‘માય ઇંગ્લિશ થોડા-થોડા’ ગામડાંની એકદમ ગૃહિણીઓ પોતાના પતિની અને સંસારની વાતો કરે છે. અને અંગ્રેજીમાં બોલવા પ્રયત્ન કરે છે, પણ ફાવતું નથી. તેથી હસતાં-હસતાં લઘુતાગ્રંથિ સાથે કહે છે, ‘માય ઇંગ્લિશ થોડા-થોડા’
‘એમાં કંઈ વાંધો નહીં,’ કહીને બીજી
ગૃહિણી તેને કેડ્બરી ડૅરી મિલ્ક ચાકલેટ આપે છે. સ્વતંત્રતાનાં ૭૯ વર્ષે પણ ભારતીયના મનમાં અંગ્રેજી નહીં આવડવાનું દુઃખ છે તેવું બતાવે છે. એના બદલે એમ બતાવી શકાત કે વિદેશથી આવેલી વ્યક્તિ એમ કહે કે, ‘મેરા હિન્દી થોડા-થોડા’.
જાહેરખબરની દુનિયામાં ભારતીયતા રહી નથી. પૂણે સ્થિત લેખિકા શેફાલી વૈદ્યે થોડાં વર્ષ પૂર્વે ‘No Bindi No Business’ અભિયાન ચલાવ્યું હતું. જાહેરખબરમાં હિન્દુ તહેવાર પર હિન્દુ ગૃહિણી અથવા યુવતી તરીકે બતાવતી માડલ/અભિનેત્રીના ચહેરા પરથી ચાંદલો જ અદૃશ્ય કરી દેવાયો. આવું ફિલ્મોમાં પણ છે. શેફાલી વૈદ્યના અભિયાન પછી હિન્દુઓ જાગ્યા અને વિરોધ વધ્યો એટલે ચાંદલો કરવા લાગ્યા પરંતુ એકદમ સૂક્ષ્મ – ટપકાં જેવડો. અને લગ્ન નિમિત્તની જાહેરખબર હોય તો પણ ડીપ ક્લિવેજ અને ખ્રિસ્તી ગાઉન જેવાં કપડાં બતાવવામાં આવે. દિવાળી પર ‘જશ્ન રોશની કા’ જેવા ઉર્દૂ શબ્દો જાણી જોઈને વાપરવામાં આવે. તે જોઈને કાનપુરની આઈઆઈટીએ પણ આવા નામ સાથે બે વર્ષ પહેલાં દિવાળીની ઉજવણી કરી હતી.
હવે હિન્દુ તહેવારોની ઋતુ આવશે અને સેલ આવશે, પરંતુ રક્ષાબંધન હોય કે જન્માષ્ટમી, ગણેશ ચોથ હોય કે નવરાત્રિ, દશેરા હોય કે દિવાળી, કરવા ચોથ હોયપઆ બધા તહેવારો પર કમાણી કરાવશે હિન્દુઓ પરંતુ જાહેરખબરની પરિકલ્પનામાં હિન્દુત્વ અને ભારતીય સભ્યતા-સંસ્કૃતિ અદૃશ્ય હશે.
એ બધું તો ઠીક, પરંતુ કળાની રીતે પણ જાહેરખબરોમાં વાહિયાતપણું ઘૂસી ગયું છે. ફિલ્મોમાં જેમ જૂનાં ગીતોનાં ભંગાર રીમેક ભંગાર અવાજ અને ઢબે ગવાય છે તેમ જાહેરખબરોમાં પણ થાય છે. થોડા સમય પહેલાં એક ગીત-સંગીતના એક સ્ટેજ શામાં એક ગાયિકાએ (લગભગ તો
અમૃતા પાટિલ) જે રીતે એક પછી એક જાહેરખબરો ગાઈ તે વિડિયો લોકોમાં ખૂબ પ્રચલિત (વાઇરલ, યૂ ના !) બન્યો હતો, તે રીતે છેલ્લાં બે દાયકાની કોઈ જાહેરખબર યાદ આવે છે?
ઉલટું, એમ થાય કે રિમાટથી ટીવી મૂંગું (મ્યૂટ) કરી દઈએ. બિડલા ગ્રૂપની ‘ઇન્દ્રિય’ નામની ઘરેણાંની બ્રાન્ડની જાહેરખબર જ લો ને. અદિતી રાવ હૈદરીને ચમકાવતી આ જાહેરખબરમાં અદિતીના કપાળ પરથી ચાંદલો તો ગાયબ જ છે અને ડ્રેસ પણ લાંગ ગાઉન જેવો છે, જેમાં ઉપરથી તો ખભા ખુલ્લા હોય અને સ્તન અર્ધ ઢંકાયેલા-અર્ધા ખુલ્લાં જેવો ગળાનો આકાર, નીચેથી ગાઉન જમીન પર ઢસડાઈને જમીન સ્વચ્છ કરતું હોય. આ જાહેરખબરમાં ‘અભી ન જાઓ છોડકર’ જેવા મોહમ્મદ રફી-આશા ભોસલેએ સુંદર રીતે ગાયેલા ગીતની ગાયિકા જે પથારી ફેરવે છે તે ત્રાહિમામ્ પોકારી જવાય તેવું છે.
