રાગ – વૈરાગ – ૩૨
આનંદે ઊંડો શ્વાસ લીધો. આંખો બંધ થઈ અને એની બંધ આંખોમાં પોતાના’ય કડવાં વખ જેવા સંસારના કે પછી કહો કે ભૂત જેવા ભૂતકાળના પંખી પાંખો ફફડાવી રહ્યા. રૂપી અને પોતે છુટા પડ્યા પછી પોતેય ક્યાં સુખ પામ્યો હતો? નકરી બળતરા સાથે જ જીવ્યો હતો. !!
રોજ બરોજ પત્ની દ્વારા અસત્યના આશરા લઈ દોષારોપણ પોતા ઉપર થતું હતું અને એ અસત્યને અસત્ય ઠેરવી શકતો નહોતો!
રોજેરોજ નવા નવા દોષના ટોપલા માથે ખડકાતા હતા. પત્નીને એણે કેટલાય ખુલાસા કર્યા હતા પણ એ માનવાને જ તૈયાર નહોતીને? બસ, પોતે લાચાર બનીને જીવતો હતો.ને??
વિતેલી જીંદગીની કંઈ કેટલીય ઘટનાઓ તેના માનસ પટઉપર તરવરી રહી હતી…. એમાંની કેટલીય ઘટનાઓ એ તેને નકરું દર્દ જ આપ્યું હતું. દરિયામાં તરતી બધી જ હોડીઓ સલામત નથી હોતી. બધાં જ વહાણો ઉપર ભરોસો ન કરી શકાય. ઘણાં એવા છાનાં દુશ્મનો પણ હોય છે, જે છેક તળિયે જઈને કાણાં પાડી આવતા હોય છે, અને પછી ઠેકીને ભાગી જાય છે. પાછળ રહેલા બેખબર મુસાફરો ડૂબી જાય છે. કોઈ મોતે મરે છે, તો કોઈ કમોતે પણ મરે છે.
આનંદે કહ્યું; “રૂપા… મૃત્યુ એક જ ધક્કે આવે એ સહન થઈ જાય પણ. કટકે કટકે મૃત્યુ આવે. એ ખૂબ વસમું હોય છે. પૂનમચંદ શેઠે,એના ભત્રીજાએ અને અરજણિયાએ આપણી ઉપર કેવી વિતાડી હતી?? એ લોકોનું ક્યારેય સારું નહીં થાય રૂપા! આપણને એણે રૂંવે રૂંવે પીડયા… અને પીડા આપી આપીને માર્યા..!! અરે ,’ માર્યા..’ એમ કહેવા કરતા મોતને ઘાટ ઉતાર્યા એમ કહીશ.કેમ કે પછી તો જીવવા અને મરવા વચ્ચે ક્યાં ભેદ હતો??’
જવાબમાં રૂપા બોલીઃ
પૂનમચંદ શેઠ અને એનો ભત્રીજો, અરજણ અને એના બે ચાર પાગિયા એ આપણાં પ્રેમના છોડવાને ઊંબળી નાખ્યો- આપણે એની ઉપર આવેલા ફળ નહોતા જોઈતા કે નહોતા ચાખવા. એ પ્રેમના છોડવાના ફૂલો ને આપણે માત્ર પૂજા તરીકે જ ઉપયોગ કરવાનો હતો પણ જે ફૂલો આ લોકોને પગ નીચે ચગદાઈ ગયા, તે ફૂલો નહોતા પણ આપણી જીંદગી હતી.
પણ એ પાપિયાવ ને એ ક્યાં જોવું હતું? એ લોકો તો આપણને ભાળે તો જાણે કાળ ભાળતા હતા.આપણે એમનું શું બગાડ્યું હતું બોલ..!
‘…પણ તો પછી એ લોકોએય શું ફળ ભોગવ્યા? બોલો તો…ખબર છે તમને… કે એવડા એ શું પામ્યા?
