રાગ – વૈરાગ – ૩૩
‘ …ચાર આંગળીના પેટનો ખાડો પૂરવા ચાર રોટલી અને વાટકી દાળ જોઈએ છે. બે જોડી લૂગડા છે દેહને ઢાંકવા! સગી મા પણ ન હોય એવી માઈ છે. ગંગાનો કાંઠો છે. આયખાનો ઉતરતો ઢાળ છે, સાહેબ..! હવે તો જયાં જયાં થાકલા આવતા જશે ત્યાં મનમળે એવા માનવીયુ જોડે ઘડીક ઘડીક સંગત કરતી જઈશ . જ્યાં ગિનાની અને તમારા જેવા પરમાર્થી મળે ત્યાં સત્સંગ કરતી જઈશ…!!
રૂપા એટલું બોલ્યા પછી આનંદની સામે જ તાકી રહી..
બંનેની ચાર નજર ભેગી થઈ ગઈ.અને પ્રેમના દીવા પ્રગટી ઊઠ્યા…આનંદે સ્મિત કરીને પૂછ્યું,‘‘શું વિચારે છે?શું જુએ છે?’’
‘‘હું વિચારું છું ય તમને,અને જોઉં છું ય બસ,તમને જ….’’રૂપા એટલું તો માંડ માંડ બોલી શકી.
અને આનંદે આ નાજુક ક્ષણોને માંડ માંડ દૂર હડસેલતા,હસી પડતા પેલી વાત માં વાતોનો ઝોક વાળી દેતા કહ્યુંઃ
‘‘સાચી વાત છે.. તારી. !!! જીવતરમાં જે થાકલે નિંદર આવે ઈ જ થાકલો સાચો રૂપી!! પણ ક્યારેક ક્યારેક જિંદગીમાં એવા છેતરામણા થાકલા ય મળે જયાં થાકલા નીચે ઘડીબે ઘડી બેસવાથી થાકલાની લગોલગ ઊભેલા ઝાડવેથી કીડાં ય ખરે છે. એ કીડા આપણાં રોમેરોમ કરડી ખાય એવાય હોય છે. અને એવા કોઈ માનવીયું પણ મળે. જે આપણને ભરખી જતા હોય છે ..રૂપી!’’
“પણ જે સાચા થાકલા અને વિસામા મળ્યા છે એ ભૂલાતા નથી સાહેબ..’’
‘‘..તું મારી માટે એવો જ વિસામો હતી! આનંદ લાગણીશીલ થતા બોલ્યો: ’’સાવ અજાણ્યું ગામ, અજાણ્યા લોકો, અજાણ્યો મલક….!!પણ આટલા બધા જ માંથી એક તું જ મારી થઈ જાણીતી હતી કદાચ! તુંજ મારી ભીતર પહોંચી શકી હતી!
‘‘ગયા ભવની અધૂરી ઓળખાણ..આ ભવમાં પૂરી થાય એટલે જ કદાચ ભગવાને તમને મોકલ્યા હોય મારી પાસે….’’ એટલું બોલતા તો રૂપીની છાતી ધડકી ઊઠી.
“ભવોભવની ઓળખાણ હોય. ઈતિહાસ તો પૂર્વજન્મનો મને કે તનેય યાદ ન હોય પણ.તું મળી, તો જાણે બધું જ મળી ગયું.
કશી જ અભિપ્સા, આશા, અરમાન રહ્યા નહોતા. તું જ મારી જીંદગીનું પૂર્ણવિરામ હતું જ્યાં મને સર્વ પ્રકારના સુખો પ્રાપ્ત થતા હતા. પણ અધૂરી ઓળખાણ પૂરી થઈ પણ આપણી લેણદેણ પૂરી ન થઈ રૂપા..!’’
“ એ ય બધું ઉપરવાળાના હાથમાં હશે, કદાચ…’’ રૂપી એ કહ્યું ઃ આપણી ગત જનમની અધૂરી વારતાના બેચાર પાનાં લખવા તમે કદાચ મારે ત્યાં આવ્યા હો..’’
‘‘..હા. પણ તોય એ વારતા પૂરી ક્યાં થઈ રૂપી?’’ ઊંડા દુઃખ સાથે આનંદ બોલ્યો.
‘‘વિધાતાએ એટલી જ વારતા લખી હશે..પણ એટલા.પાના ફરી ફરીને વાંચવા કેવા ગમે છે..??! જ્યારે પણ વિપતના વાદળા વરસવા માંડે,ખાલીપો અંદરથી ખાવા દોડે ત્યારે એ જ પાના લઈને હું બેસું છું.અને મારું મન શાંત થઈ જાય છે!’’
