સમય બદલાઈ ગયો છે. જેના પર આપણે ક્યારેક વિચાર કરતા હતા એવા વિષયો પર નિત્ય વિચાર કરવાનો વારો આવ્યો છે. જિંદગીનું નામ જ સમસ્યાઓ છે, જે વિઘ્ન નથી પણ તે માનવ જીવનને અનુભવ સમૃધ્ધ બનાવે છે. પૈસો કેમ પેદા કરવો એ વિશ્વનો સૌથી પ્રિય ઉદ્યમ છે, તેમાં ય ગુજરાતી તરીકે જન્મ લેવાની સાથે જ નાણાં તરફનું આકર્ષણ સાહજિક છે. જોકે માત્ર સંપત્તિ સર્જનની વ્યસ્તતામાં સ્વાસ્થ્યની સંપત્તિને વેડફી નાંખવાની ભૂલ મોટા ભાગના કરી બેસતા હોય છે. એટલે કે સ્વાસ્થ્યનો ખર્ચ કરીને પહેલા પૈસા મેળવવા અને પછી પૈસાનો ખર્ચ કરીને સ્વાસ્થ્ય શોધવા નીકળવું. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારત માટેનો સૌથી મોટો ખતરો અનારોગ્ય છે એમ જાહેર કર્યું છે. આખા દેશના સર્વેક્ષણ પર નજર નાંખવાને બદલે આસપાસમાં જ નજર કરો તો દસમાંથી સાત હિન્દુસ્તાનીઓ ખોરાકી કુટેવના ભોગ બનેલા હોય છે. આ કુટેવનો અર્થ એ છે કે જાણ્યે કે અજાણ્યે તેમના ભોજનથાળમાં ત્યાગ કરવાપાત્ર સામગ્રી પીરસાતી રહેતી હોય છે. ભારતના ચાલીસ ટકા લોકો ઠંડો ખોરાક લે છે અને એમાંના મહત્ લોકો તો ચાર કે છ કલાક પહેલા રાંધેલો ખોરાક આરોગે છે. સો દર્દની એક દવા તરીકે ગરમાગરમ રસોઈની વાત આયુર્વેદમાં કહેવામાં આવી છે. બીજી નવાઈની વાત એ છે કે આરોગ્ય સંબંધિત સલાહ આપો તો કોઈને ગમતી નથી. ભારતીય પ્રજા જે એક સમયે ખડતલ ગણાતી હતી તે હવે વિવિધ રોગથી ઘેરાવા લાગી છે. દેશના વીસ ટકા યુવાનોમાં કોઈ જ કારણ વિના માથાનો દુઃખાવો રહે છે. બહુ નાની ઉંમરે લેવામાં આવતી દવાઓ શરીરની આંતરિક સંરચનાને ગંભીર નુકસાન પહોંચાડે છે. નવી પેઢીના કોર્પોરેટ અધિકારીઓ પણ આરામ-વિરામની પોતાની અયોગ્ય ટેવોને કારણે શરીર પર જુલમ ગુજારે છે. વિકસિત રાષ્ટ્રોમાં પણ કોર્પોરેટ કલ્ચર છે જ. એમના સ્ટાફમાં ઉચ્ચ કક્ષાની આરોગ્ય સભાનતા હોય છે. અમેરિકા અને યુરોપિયન દેશોના નાગરિકોની ફૂડ હેબિટ પૂર્ણતઃ વૈજ્ઞાનિક અભિગમ ધરાવનારી હોય છે. આપણે ત્યાં આવતા વિદેશીઓ ભારતીય પ્રજાની આડેધડ આરોગવાની પધ્ધતિ જોઈને રીતસર ડઘાઈ જાય છે. દરેક સમસ્યાનો ઉકેલ નાણાંમાં રહેલો છે, તેવી દ્રઢ માન્યતા વર્ષોથી ઘર કરી ગઈ છે. તે સંદતર ખોટી પણ નથી છતાં માત્ર તેને જ એકમાત્ર લક્ષ્ય બનાવવામાં લાખ્ખો ખર્ચતા ન મળે તેવું સ્વાસ્થ્ય ગુમાવી દેવાનો વારો આવે છે. કોરોનાના આ ભયજનક દિવસોમાં હવે ગુજરાતી પ્રજાને આરોગ્યનો મહિમા કંઈક સમજાય છે. પળેપળે મહેનત કરીને કરેલી કમાણી હોસ્પિટલોના બિલોમાં વહી જતી જોવા કરતાં તો સ્વાસ્થ્યની જાળવણીમાં વિશેષ ધ્યાન આપવું એટલા માટે જરુરી છે કારણ કે વખત આવ્યે કમાણીની મજા માણી શકાય. આ દુનિયામાં ઓછું કમાઈને ભરપુર સુખ માણનારા લોકો પણ છે. ભારત થોડું ઘણું બચી ગયું છે એનું કારણ વિરાટ ગ્રામજીવન છે. ગામડાંઓમાં પરંપરા પ્રમાણેના આહાર-વિહાર જ્યાં યથાતથ ચાલે છે ત્યાં હજુ સ્વસ્થતા અને દીર્ઘ આયુષ્યના દ્રષ્ટાંતો જોવા મળે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરેલા સર્વેક્ષણ બતાવે છે કે ભારતના ભણેલા ગણેલા લોકોમાંથી માત્ર આઠ ટકા નાગરિકોનો ડાયેટ ચાર્ટ પરફેક્ટ છે. એનો અર્થ એ છે કે બાકીના બધા આડે પાટે ચાલે છે.
વ્યાયામને વિસારે પાડી દઈને માત્ર ધન પ્રાપ્તિના માર્ગે આગળ વધવું એ પોતાના જ હાથે પગ પર કુહાડો મારવા જેટલું છે. થાળીમાં પિરસાયેલા દાળ-ભાત અને શાક-રોટલીને જોવાને બદલે માત્ર ગુલાબજાંબુ મેળવવા માટે મથતા અનેક લોકો એવા છે કે, જ્યારે તેમની થાળીમાં ગુલાબજાંબુ પિરસાય છે, ત્યારે તબીબો તેમને તે ન ખાવાની સલાહ આપી ચૂક્યા હોય છે. આવી સ્થિતિમાં ન સપડાવું એ જ બુધ્ધિશાળી માણસનું લક્ષણ છે અને એટલે જ તળપદી ભાષામાં લખાઈ ચૂક્યું છે કે, પહેલું સુખ તે જાતે નર્યા. પણ એ વાતો બહુ પ્રાચીન થઈ ગઈ છે. હવે જે નવા ખતરા તરફ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ટકોર કરી છે તે કૃષિ ઉત્પાદનોની હલકી ગુણવત્તા છે. રાસાયણિક ખાતરોને કારણે ફળફળાદિ, શાકભાજી, કઠોળ અને અનાજની ગુણવત્તાનું ઘોર પતન થયેલું છે. આ સંસ્થાના એક નિરીક્ષણ પ્રમાણે ભારતના શ્રીમંતો, ટૂંક સમયમાં જ ભારતીય કૃષિ ઉત્પાદનોનો ત્યાગ કરીને વિદેશથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત આયાતી આહાર મેળવતા થઈ જશે. તંદુરસ્તીની માસ્ટર કી ભારતે રાસાયણિક ખાતરોની બહુલતાને કારણે ગુમાવી દીધી છે.













































