અમદાવાદ જિલ્લાના વટામણ-બગોદરા હાઈવે પર મેમર ગામ નજીક મોડી રાત્રે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે પરથી પસાર થઈ રહેલા પશુઓના ટોળા વચ્ચે એક અજાણ્યા ટ્રકે વાહન હંકારી દેતાં આશરે આઠ પશુનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.મોડી રાત્રે મેમર ગામ નજીક હાઈવે પર પશુઓનું ટોળું પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન પૂરતી સાવચેતી વિના પસાર થઈ રહેલા ટ્રકની અડફેટે અનેક પશુઓ આવી ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે આશરે આઠ પશુનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં સ્થાનિક સ્તરે મદદ માટે લોકો અને પશુપ્રેમીઓ દોડી આવ્યા હતા.
અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતાં મૃત પશુઓને હાઈવે પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેસીબીની મદદથી જમીનમાં ખાડો ખોદીને મૃત પશુઓનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જાવા મળ્યો હતો.સ્થાનિકોના જણાવ્યા અનુસાર બાવળા-બગોદરા હાઈવે પર અવારનવાર પશુઓ વાહનોની અડફેટે આવી જાય છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન રસ્તા પર રખડતા પશુઓ અને ઝડપી ગતિએ દોડતા વાહનોને કારણે અકસ્માતનું જાખમ વધી જાય છે. સ્થાનિક માહિતી મુજબ દરરોજ બે-ત્રણ જેટલા પશુઓ અકસ્માતમાં ઘાયલ થતા હોવાના કિસ્સા સામે આવે છે. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં આ હાઈવે પર અકસ્માતોમાં ૩૦થી વધુ પશુઓનાં મોત થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યારે ૨૫થી વધુ પશુઓ ઇજાગ્રસ્ત થયા છે.
અકસ્મતોની જાણ થતાં બાવળા વિસ્તારના પશુપ્રેમીઓ સ્થળ પર પહોંચીને ઇજાગ્રસ્ત પશુઓને પ્રાથમિક સારવાર આપે છે. ગંભીર સ્થિતિમાં હોય તેવા પશુઓને વધુ સારવાર માટે ભાભર ગૌશાળા ખાતે ખસેડવામાં આવે છે. પશુપ્રેમીઓએ હાઈવે પર રખડતા પશુઓની સુરક્ષા માટે વ્યવસ્થા ઊભી કરવા તેમજ બેફામ ગતિએ દોડતા વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ આવા અકસ્માતો અટકાવવા તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે.