ભૂતપૂર્વ ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર વિજય શંકર હાલમાં લંકા પ્રીમિયર લીગ (એલપીએલ) ૨૦૨૬ માં રમી રહ્યા છે. તે એલપીએલ ૨૦૨૬ માં કેન્ડી ફાલ્કન્સ ટીમનો ભાગ છે. આ સિઝનની બીજી મેચ દામ્બુલા સિક્સર્સ અને કેન્ડી ફાલ્કન્સ વચ્ચે રમાઈ હતી. આ હાઇ-સ્કોરિંગ મેચમાં દામ્બુલાએ ૧૮ રનથી જીત મેળવી. એલપીએલમાં પોતાની પહેલી મેચ રમી રહેલા વિજય શંકરે કેન્ડી માટે ૧૮ બોલમાં ૪૧ રનની ધમાકેદાર ઇનિંગ રમી, પરંતુ તે પોતાની ટીમને જીત તરફ દોરી શક્યો નહીં.
વિજય શંકરે પોતાની ઇનિંગમાં ૩ છગ્ગા ફટકાર્યા. વિજય શંકર આ મેચમાં કેન્ડી માટે ૭મા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. દામ્બુલાએ પોતાની ટીમ માટે ૨૦૬ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. કેન્ડી એક સમયે સંઘર્ષ કરી રહ્યું હતું, ૧૪.૩ ઓવરમાં ૧૨૨ રનમાં ૫ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વિજય શંકર બેટિંગ કરવા આવ્યો. તેણે ઝડપી ગતિએ રન બનાવ્યા, જેનાથી કેન્ડી ફાલ્કન્સને જીતની થોડી આશા મળી. જાકે, તેને અન્ય બેટ્સમેનોનો સહયોગ મળ્યો નહીં. તેણે ૧૮ બોલમાં ૩ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકારીને ૪૧ રન બનાવ્યા. આ ઇનિંગ દરમિયાન વિજય શંકરનો સ્ટ્રાઇક રેટ ૨૨૭.૭૮ હતો. તે અંત સુધી અણનમ રહ્યો, પરંતુ પોતાની ટીમને જીત તરફ દોરી શક્યો નહીં.
દામ્બુલા સિક્સર્સના કેપ્ટન દિનેશ ચંદીમલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમે શાનદાર બેટિંગ કરતા નિર્ધારિત ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૦૫ રનનો વિશાળ સ્કોર બનાવ્યો. રીઝા હેન્ડ્રીક્સે ટીમ માટે શ્રેષ્ઠ ઇનિંગ રમી, માત્ર ૫૦ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી સૌથી વધુ ૮૭ રન બનાવ્યા. ગુલબદીન નાયબે પણ અંતિમ ઓવરમાં શાનદાર ઇનિંગ રમી, માત્ર ૨૩ બોલમાં ૪ છગ્ગા અને ૨ ચોગ્ગાની મદદથી ૪૬ રન બનાવ્યા. કેન્ડી ફાલ્કન્સ તરફથી નવાન તુસારા અને દુશાન હેમંથાએ ૨-૨ વિકેટ લીધી.
૨૦૬ રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા, કેન્ડી ફાલ્કન્સ ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને માત્ર ૧૮૭ રન જ બનાવી શક્્યા અને ૧૮ રનથી મેચ હારી ગયા. ટીમ તરફથી ડેલ ફિલિપ્સે સૌથી વધુ ૫૨ રન બનાવ્યા, જેમાં તેમણે ૩૯ બોલની ઇનિંગમાં ૫ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા. લાહિરુ ઉદારાએ પણ આક્રમક બેટિંગ કરી, ૨૮ બોલમાં ૪૪ રન બનાવ્યા. વિજય શંકરે અણનમ ૪૧ રન બનાવ્યા, જ્યારે વાનિન્દુ હસરંગાએ પણ ૧૦ બોલમાં ૨૧ રનનું યોગદાન આપ્યું. જોકે, ટીમ આખરે હારી ગઈ.











































