અમરેલી જિલ્લાના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય વિપુલ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને અમરેલી જિલ્લાને ‘સ્પેશ્યલ એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીયલ ઝોન’ જાહેર કરવાની માંગ કરી છે. પત્રમાં જણાવ્યા મુજબ જિલ્લામાં રોડ-રસ્તાના કામો પૂર્ણ થતાં પરિવહનની સુવિધામાં વધારો થશે, પરંતુ રોજગારીની તકો મર્યાદિત રહેવાની શક્યતા છે. પરિણામે ખેડૂત અને મજૂર પરિવારો રોજગારી માટે શહેરો તરફ સ્થળાંતર કરી રહ્યા છે.
વિપુલ દુધાતે રજૂઆતમાં જણાવ્યું છે કે ખેડૂતો દ્વારા ઉત્પાદિત ખેત પેદાશોનું જિલ્લામાં જ પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધિત ઉત્પાદન કરવામાં આવે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકે અને સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ ઊભી થઈ શકે. આ હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ કરમાંથી ૧૦ વર્ષ સુધી છૂટછાટ આપવામાં આવે તેવી વિશેષ નીતિ બનાવવાની વિનંતી કરવામાં આવી છે. આ બાબતે પ્રદેશ ભાજપ પ્રમુખ, નાયબ મુખ્યમંત્રી, સાંસદ અને અમરેલી જિલ્લાના ધારાસભ્યોને પણ રજૂઆત કરવામાં આવી છે.