ગાંધીનગરના સેક્ટર-૩ડી વિસ્તારમાં મહિલા કોન્સ્ટેબલ જ્હાનવી ડાભીના મોતના કેસમાં પોલીસ તપાસમાં મોટો વળાંક આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, જ્હાનવીના પ્રેમસંબંધમાં રહેલા પરિણીત ચેતક કમાન્ડો પ્રકાશ ચૌહાણ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં જ્હાનવીના રૂમમાં ઓડિયો સુવિધા ધરાવતો વેબકેમ લગાવવામાં આવ્યો હોવાની વિગતો પણ સામે આવી છે.
૨૮ વર્ષીય જ્હાનવી ડાભી અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હતી અને ગાંધીનગરના સેક્ટર-૩ડી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી. ૧૫ સપ્ટેમ્બરે તેના મકાનમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ સેક્ટર-૭ પોલીસે તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં અકસ્માતે મોતની નોંધ કરીને તપાસ હાથ ધરાઈ હતી.પોલીસ તપાસ મુજબ, જ્હાનવીને બાઈક સ્ટંટ અને ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાનો શોખ હતો. આશરે ચાર વર્ષ પહેલાં અરવલ્લીમાં યોજાયેલી બાઈક સ્ટંટ ઈવેન્ટ દરમિયાન તેનો પરિચય પ્રકાશ ચૌહાણ સાથે થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ પ્રકાશ પરિણીત છે અને બે બાળકોનો પિતા છે. બંને વચ્ચે ત્યારબાદ પ્રેમસંબંધ થયો હતો.
પોલીસ તપાસમાં એવો આક્ષેપ સામે આવ્યો છે કે પ્રકાશે જ્હાનવીને લગ્નનું વચન આપ્યું હતું. આ સંબંધ દરમિયાન જ્હાનવીએ પોતાના અગાઉના લગ્નજીવનમાંથી કાયદેસર છૂટાછેડા લીધા હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે. જાકે, બાદમાં બંનેના સંબંધમાં ખટરાગ થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ પ્રકાશ જ્હાનવી પર શંકા રાખતો હતો અને તેને માનસિક તથા શારીરિક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ છે. સપ્ટેમ્બરમાં જ્હાનવીએ લગ્ન અંગે વાત કરતાં પ્રકાશે ઇનકાર કર્યો હતો અને ત્યારબાદ તેને મોબાઈલ તથા સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધી હોવાની માહિતી તપાસમાં સામે આવી છે.આ કેસમાં સૌથી મહત્વની વિગતોમાં જ્હાનવીના રૂમમાં વેબકેમ લગાવવાનો મુદ્દો છે. પોલીસના જણાવ્યા મુજબ, જ્હાનવીની હિલચાલ પર નજર રાખવા માટે રૂમમાં ઓડિયો સુવિધા ધરાવતો વેબકેમ લગાવવામાં આવ્યો હતો અને તેનો પ્રવેશ પ્રકાશના મોબાઈલમાં હતો.
પોલીસને આશંકા છે કે જ્હાનવીના અંતિમ સમયની કેટલીક ઘટનાઓ અંગે પણ આ વેબકેમમાંથી માહિતી મળી શકે છે. પ્રકાશે પોતાના મોબાઈલમાંથી કેટલીક વિગતો કાઢી નાખી હોવાની માહિતી સામે આવતા પોલીસે વેબકેમ તથા બંનેના મોબાઈલ કબજે કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલ્યા છે. આ ડિજિટલ પુરાવાની તપાસ બાદ ઘટનાક્રમ વધુ સ્પષ્ટ થઈ શકે છે. જ્હાનવીના મૃતદેહની જાણ મકાનમાંથી દુર્ગંધ આવતાં થઈ હતી. પોલીસને આશંકા છે કે મૃત્યુના આશરે દોઢથી બે દિવસ પહેલાં જ તેણે અંતિમ પગલું ભર્યું હતું. તેના મૃત્યુના આશરે ૪૮ કલાક પહેલાં તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર સાથે ભાવનાત્મક સંદેશ પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટ અને જ્હાનવીના મોબાઈલ સહિતના ડિજિટલ પુરાવાની પણ પોલીસ તપાસ કરી રહી છે. જ્હાનવીના પરિવારજનોના નિવેદનો દરમિયાન કેસમાં અલગ-અલગ આક્ષેપો સામે આવ્યા હતા. ત્યારબાદ પોલીસે જ્હાનવીની બહેન સ્નેહલનું નિવેદન નોંધ્યું હતું. તેના આધારે પ્રકાશ ચૌહાણ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. પોલીસે પ્રકાશસિંહ ભીખુસિંહ ચૌહાણની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.










































