ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ચૂંટણીનો ગરમાવો શરૂ થઈ ગયો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રગટ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ ચૂંટણી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે અને રાજકીય પક્ષો તેમજ ઉમેદવારોએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે.સત્તાવાર જાહેરનામું બહાર પડતાં જ આજથી મહાનગરપાલિકાના ૧૧ વોર્ડની કુલ ૪૪ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. વહીવટી તંત્રની વ્યવસ્થા મુજબ, ઉમેદવારો પોતાના ફોર્મ જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરી ખાતે જમા કરાવી શકશે. ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ઉમેદવારો આગામી ૨૬ સપ્ટેમ્બર સુધી પોતાના ઉમેદવારી પત્રો ભરી શકશે.૨૬ સપ્ટેમ્બરે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, ૨૮ સપ્ટેમ્બરના રોજ ચૂંટણી અધિકારીઓ દ્વારા ભરાયેલા તમામ ઉમેદવારી પત્રોની સઘન ચકાસણી (સ્ક્રૂટિની) કરવામાં આવશે. ચકાસણી બાદ, જે ઉમેદવારો ચૂંટણી લડવા માંગતા ન હોય અને પોતાનું નામ પાછું ખેંચવા માંગતા હોય, તેઓ ૨૯ સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકશે. ૨૯ સપ્ટેમ્બર ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ હોવાથી, તે દિવસે સાંજે ચૂંટણી મેદાનનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
ગાંધીનગર મહાનગરપાલિકાના તમામ ૧૧ વોર્ડના મતદારો શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ માળખાકીય તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયાને પહોંચી વળવા માટે શહેરમાં કુલ ૨૮૫ મતદાન કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં ચુસ્ત સુરક્ષા અને જરૂરી સુવિધાઓ વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.આ વખતની ગાંધીનગર મનપાની ચૂંટણી ખૂબ જ ખાસ બની રહેશે, કારણ કે લોકશાહીનો આ ઉત્સવ નવરાત્રીના પાવન પર્વ સાથે યોજાવા જઈ રહ્યો છે. ચૂંટણી પંચના જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર, નવરાત્રીના પ્રથમ નોરતે જ મતદાન યોજાશે. જ્યારે, નવરાત્રીના ત્રીજા નોરતે મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્રીજા નોરતે જ પરિણામો જાહેર થતાં એ સ્પષ્ટ થઈ જશે કે આગામી પાંચ વર્ષ માટે ગાંધીનગર મહાનગરપાલિકાનું સુકાન કોણ સંભાળશે. આમ, ચૂંટણી પંચે તારીખો જાહેર કરીને ગાંધીનગરમાં લોકશાહીના મહાપર્વનું બ્યુગલ ફૂંકી દીધું છે.










































