અમરેલી પંથકમાં મિલકત અને માલસામાનના નામે મોટી છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં બે શખ્સોએ મળીને કુલ રૂ. ૬,૭૨,૫૦,૦૦૦ની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાલ મુંબઈ રહેતા મૂળ અમરેલીના હેમેન્દ્રભાઇ રતિલાલ મહેતા (ઉ.વ.૮૨)એ હાલ સુરત રહેતા મૂળ સાવરકુંડલાના પીઠવડી ગામના હાર્દિક વિપુલભાઇ મહેતા અને ભવદિક વિપુલભાઇ મહેતા સામે ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હાર્દિક મહેતાએ ફરિયાદીના પાવર ઓફ એટર્ની (કુલમુખત્યાર) તરીકે રહીને અમરેલી તાલુકાના ફતેપુર ગામે સાવરકુંડલા રોડ પર રે.સ.નં. ૩૨/૨ પૈકીની જમીનમાં રહેલો તેમની માલિકીનો પતરાં, લોખંડ અને એંગલ ગર્ડર સહિતનો ભંગાર ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રૂ. ૮૦,૦૦,૦૦૦માં વેચ્યો હતો. આ રકમમાંથી આરોપીએ ફરિયાદીને માત્ર રૂ. ૧૦,૦૦,૦૦૦ ચૂકવી બાકી નીકળતા રૂ. ૭૦,૦૦,૦૦૦ આજદિન સુધી ન ચૂકવી વિશ્વાસઘાત કર્યો હતો.બીજી તરફ, ભવદિક વિપુલભાઇ મહેતાએ અમરેલીના ચિત્તલ રોડ સ્થિત રે.સ.નં. ૩૭/૨, પ્લોટ નં. ૧૨-૧૩-૨૬-૨૭ (કુલ ક્ષેત્રફળ ૧૩૯૧.૩૦ ચોરસ મીટર) વાળી ચાર માળનું ચણતર ધરાવતી સૂચિત રહેણાંક હેતુની કિંમતી મિલકત રૂ.૬,૦૦,૦૦,૦૦૦માં ખરીદવાનું નક્કી કર્યું હતું. આરોપીએ ફરિયાદી પાસેથી ગિફ્ટ ડીડ મારફતે દસ્તાવેજ કરાવી લીધા બાદ રૂપિયા ચૂકવી આપવાની ખાતરી આપી પ્રોમિસરી નોટ અને નોટરી સમક્ષ સમજૂતી કરાર કરી આપ્યા હતા.
જોકે, ત્યારબાદ નક્કી થયેલી રૂ. ૬ કરોડની રકમ આપી નહોતી.આટલું જ નહીં, ભવદિક વિપુલભાઇ મહેતાએ ૨૯ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ગિફ્ટ ડીડનો દસ્તાવેજ છોડાવવાના બહાને ફરિયાદી પાસેથી વધુ રૂ. ૨,૫૦,૦૦૦ રોકડા પડાવી લીધા હતા. આમ, બંને આરોપીઓએ પોતાની કાયદેસરની ચૂકવણી કરવાની જવાબદારી હોવા છતાં ફરિયાદીને નાણાં ન ચૂકવી, એકબીજાના મેળાપીપણામાં કુલ રૂ. ૬,૭૨,૫૦,૦૦૦ની રકમ ચાઉં કરી જઈ છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આર.ડી. કુવાડિયા વધુ તપાસ કરી રહ્યા છે.









