‘‘અરે,રૂપી!..એ વારતાના પાનાં તો વેરવિખેર થઈ ગયા રૂપી…. લખવા ધારતો હતો કૈંક….ને વિધાતાએ લખી નાખ્યું કૈંક જૂદુ જ! જીવનમાં એક પાત્ર આવ્યું , એને પામી ન શક્યો અને પત્ની આવી એ મને ન સમજી શકી, કે પામી શકી! પણ બાના દિલને ઠેસ ન લાગે એટલે મેં મન મનાવી લીધું હતું! એક જ છત નીચે અમે રહેતા હતા પણ એકબીજાનાં મન સુધી ક્યાં પહોંચી જ શક્યા હતા! યુવાનીના જોશમાં ક્યારેક કોઈ ક્ષણે બે તન ભેગા થયા….પણ મન? મન તો વિખુટા જ રહ્યા.’’…
“પણ કૈંક તો બન્યુ હશેને! એની પાછળનું વજુદ?!..
“વજુદ માં વહેમની ફાંસ.’’
“કઈ રીતની ? તમારે કશું, ક્યાંય, ક્યાંક..’’
‘‘અરેરે… તું ય પણ?’ આનંદ ઊંડા દુઃખ સાથે અંદરથી ઊછળી આવતા એક આક્રોશ સાથે બોલી ઊઠ્યો,ઃ’’ તને ય મારા ચારિત્ર્ય ઉપર વહેમ??!’’
“અરે… ના રે ના… રૂપા કંપી ઉઠી. ‘‘એવું ના વિચારો..હું તો એ કારણ જાણવા માગું છું કે એમ.કેમ થયું? તમારે ય મારી જેવું જ?? ..તો તો આપણી બે ય ની કહાણી એક સરખી જ??’’ એણે આનંદ ના ચહેરા સામે જોયું.તો આનંદ ની આંખોમાંથી આંસુ નીકળીને છેક ગાલ સુધી રેલાઈ આવ્યા હતા!
‘‘અરે,અરે,અરે…બસ..આનંદ,બસ….’’ અચાનક એ ઊભી થઈને આનંદની પડખે બેસી જતા પોચા હાથે એ આંસુના રેલા લૂછી નાખતા બોલીઃ‘‘ બીજું બધું જ હું સહન કરી લઉ પણ તમારી આંખોમાંથી નીકળતા આંસુ હું ક્યારેય સહન નહીં કરી શકું..ચાલો,છાનાં રહી જાવ તો…’’ પોતાની હથેળીમાં આનંદનો ચહેરો સમાવતા બોલી.અને પછી તેની આંખોમાં આંખો નાખી લાગણીથી કહ્યું ઃ‘અરે, મારા રામ!.. તમારા ઉપર તો ગળા સુધી ભરોસો છે. સાવ કાચીને કુંવારી ક્ષણો તમારા હાથમાં હતી પણ તોય એ ક્ષણોને પકડવા એક પુરૂષ સહજ એક પણ ઈશારો નથી કર્યો. મારું ઘર હતું, એકાંત હતું. હું હતી વહેતી નદી જેવી! પણ તમે એ નદીને પામવા કદિ પણ ખોટું પગલું મૂક્યું જ નહોતું. નહીંતર તો એક ઉંબરો વળોટવા જેટલું જ દૂર હતું. કેટલી વાર લાગત? પણ ના..!!અને હા, મને તો વિશ્વાસ છે જ કે કાળી રાત હોય, તોય હું તમારી સંગ ચાલી નીકળતી. પણ એમને કેવો વહેમ? કયો વહેમ?
ચંદ્રકાન્તભાઈની દીકરી શ્વેતા, અને મારી ભાવિ પત્ની સુમન અમારી સગાઈ થયા પછી બન્ને એક જ હોસ્ટેલમાં રહીને ભણતા. એમાં ઓળખાણ થઈ અને શ્વેતાએ મારાં અને તારા સંબંધો વિષે…સાવ જૂઠનું સાચ કરી દીધું..!!
– હું જીંદગીભર એ વેણ- કવેણ સાંભળતો જ રહ્યો. ઘડીભર તો થતું કે ઘર છોડીને નીકળી જઉં પણ ભગવાને એક દીકરી આપી હતીને? એનું મોઢું મને આડું આવતું હતું. બા ય પણ મારો બળાપો સાથે લઈને જ ગઈ. બાપુજી તો પહેલા જતા રહ્યા હતા
– ‘તો પછી? અત્યારે તમે એમની સાથે નથી? તમે જુદા છો??’
‘ના….એને બ્રેસ્ટ કેન્સર થયું. અમદાવાદનાં અને મુંબઈ હોસ્પિટલના બહુ દોડા કર્યા. એની છેલ્લી ક્ષણોમાં… એણે મારી માફી માગી. કહ્યું કે મેં તમને બહુ સતાવ્યા છે. મને ખબર નહોતી કે મારો પતિ તો સાક્ષાત રામ છે. જેની નજરમાં મારી સિવાય કોઈ છે જ નહીં.!’
