રાખનાં રમકડાં
ત્યાં જ મારી નજર મહેશના રૂમના ખુલ્લા બારણા પર ગઈ. થયું કે ઉતાવળમાં મહેશ બારણું બંધ કરવાનું ભૂલી ગયો હશે. એટલે ત્યાં આગળ પહોંચી સહજતાથી હું તેના રૂમમાં અંદર ગયો. જોયું તો રૂમ અંદર બધું જ બધું અવ્યવસ્થિત અને જેમ તેમ પડ્યું હતું. એટલે તરત હું ત્યાંથી બહાર નીકળવા ગયો પરંતુ બહાર નીકળતી વખતે મારી નજર ખૂંટી પર લટકતા મોંઘા એવા આકર્ષક અને કિંમતી લેડીઝ પર્સ પર સ્થિર થઈ ચોંટી જ ગઈ. હું એ લેડીઝ પર્સને ક્યાંય સુધી જોતો જ રહ્યો. અંતે રૂમમાંથી બહાર તો નીકળ્યો પરંતુ હજી પણ એ પર્સ વિશે સમાધાન નથી થયું, નથી થયું. મહેશ જેવા ખાનદાન છોકરા પાસે આવું મોંઘુંદાટ લેડીઝ પર્સ…?’’
ને આ કિંમતી લેડીઝ પર્સનું નામ સાંભળતાની સાથે શાંતુની આંખે અંધારાં છવાયાં. તેના ચહેરા પર પ્રસ્વેદના ટીપાં પણ ચમકવા લાગ્યા. દામલે આ શાંતુની હાલત જોઈને ફરી બીજું આશ્ચર્ય થયું.
ખરેખર શાંતુ અત્યારે ખૂબ જ ગભરાયેલી હતી, ને આવા ગભરાટને છુપાવવા માટે તે ઝડપથી ઊભી થતાં દામલને કહ્યું : ”એક મિનિટ, હું હમણાં જ આવું છું…’’ એટલું કહી તે ઝડપથી રસોડા તરફ ચાલી ગઈ.
રસોડામાં પહોંચીને શાંતુએ પહેલાં તો તેનું મોઢું ભાર દઈને ધોઈ કાઢ્યું. આંખોમાં પાણીની છાલક પણ મારી. આટલું કરવાથી તેને થોડી શાંતિ થઈ. પછી સ્વસ્થ થવાનો તેણે ખૂબ ખૂબ પ્રયત્ન કર્યો. તો પણ અત્યારે તો તેની નજર સામે ફક્ત ને ફક્ત પેલું લેડીઝ પર્સ જ તરવરતું હતું.
શાંતુએ વિચાર્યું:
પોતાને જે લેડીઝ પર્સ મહેશ તરફથી પ્રેઝેન્ટમાં મળ્યું હતું તે પર્સ પરત કરતી વખતે શાંતુએ મહેશને કહ્યું હતું કે, તે આપેલી પ્રેઝેન્ટ હું તને પરત કરું છું. અને દામલને ભેટ આપેલી ઘડિયાળ પણ હું તને પાછી આપું છું. કારણ કે આવી થાપણ ઘરમાં રાખવી સારી નહીં. વળી દામલની નજર પણ ખૂબ જ ભારે ભારે છે. તારા ને મારા સંબંધો જે છે તે તો એમ જ રહેવાના. પરંતુ આવી ભેટ જેવી વસ્તુથી કોઈને શંકા જાય તેવું આપણે શું કામ કરવું જોઈએ? હવે આ બંને ભેટ તું તારી પાસે જ સાચવીને મૂકી દે, જ્યારે તું વિસાવદર જા ત્યારે તારા ઘર માટે લેતો જજે…
આટલી બધી સાવચેતી અને સ્વચ્છ… સારી ભાવનાથી કરેલું સારું કામ…
આજે જ ને અત્યારે દામલની નજરે કેમ ચડ્યું હશે? હવે શું કરવું? તો પણ જે થાય તે જોયું જશે… એમ વિચારી શાંતુ રસોડામાંથી બહાર નીકળી એ યાદી બેઠકખંડમાં આવી પહોંચી, સોફામાં દામલ પાસે જ બેસી ગઈ.
થોડીવાર માંડ થઈ હશે ત્યાં તો નોકરી પરથી મહેશ પણ ઘરે આવ્યો. બેઠક-રૂમમાં દામલ અને શાંતુને બેઠેલાં જોઈ મહેશે સહજ રીતે એમ જ પૂછ્યું: ”સર… તમે ક્યારે આવ્યા? ને બાને કેમ છે…?’’
”હું તો વહેલી સવારમાં જ આવી ગયો છું. આવીને તરત સ્કૂલે ચાલ્યો ગયો. સ્કૂલેથી બપોરના આવ્યા પછી જમીને આરામ કર્યો, પાંચેક વાગ્યે બહાર લટાર મારી, ને પાછો ઘરે આવ્યો ત્યારે શાંતુ પણ ઘરે આવી. હવે પછી અહીં બેઠાં ત્યાં તો તું આવ્યો. હવે એ કહે, તારી નોકરીનું કેમ ચાલે છે?’’
”બધું જ બરાબર ચાલે છે, સર…’’
”અરે મહેશ…, મારે તને એક વાત પૂછવી છે, પૂછું…?” દામલે મહેશને સીધો જ પ્રશ્ન કર્યો.
આ ક્ષણે… શાંતુ ખૂબ જ ગભરાઈ ગઈ. તેના કપાળ પર ફરી પરસેવો જામવા લાગ્યો. તેના હૃદયના ધબકારા વધવા લાગ્યા. એકાદવાર તો આંખે અંધારાં પણ આવ્યા. તેને પાક્કી ખાતરી હતી કે હમણાં જ દામલ પેલા કિંમતી લેડીઝ પર્સ વિશે મહેશને પૂછશે. હે ભગવાન હવે શું થશે…? એવું મનોમન શાંતુ બડબડી.
ને ત્યાં તો દામલે સાચે જ મહેશને પૂછ્યું: ”તમારા વિસાવદરમાં ક્રિષ્ના પેટ્રોલ પંપ તેં જોયો છે…?’’ ”હા સર…, મેં જોયો છે… પણ આ પેટ્રોલ પંપનું તમારે શું કામ પડ્યું…?’’
”મારે કંઈ કામ નથી. બસ… ફક્ત તને હું પૂછું છું કે, એ પેટ્રોલ પંપની બરાબર સામે…’’ ”એક ભવ્ય આલિશાન બંગલો છે, એમ જ ને? આ બંગલો અમારા પંથકમાં ખૂબ જ પ્રખ્યાત છે. બધાને ખબર છે. મેં પણ એ બંગલો જોયો છે…’’
”વાહ મહેશ વાહ…, હું હજી આગળ કંઈ બોલું તો તે પહેલાં જ તેં મારા મનની વાત રજૂ પણ કરી દીધી. ખરે જ તું ખૂબ જ હોંશિયાર તો છે જ.’’ (ક્રમશઃ)









































