ ગ્રૂપને ગેરંટી વિના અપાતી લોનમાં પણ મોટું ગાબડું પડ્યું છે.
રાજ્યના ૫,૫૮૦ ખાતાઓમાં ૪,૫૯૨ કરોડની લોન ડૂબત જાહેર થઈ છે, જેમાં સૌથી વધુ તાપી જિલ્લામાં ૪૨૬ કરોડ અને નવસારીમાં ૩૨૩ કરોડની લોન બાકી છે. બીજી તરફ, નાણાકીય સમાવેશકતા હેઠળ ખોલાયેલા ૧૪.૫૭ લાખ જનધન ખાતાઓમાં હજુ પણ બેલેન્સ ‘શૂન્ય’ બોલી રહ્યું છે.
રાજ્યના નાગરિકોમાં અંગત જરૂરિયાતો માટે લોન લેવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા છ મહિનામાં ગુજરાતીઓએ ૧૨,૨૩૮ કરોડની પર્સનલ લોન લીધી છે. સરેરાશ જાઈએ તો દર મહિને અંદાજે ૫૫ હજાર લોકો ૨,૦૪૦ કરોડની પર્સનલ લોન મેળવી રહ્યા છે.
ગુજરાતની આર્થિક સમૃદ્ધિનો પુરાવો આપતા આંકડા મુજબ, રાજ્યમાં કુલ બેન્ક ડિપોઝિટ પ્રથમ વખત ૧૬ લાખ કરોડની સપાટી વટાવી ગઈ છે. ખાસ કરીને એનઆરઆઇનો ગુજરાતની બેન્કો પરનો વિશ્વાસ વધ્યો છે. જૂન ૨૦૨૬માં ૧.૨૨ લાખ કરોડ રહેલી એનઆરઆઇ ડિપોઝિટ માત્ર ચાર મહિનામાં ૪૩% (૫૩ હજાર કરોડ) વધીને સપ્ટેમ્બરમાં ૧.૭૫ લાખ કરોડને પાર પહોંચી છે. અમદાવાદમાં એનઆરઆઇ ડિપોઝિટ ૨૭ હજાર કરોડથી લગભગ બમણી થઈને ૫૨ હજાર કરોડ થઈ છે. સુરતમાં ૬૭%ના વધારા સાથે ૧૫ હજાર કરોડ, વડોદરામાં ૩૬% વધીને ૨૬ હજાર કરોડ અને રાજકોટમાં ૫૪% વધીને ૧૪ હજાર કરોડ નોંધાઈ છે.
બેન્કો દ્વારા અપાતા ધિરાણમાં ખેતી અને ઉદ્યોગ ક્ષેત્ર વચ્ચે મોટી અસમાનતા જોવા મળી છે. નિયમ મુજબ કુલ લોનમાંથી ૧૮% ખેતી ક્ષેત્રે અને ૧૦% નાના તથા સીમાંત ખેડૂતોને આપવાનો બેન્ચમાર્ક છે, પરંતુ તેની સામે ખેતી ક્ષેત્રે માત્ર ૧૩.૫૧% અને નાના ખેડૂતોને ૬.૪૨% જ લોન મળી છે.
આ ઉપરાંત છેલ્લા એક વર્ષમાં કિસાન ક્રેડિટ કાર્ડની સંખ્યામાં ૨.૨૦ લાખનો ઘટાડો થયો છે. ખાનગી બેન્કો ખેતી ક્ષેત્રે ધિરાણ આપવામાં ઘણી પાછળ રહી છે, જ્યારે ગ્રામીણ બેન્કો ખેડૂતોને ટેકો આપી રહી છે. તેનાથી વિપરીત, માઇક્રો એન્ટરપ્રાઇઝ (નાના ઉદ્યોગો) માટે ૭.૫%ના બેન્ચમાર્ક સામે બેન્કોએ બમણી એટલે કે ૧૫.૯૯% લોન ફાળવી છે.