ધારીમાં સુખપુર – ક્રાંગસા ફોરેસ્ટની ૧૦ નંબરની વીડીમાં ફોરેસ્ટ વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતાં કર્મચારીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે દલખાણીયા ગામે રહેતા ગોકળભાઇ વશરામભાઇ પરમાર (ઉ.વ-૫૨)એ સુખપુર ગામના સલીમભાઇ બચુભાઇ બ્લોચ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાની ફરજમાં જતા હોય ત્યારે સુખપુર ગામે હાજીભાઇની દુકાન પાસે પહોચતા આરોપીએ તેમને ઉભા રાખ્યા હતા અને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા. તેઓ ફોરેસ્ટની ૧૦ નંબરની વીડીમાં પહોચતા આરોપી પાછળથી મોટરસાઇકલ લઈને આવ્યો હતો અને તેમને ઉભા રાખી ફરજમાં જતા અટકાવી લોખંડના પાઇપથી એક ઘા જમણા હાથમાં તેમજ બીજો ઘા ડાબા પગમાં તેમજ ત્રીજો ઘા વાસાના ભાગે માર્યો હતો. છાતીના ભાગે મુંઢમાર મારી જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત તેમના હાથમાંથી મોબાઇલ ફોન આંચકી લીધો હતો.