હિન્દુ ધર્મમાં પૂર્વજોની મુક્તિ અને આત્માની શાંતિ માટે શ્રાધ્ધ વિધિ અતિ મહ¥વપૂર્ણ મનાય છે. દર વર્ષે ભાદરવાના કૃષ્ણ પક્ષ દરમિયાન શ્રાધ્ધ કરાય છે. જે પિતૃપક્ષ તરીકે પણ ઓળખાય છે.કહેવાય છે કે આ વિધિમાં દાન, તર્પણ, પિંડદાન અને ભોજન દ્વારા પૂર્વજોના આત્માને શાંતિ અને મોક્ષનો માર્ગ પ્રદાન કરાય છે. શાસ્ત્રો અનુસાર, શ્રધ્ધાથી કરેલું દાન સીધું પૂર્વજોને પહોંચતા એમના આત્માને શાંતિ મળે છે. જાણીએ એવાં ૫ પવિત્ર સ્થળ, જ્યાં શ્રાધ્ધ કરવાથી એનું ફળ અનેકગણું વધી જાય છે.
– ચાણોદ-કરનાળી (ગુજરાત)
ચાણોદ-કરનાળી નર્મદા નદી કિનારે આવેલું શ્રાધ્ધ કર્મ માટેનું અતિ પવિત્ર સ્થળ મનાય છે. એને ગુજરાતનું કાશી પણ કહે છે. હિન્દુ ધર્મમાં નર્મદા નદી મોક્ષદાયિની નદી તરીકે ગણાય છે,એના પવિત્ર જળમાં સ્નાન કરવું એ પાપનું નિવારણ અને આત્માની શાંતિ માટે શ્રેષ્ઠ મનાય છે.ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન,અહીં શ્રાધ્ધ વિધિ કરવા માટે દેશભરમાંથી લોકો આવે છે.નર્મદા નદીમાં સ્નાન પછી,યાત્રાળુ તર્પણ અને પિંડદાનની વિધિ કરે છે.આ વિધિ પૂર્વજોના આત્માને શાંતિ પ્રદાન કરે છે.એમના મોક્ષનો માર્ગ સુગમ બનાવે છે.આ સ્થળની શાંત અને આધ્યાત્મિક ઊર્જા યાત્રાળુઓને ગહન શાંતિનો અનુભવ કરાવે છે.
– સિધ્ધપુર (ગુજરાત)
મહેસાણા જિલ્લાના સિધ્ધપુર ખાતે આવેલું આ સ્થળ હિંદુ ધર્મમાં માતૃશ્રાધ્ધ માટે પ્રસિધ્ધ છે.ભારતના બીજા અનેક તીર્થમાં પિતૃશ્રાધ્ધ કરવાની પરંપરા જોવા મળે છે, પણ માતાની આત્મશાંતિ માટે શ્રાધ્ધ કરવાની પરંપરા સિધ્ધપુરમાં જ જોવા મળે છે.જેથી સિધ્ધપુર માતૃગયા તરીકે પણ ઓળખાય છે.
અહીં સરસ્વતી નદીના કિનારે આવેલું બિન્દુ સરોવર શ્રધ્ધાળુઓનું મુખ્ય આકર્ષણ છે.પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુએ અહીં કપિલા નદીને પોતાના અંગૂઠાના અગ્રભાગે રોકી હતી,જેથી સરોવરનું નિર્માણ થયું. બિન્દુ સરોવરમાં સ્નાન કરવાથી પિતૃદોષનો નાશ થાય છે અને માતૃશ્રાધ્ધ વિધિથી આત્માને ચિરશાંતિ મળે છે.આ સ્થળે હજારો વર્ષોથી લોકો તર્પણ અને પિંડદાન કરતાં આવ્યાં છે.
સિધ્ધપુરનું ઐતિહાસિક અને ધાર્મિક મહ¥વ બિન્દુ સરોવર ઉપરાંત અહીંનું રુદ્રમહાલય મંદિર પણ છે. આ મંદિર એક સમયે અતિ વિશાળ અને ભવ્ય શૈવ મંદિર હતું.આ મંદિરનું નિર્માણ સોલંકી યુગ દરમિયાન રાજા સિધ્ધરાજ જયસિંહે કરાવ્યું હતું.આજે ભલે એનું મોટાભાગનું માળખું અવશેષ સ્વરૂપે જોવા મળે,છતાં તેની શિલ્પકળા અને કોતરણી અદ્દભુત કળાત્મકતા દર્શાવે છે.
– વારાણસી (ઉત્તર પ્રદેશ)
વારાણસી, યુપીમાં આવેલું પ્રાચીન અને પવિત્ર નગર, જે ગંગા નદીની પશ્ચિમ કિનારે વસેલું છે. આ શહેર કાશી કે બનારસ તરીકે પણ ઓળખાય છે. વારાણસીનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે, જે વિશ્વના પ્રાચીન શહેરોમાં ગણાય છે. કહેવાય છે કે આ શહેરની સ્થાપના સ્વયં ભગવાન શિવે કરી હતી માટે એને મોક્ષનું દ્વાર પણ કહે છે.
