રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગના કામોને વધુ ઝડપથી પૂર્ણ કરવા સરકાર દ્વારા ટેન્ડર (બોલી પ્રક્રિયા)ની મંજૂરી પ્રક્રિયામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ટેન્ડરની માન્યતાનો સમયગાળો ૧૨૦ દિવસથી ઘટાડીને ૯૦ દિવસ કરવામાં આવ્યો છે. સાથે જ ટેન્ડર મંજૂરીની સમગ્ર પ્રક્રિયા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે.રાજ્યમાં પુલ, રસ્તા અને સરકારી મકાનો સહિતના માર્ગ અને મકાન વિભાગના વિવિધ કામો ઝડપથી શરૂ થાય તે માટે ટેન્ડરની શરતોમાં સુધારા કરવામાં આવ્યા છે. અગાઉ ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા માટે ૧૨૦ દિવસનો સમયગાળો ધ્યાને લેવાતો હતો. હવે આ પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા મહત્તમ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
જે ટેન્ડરમાં ઇજારદારોની પૂર્વ પાત્રતાની જાગવાઈ નથી અને માત્ર નાણાકીય બીડ હોય છે, તેમાં ક્ષેત્રીય કચેરીથી લઈને સચિવાલય અને નાણા વિભાગ સુધીની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ ૫૧ દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. જ્યારે ઇજારદારોની પૂર્વ પાત્રતાની જાગવાઈ ધરાવતા ટેન્ડરમાં ટેકનીકલ બીડ અને ફએનાન્સીયલ બીડ એમ બે બીડ હોય છે. આવા ટેન્ડરની તમામ સ્તરે ચકાસણી સહિતની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ ૬૬ દિવસમાં પૂર્ણ કરવાની રહેશે.
સરકાર દ્વારા ટેન્ડરની વેલિડિટી (બોલીની માન્યતા)માં પણ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રવર્તમાન ૧૨૦ દિવસનો સમયગાળો હવે ઘટાડીને ૯૦ દિવસ કરવામાં આવ્યો છે. આ ફેરફારનો હેતુ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામો શરૂ કરવામાં થતો સમય ઘટાડવાનો અને સરકારી વિકાસલક્ષી કામોને ઝડપથી અમલમાં મૂકવાનો છે. ખાસ કરીને રસ્તા, પુલ અને સરકારી મકાનોના કામોને મંજૂરી મળ્યા બાદ ઝડપથી આગળ ધપાવી શકાય તે માટે સમયમર્યાદા પર ભાર મૂકવામાં આવ્યો છે.
નિયમો અનુસાર બહોળી પ્રસિદ્ધિ આપ્યા બાદ એકથી વધુ ટેન્ડર મળ્યા હોય તેવા કિસ્સામાં અનિવાર્ય સંજાગો સિવાય વાટાઘાટો (– ભાવતાલ) કરવાનું ટાળવાનું રહેશે. જા વાટાઘાટો કરવી અનિવાર્ય બને તો તે માત્ર એક જ સ્તરે, એટલે કે સક્ષમ સત્તાધિકારીની કક્ષાએ પૂર્ણ કરવાની રહેશે. એક જ ટેન્ડર માટે અલગ-અલગ સ્તરે વારંવાર વાટાઘાટો કરી શકાશે નહીં. આ નિર્ણયથી ટેન્ડર મંજૂરીની પ્રક્રિયામાં થતો બિનજરૂરી સમય ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથે જ વિવિધ કચેરીઓ અને અધિકારીઓ વચ્ચે પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે સમયમર્યાદાનું પાલન જરૂરી બનાવાયું છે.નિર્ધારિત સમયમર્યાદામાં દરખાસ્તનો નિકાલ નહીં થાય તો સંબંધિત કક્ષાએ વિલંબના કારણોની નોંધ લેવાની રહેશે. વિલંબ માટે જે-તે અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત, અધૂરી દરખાસ્તોના કારણે પ્રક્રિયામાં વિલંબ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે દરખાસ્ત રજૂ કરનાર કક્ષાની રહેશે. આમ, ટેન્ડર (બોલી પ્રક્રિયા)ની શરૂઆતથી લઈને મંજૂરી સુધીની પ્રક્રિયામાં જવાબદારી નક્કી કરીને કામોમાં ઝડપ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.










