‘શું ફળ ભોગવ્યા એ તો મનેય ખબર નથી. કારણ કે મારે જે દિશા એ જવાનું જ નહોતું ત્યાં મેં જોયું પણ નથી!!. જોઈ જોઈને તો પછી આંખમાં એકલી ડમરી ચડાવવાની જ હતીને? એ ક્ષણેક અટકીને પછી બોલ્યોઃ
“ચંદ્રકાન્ત ભાઈએ મને છુટ્ટો કરી દીધો પછી, એ દિશા અને એ ગામને રામરામ કરીને હું નીકળી ગયો હતો. અને મને એ પણ ખબર હતી કે
તું’ય પણ હવે કેટલા દાડાની મહેમાન હતી? વધુમાં વધુ મહીનો બે મહીનો કે… થોડાક દિવસ ઔર….!! આનંદના સ્વરમાં ભાવુકતા ભળીઃ
એક દટાઈ ગયેલો ઈતિહાસ બની ગયો હતો. પણ ભૂલાતો નહોતો. ક્યારેક ખોતરાઈ જતો હતો ત્યારે અંદરથી આપણાં પ્રેમના, સાથે મળીને ગાળેલી ક્ષણોનાં હાડપીંજર જ નીકળવાના હતા ને?
હા. સાહેબ… હાડપીંજર ને જોવાનેય એક લહાવો હોય છે ને? આપણને યાદ આવે કે આપણી માટીય પણ કેવી સરસ અને સુંદર હતી પણ…”
પણ હાડપીંજરતો એનાં તમારી પાસે અત્યારે બહાર કાઢુ છું. જેણે આપણું જીવતર ધૂળ ધાણી કરી નાખ્યું હતું. રૂપાનો અવાજ સહેજ કડક થયો.પણ સ્વરમાં વેરના વસૂલાત ની આગ ભડકી રહી હતી! તે ફરીને બોલીઃ એ તમને ખબર નહીં હોય કે આપણું જીવતર જેણે ધૂળધાણી કરી નાખ્યું હતું,ભગવાને એને કેવો ફટકો આપ્યો ?!
‘કેવો ફટકો?’
ભગવાન કાંઈ લાકડી લઈને પોતે મારવા નથી આવતો સાહેબ! માણસ ના કરમ જ તેનું ફળ ભોગવે છે.જો સારા કરમ કર્યા હોય તો એનું કરમ જ તેનું હથિયાર બને છે. અને તેને બચાવે છે..અને જો નબળા કરમ કર્યા હોય તો એ જ હથિયાર તેને ઘા આપે છે..અને એ ઘા એવા તો ઊંડા અને જીવલેણ હોય છે જે આખી જિંદગી મટતા નથી.બસ, પીડા જ આપ્યા કરે છે..!!કામી અરજણનો એકનો એક છોકરો હજી તો ઊગીને ઊભો
થયો હતો. કૂવામાં પડી ગયો. કુદરતનો એક જ ફટકો!
બીજો ફટકો પૂનમચંદ શેઠને ફેફસાનું કેન્સર થયું. એને રોજેરોજ શ્વાસના થોડાં થોડાં ટુકડા મળતા હતા અને લટકતી તલવાર જેવું મોત સામે જ ઊભું હતું. ન જીવી શકતા હતા કે ન મરી શકતા હતા.
ત્રીજો ફટકો પૂનમચંદનો ભત્રીજો, મુંબઈ શેરબજારમાં કરોડોમાં આવી ગયો. અને દવા ગટગટાવી લીધી અને પછી અરજણના બેય પાગીયા આ બધુ ભાળીને મોત ભાળી ગયા અને મારા બાપુ આગળ ઢગલો થઈ ગયા. જે કંઈ કારસ્તાન કરવામાં એમનોય ફાળો હતો એ બધું બકી ગયા. અને મારા બાપુને પ્રચંડ આઘાત લાગ્યો અને એમને પક્ષઘાતનો હુમલો આવી ગયો…
-‘‘ઓહ!..હવે?’’
– હવે નથી! જીવ્યા પણ
આભાર – નિહારીકા રવિયા થોડુંક જીવ્યા પણ…હવે
– બાપુ નથી, અને મારી બા પણ નથી.
– છેલ્લે ટાણે મ્હોં મેળો પણ ન થયો.
મને બોલાવી હતી- મારી માફી માગવા માટે. એમને મારી માફી માગવી હતી. પણ એમણે જ મને આણ દીધી હતી કે મને તારું કાળું મોઢું ન બતાવતી હવે. !!.મેં તારા નામનું નહાઈ નાખ્યું છે. – તો શું મોઢું લઈને જાઉ?