અને એક દિવસ એ કહાણી પૂરી થઈ ગઈ! દીકરી નાની હતી. પણ તે જ દિવસથી મોટી થઈ ગઈ તું માન કે ન માન… પણ એ છોકરી મારી મા થઈ ગઈ…પણ…
‘પણ હું સાવ એકલો થઈ જઈશ. જયારે એ જશે ત્યારે..’ અચાનક આનંદની આંખમાં પાણી ધસી આવ્યા.
“રૂપા…દીકરીના સહારે જ જીવી રહ્યો છું. બાકી હવે કોઈ અબળખા બાકી નથી. એ ના પાડે છે…કે પપ્પા, તમને મૂકીને હું ક્યાંય જવાની નથી.. પણ દીકરી છે. એક દિવસ સાસરે તો મોકલવી જ પડશે. આનંદ બોલતો રહ્યો, હૈયું ખાલી કરતો ગયો. તે સાંભળતી ગઈ.
‘‘પણ…પણ..’’ મારે માટે થઈને એને ક્યાં સુધી હું ઘરમાં સંઘરી રાખુ? એનાય અરમાન હોય, સમણાં હોય, કોડ હોય….પણ… મા છે મારી!
‘બસ હવે આમ રડો નહીં. મનેય ખૂબ દુઃખ લાગે છે. જીવતર પંખીના માળા જેવું છે. એક જ પરિવારમાં. કંઈ કેટલાય જનમો અગાઉ જીવી લીધેલા, વિખૂટા પડેલા, નોખાં નોખાં જીવ એક જ માળે આવે છે. એનું આયુષ્ય પુરૂ થયે જેમ ઊડી જાય છે એમ દીકરીઓ તો ખાલી મોટી થવા જ આવે છે ને! લીલેરા વનની ચરકલડી છે..સાહેબ! પંખીની જાત છે. એના માળે એને ઉડવાનું જ છે અને એ ફરજ આપણે પૂરી કરવાની છે…’’
‘પણ…એણે બાંધેલા, સાચવીને રાખેલા અને ગૂંથેલા માળા અને માળાના તણખલા જોઈને. આપણો જીવ… બળીને રાખ થઈ જાય રૂપી…”
“સગપણ તો ઝાડવું છે અને જીવતર પંખીની જાત છે. કોઈ પંખી આ માળામાં આવ્યું, સાથે રહ્યું અને કાલે ઊડીને જતું રહ્યું..
“પણ કોઈના નામનાં માળા હોય એ?’’
..એને આપણે છેક છેલ્લે લગી જાળવવાના. એનું નામ જ જીંદગી! રૂદિયામાં નોંખાં નોખાં નામના માળાને નોખી નોખી લાગણીથી જાળવવાના, સાચવવાનાં અને શણગારવાના’ય પણ..! બસ, બાકી તો ભગવાને મમતા અને માયા નામનો પદારથ માનવીને આપ્યો જ ન હોત તો આ જીવરતરમાં બીજું રહેતેય શું? એના સહારે તો ટકી ગયા છીએ. તમે જીવને કોચવો મા! તમે મારી કહાણી તો સાંભળીને?
આનંદ તેના ખોળામાં માખું નાખી રડી પડયો કિચૂડ… કિચૂડ…
– રૂપાએ માથામાં વ્હાલપભર્યો હાથ ફેરવતા કહ્યું: જીવતર તો પંખીની જાત છે… સાહેબ… ચાર દિનની ઉડાન છે. જેવી ઉડાન પૂરી થઈ કે જીવતરેય પૂરું…
“પણ રૂપી, એ ઉડાન સીધી ક્યારેય નહોતી રહી. એમાં પવનના ઝપાટા એટલા બધા વાગ્યા કે પાંખો જ જાહલ થઈ ગઈ..! ક્યારેક આંધી આવી, ક્યારેક તોફાન આવ્યા. અને હવે? હવે ઊડતા ઊડતા જ થાકી જવાયું છે. ક્યારેક એવોય વિચાર આવે છે કે હજીય ક્યાં સુધી ઊડવાનું છે! આ વારતા ક્યારેય પૂરી થશે કે નહી? આ ઉડાન પૂરી થશે કે નહીં?
“હા…વાત તો તમારી સાચી છે પણ જેટલું જીવતરમાં લખ્યું છે એટલું તો ઉડવાનું જ છે ને?
– અચાનક એજ વખતે બહારથી અવાજ આવ્યો અને અટકાડેલું બારણું હળવેકથી ખૂલ્યું .
બન્ને ચોંકીને ઊભા થઈ ગયા. અને જોયું તો?
– આનંદની આંખો પહોળી થઈ ગઈ.
(ક્રમશઃ)










































