ગુજરાતમાં નકલી અધિકારીઓ બનીને લોકો સાથે છેતરપિંડીના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે આણંદ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક શખ્સે પોતે આઇએએસ અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર હોવાનું કહીને બેરોજગાર યુવાનને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ કરી હતી. આણંદ ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી રોનક ક્રિશ્ચિયને આણંદ પંથકમાં એક સામાન્ય નાગરિકને પોતાની ઓળખ આઇએએસ અધિકારી તથા ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી હતી. ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે આરોપીએ અસલી જેવું જ લાગતું બનાવટી આઈકાર્ડ પણ બનાવ્યું હતું. આ નકલી આઈકાર્ડ બતાવીને તેણે મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર જેવી સરકારી નોકરી અપાવી દેવાની ખાતરી આપી હતી.
સરકારી નોકરી મેળવવાની આશામાં ફરિયાદી આરોપીની વાતમાં આવી ગયો હતો. ત્યારબાદ આરોપીએ અલગ-અલગ બહાના હેઠળ ફરિયાદી પાસેથી કુલ ૭.૭૦ લાખ રૂપિયા રોકડા પડાવી લીધા હતા. લાંબો સમય પસાર થયા બાદ પણ નોકરી નહીં મળતાં ફરિયાદીને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાયું હતું.નોકરી ન મળતાં ભોગ બનનાર યુવાને આણંદ ટાઉન પોલીસ સ્ટેશન માં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે નકલી ડેપ્યુટી કલેક્ટર બનીને ઠગાઈ કરનાર રોનક ક્રિશ્ચિયનને ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. તપાસને આગળ વધારવા અને અન્ય સાગરીતો કે ભોગ બનનારાઓ અંગે માહિતી મેળવવા કોર્ટે આરોપીના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે આરોપી પાસેથી બનાવટી આઈકાર્ડ, ખોટા દસ્તાવેજા તથા ઠગાઈમાં વપરાયેલ સાહિત્ય કબજે કર્યું છે.










































