લાઠીના અડતાળા ગામે ઠપકાના મનદુઃખમાં યુવકને માથામાં તલવારનો ઘા મારવામાં આવ્યો હતો. તેમજ ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. આ અંગે અનિરુધ્ધભાઈ કાથડભાઈ વાળા (ઉ.વ.૨૫)એ શિવરાજભાઇ વલકુભાઇ ખુમાણ, પ્રતાપભાઇ વલકુભાઇ ખુમાણ તથા વલકુભાઇ આપાભાઇ ખુમાણ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમને આરોપી શિવરાજભાઈ ખુમાણે ફોનમાં ગાળો આપી હતી. જે બાબતે તેમને ઠપકો આપ્યો હતો. આ વાતનું મનદુઃખ રાખી તેમને માથાના ભાગે તલવારનો એક ઘા મારતા છએક ટાંકાની ઇજા થઈ હતી. તેમજ બીજો ઘા મારવા જતા ફરિયાદીએ ડાબો હાથ આડો રાખતા ડાબા હાથની આંગળી તથા કોણી તથા ડાબી આંખ પાસે ચરકા ઉજરડા જેવી ઇજાઓ કરી હતી. અન્ય બંને આરોપીએ લોખંડના પાઇપ વડે શરીરે આડેધડ માર મારતા જમણા પગે સાંથળના ભાગે મુઢ ઇજા કરી હતી. ત્રણેય તેમને જેમફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી પી ડોડીયા વધુ તપાસ કરી રહ્યા છે.