અહીં દશાશ્વમેધ, મણિકર્ણિકા અને અસ્સી ઘાટ પ્રસિધ્ધ છે.મણિકર્ણિકા ઘાટ તો અંતિમ સંસ્કારના ઘાટ તરીકે ઓળખાય છે. અહીં અંતિમ સંસ્કાર કર્યા પછી આત્માને મુક્તિ મળે છે.દશાશ્વમેધ ઘાટ પર સ્નાન-પૂજન બાદ શ્રાધ્ધ, તર્પણ અને પિંડદાન કરાય છે.
વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરને હિંદુ ધર્મમાં અદ્વિતીય સ્થાન પ્રાપ્ત છે.સાંજે ગંગા આરતી વારાણસીનું અનોખું આકર્ષણ છે.દશાશ્વમેધ ઘાટ પર પૂજારીઓ દ્વારા કરાવાતી આ ભવ્ય આરતી જોવા હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે.ગંગાની લહેરો પર દીવડાનો ઝગમગાટ અને મંત્રોચ્ચારથી સર્જાતાં દૃશ્યો અવિસ્મરણીય અનુભૂતિ છોડી જાય છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે કાશીમાં કરાતી વિધિનો પ્રભાવ અન્ય સ્થળની તુલનામાં અનેકગણો વધુ હોય છે. પિતૃકર્મ કે તર્પણ માટે અહીં વહેલી સવારે ગંગાસ્નાન બાદ વિધિ કરવી અતિ શુભ મનાય છે.
– ગયા (બિહાર)
બિહારમાં આવેલું હિંદુ ધર્મનું ગયા શ્રાધ્ધ અને પિંડદાન માટેનું સૌથી પવિત્ર સ્થળ છે. ફાલ્ગુ નદી કિનારે આવેલા આ તીર્થધામમાં પૂર્વજોના આત્માની શાંતિ માટે તર્પણ અને પિંડદાન કરવાની પરંપરા છે. અહીં ૫૪ વેદી પર વિધિ કરાય છે, જેમાં તલ, ચોખા અને ઘીનો ખાસ ઉપયોગ થાય છે. માન્યતા છે કે, આ વિધિથી પિતૃઓને મોક્ષ મળે છે. રામાયણ અને મહાભારતમાં આ સ્થળનો ઉલ્લેખ ગાયપુરી તરીકે થયો છે, જ્યારે લોકકથા મુજબ અહીં ભગવાન વિષ્ણુએ પોતાના ચરણચિન્હ મૂક્યા હતા.આજે ય ભગવાન વિષ્ણુની ચરણપાદુકાનું મંદિર દર્શનાર્થીને આકર્ષે છે. અક્ષયવટ
વૃક્ષ નીચે કરાતી પ્રાર્થના પુણ્યદાયી મનાય છે. ખાસ કરી પિતૃપક્ષ દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટે છે. મહાબોધિ મંદિર, બ્રહ્મય ટેકરી અને આસપાસના તીર્થસ્થળો વર્ષભર પ્રવાસીઓને આકર્ષતાં રહે છે.
– પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ)
પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશનું ઐતિહાસિક અને પવિત્ર શહેર,જે પ્રાચીન કાળથી પ્રયાગ કે તીર્થરાજ તરીકે ઓળખાય છે. અહીં ગંગા, યમુના અને સરસ્વતી નદીનું સંગમ છે,જેને ત્રિવેણી સંગમ કહે છે.હિંદુ માન્યતા મુજબ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી જન્મ જન્માન્તરના પાપ ધોવાઈ જાય છે.આત્માને શુદ્ધિ તથા મોક્ષની પ્રાપ્તી થાય છે.આ સ્થળે શ્રાધ્ધ,તર્પણ અને પિંડદાન કરવાની પરંપરા હજારો વર્ષ પ્રાચીન છે. ત્રિવેણી સંગમમાં કરેલ પિતૃકર્મ આત્માને શાંતિ આપે છે. પિતૃપક્ષ દરમિયાન અહીં લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે.
પ્રયાગરાજનો ઉલ્લેખ ઋગ્વેદ અને પુરાણોમાં તીર્થના રાજા તરીકે થયો છે.એવું મનાય છે કે અહીં ભગવાન બ્રહ્માએ પ્રથમ યજ્ઞ કર્યો હતો, એટલે આ સ્થળનું નામ પ્રયાગ પડ્યું. ઐતિહાસિક સમયમાં સમ્રાટ અશોકે અહીં પોતાના શિલાલેખ સ્થાપ્યા હતા,જે આજે ય જોવા મળે છે.મુગલ બાદશાહ અકબરના સમયમાં શહેરનું નામ અલ્લાહાબાદ રાખ્યું હતું, પણ ૨૦૧૮માં ફરીથી પ્રયાગરાજની ઓળખ અપાઈ.અહીં મહાકુંભ અને અર્ધકુંભ મેળાનો વિશેષ મહિમા છે.દર બાર વર્ષે યોજાતો મહાકુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો મનાય છે, જેમાં કરોડો યાત્રાળુ ગંગાસ્નાન કરવા આવે છે.









