અને જયારે ગઈ ત્યારે ફોટામાં હતા. માએ પણ ખોળો પાથરીને મારી માફી માગી પણ. હથેળીમાંથી જ સુખની રેખાયું જેણે ઝાટકા દઈ દઈને ભૂંસી નાખી હોય એનું પછી શું?
મા ને કહ્યું – જેવી ઉપરવાળાની મરજી. અને જેવા મારા નસીબ!
અંતે છ મહીનામાં મા પણ વહી ગઈ. હું નોંધારી થઈ ગઈ. ભલે બા બાપુ બોલતા નહોતા પણ મારો દેહ એમના જીવ તે જીવ પડશે તે દિ’ દેન દેવા તો આવશે ને? એવી આશા હતી અને એવીય આશા હતી કે ક્યારેક તો બધુ ભૂલીને આવશે. પણ એય આભલાં તૂટી પડ્યાં.
અને હું એક દિવસ ગામમાંથી જાતરાની બસ બાંધીને સંઘ નીકળ્યો હતો તેની સાથે આવી! ફરતા ફરતા વિધવાનો આશ્રમ જોયો અને બસ!! હું રહી ગઈ.!!
હારોહાર હતા એણે બહુ કીધું કે.. “એવું નથી કરવું તું દૂધે ધોયેલી જ છે.દૂધ જેવી પવિતર જ છો. અને અગ્નિમાંથી સાંગોપાંગ નીકળેલી છો. તું કથીર નથી પણ કંચન છો.”
‘…..પણ મેં કહ્યું કે રહેવા દો અહીંયા મને! આજ મારું ઠેકાણું છે’. ગામના આદમીઓની કૂડી નજરને સહન કરવી એના કરતા આ સારૂ છે. અરે.. મારી પાછળ થતો બણબણાટ… અને નિતનવી અફવા નહોતું સહન થતું.
મેં રામ રામ કરી દીધા અને અહીં ગંગાને કાંઠે જીવતરનો છેલ્લો મુકામ કરી લીધો!
માઈ સારા છે. એમ જ કહો ને કે સગી જનેતા.જેવા. છે! અમને પોતાની દીકરી ઓ જેમ સૌને સાચવે છે. જગતના કેટલાયે દાનવીરો રાતદિવસ દાન આપી જાય છે.
ચાર આંગળીના પેટનો ખાડો પૂરવા ચાર રોટલી અને વાટકી દાળ જોઈએ છે. બે જોડી લૂગડા છે દેહને ઢાંકવા! સગી મા પણ ન હોય એવી માઈ છે. ગંગાનો કાંઠો છે. આયખાનો ઉતરતો ઢાળ છે, સાહેબ..! હવે તો જયાં જયાં થાકલા આવતા જશે ત્યાં મનમળે એવા માનવીયુ જોડે ઘડીક ઘડીક સંગત કરતી જઈશ ..જ્યાં ગિનાની અને તમારા જેવા પરમાર્થી મળે ત્યાં સત્સંગ કરતી જઈશ…!!
આનંદ રૂપા સામે તાકી રહ્યો.અને રૂપા આનંદ સામે! આનંદ.વિચારતો હતો કે આ છોકરી તણાતી,ડૂબતી, ગડથોલા ખાતી સાવ લેવાદેવા વગરની ક્યાંની ક્યાં ફેંકાઈ ગઈ?? અને રૂપા વિચારતી હતી કે બસ,જીવતરમાં એકવાર તું બસ આમ એકલો જ મળજે..તો હૈયાના પટારા મારે ખોલવા છે.અને ભગવાને મારી અરજ સાંભળી અને મારી જિંદગીના ,મને ગમતા પહેલા અને છેલ્લા પુરુષ ને આજ મને અચાનક મેળવી દીધો..! ભગવાન,તારો આભાર!! .હવે ભલે મને મોત આવી જાય તોય કોઈ દુઃખ નથી..!!
બંનેની ચાર નજર અચાનક ભેગી થઈ ગઈ.અને પ્રેમના દીવા પ્રગટી ઊઠ્યા…આનંદે સ્મિત કરીને પૂછ્યું, શું વિચારે છે?શું જુએ છે?
હું વિચારું છું ય તમને,અને જોઉં છું ય બસ,તમને જ….રૂપા એટલું તો માંડ માંડ બોલી શકી. અને આનંદ હસી પડ્યો..
(ક્રમશઃ)






































