સોમનાથ-વેરાવળ બાયપાસ રોડ પર કોટડા વેરાવળ રૂટની એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રોડ ક્રોસ કરી રહેલા એક ટુ-વ્હીલર ચાલકને બચાવવા જતા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારી હતી. જેના કારણે પાછળથી આવી રહેલી એસટી બસ ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માતના પગલે બસમાં સવાર ૧૧ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બસમાં મુસાફરો ઉપરાંત ડ્રાઈવર અને કંડક્ટર પણ સવાર હતા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને તમામ મુસાફરો, ડ્રાઈવર તથા કંડક્ટર સુરક્ષિત રહ્યા હતા. અકસ્માતમાં એસટી બસના આગળના કાચ તૂટી ગયા હતા. બેફામ રીતે રોડ ક્રોસ કરી રહેલા ટુ-વ્હીલર ચાલકને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું હતું. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.