આ જાહેરખબરોમાં માડલ તરીકે કોને લેવાય છે તે પણ વિચારવા જેવું છે. કહે છે કે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, આમિર ખાન ઇત્યાદિ કલાકારો ગણતરીની પંદરથી ત્રીસ સેકન્ડની જાહેરખબર કરવા માટે રૂ. ૪ કરોડથી માંડીને રૂ. ૧૦ કરોડ જેવી મસમોટી ફી લેતા હોય છે. તો આ જાહેરખબરોમાં ચમકતાં ઉત્પાદનોનો ભાવ કલાકારોના ભાવને ઉમેરીને જ મંડાયો હશે, એટલે જે ગ્રાહકો આ ઉત્પાદનો ખરીદે છે તેમને કેટલા ઊંચા ભાવે આ ઉત્પાદનો પડે છે તે વિચારવા જેવું છે.
વિચારવા જેવું એ પણ છે કે જાહેરખબરોમાં આ ૬૦ વર્ષથી માંડીને ૮૩ વર્ષના કલાકારો જેમના ગાલ ઊંડા ઉતરી ગયા છે, જેમની આંખો અંદર ચાલી ગઈ છે, તેવા લોકોને શા માટે લેવામાં આવે છે? અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, સૈફ અલી ખાન, ઇવન, સાવ લબડી ગયેલા ચહેરા સાથે દેખાતાં તનુજા તેમની દીકરી કાજોલ જે પણ હવે ઘરડી લાગવા લાગી છે, તેની સાથે કેલાગની જાહેરખબરમાં આવે છે ! કરણ જોહર પણ હવે ડાયેટિંગના કારણે હોય કે બીજા કારણે, અત્યંત વિચિત્ર લાગે છે. અવાજ તો મેનોપાઝવાળી સ્ત્રી જેવો થઈ ગયો છે. તે એવા અંદરની તરફથી ગાલ ખેંચાઈને ચોંટી ગયા હોય તેવા મોઢા સાથે ‘લેન્સકાર્ટ’ની જાહેરખબરમાં આવે છે અને અષ્ટમ્ પષ્ટમ્ અંગ્રેજીમાં શું બોલે છે તે તે અને ‘લેન્સકાર્ટ’નો સ્વામી પીયૂષ બંસલ જ જાણે.
જાહેરખબરનો ઉદ્દેશ્ય હોય છે જન-જન સુધી પહોંચવું, પણ આજે ‘મેગી’ની ‘રિશ્તો કો ફિર મહકાઓ’ કે ‘ડેટાલ’ની જાહેરખબરમાં દીકરો પડી જાય છે તો પણ હસતા મોઢે ચાલીને આવે છે અને માતાને જ કહે છે કે તેને વાગી ગયું પણ તે રોયો નહીં, આવી બેચાર અપવાદરૂપ જાહેરખબરોને બાદ કરતાં મોટા ભાગની જાહેરખબરની ન તો થીમમાં ઠેકાણાં છે, ન તો યાદ રહી જાય તેવા ચહેરા કે ન તો એવું જિંગલ. જાહેરખબર બનાવનારાઓ અંદરોઅંદર એકબીજાને કમાણી કરાવવાની રમત જ રમતા હોય તેમ લાગે.
બાકી તમે જ વિચારો કે કરણ જોહર એક નિર્દેશક. એમાંય વધુ તો પછી એ નિર્માતા બની ગયો. ટીવી શાનો નિર્ણાયક અને ગાસિપ ઇન્ટરવ્યૂ કરનાર ઍન્કર બન્યો. એને જાહેરખબરની કમાણીની શું આવશ્યકતા? અને એને જાહેરખબરમાં લેવાનો શું અર્થ? શું સ્ત્રીઓ તેને જોઈને એ ઉત્પાદન લેવા આકર્ષાશે? શું પુરુષો (કેટલાક ‘ગે- ગે ગે રે સાહિબા’ જેવાને બાદ કરતાં) તેને જોઈને આકર્ષાશે?
એક સમય હતો કે સાવ અજાણી વ્યક્તિ હોય તેને જાહેરખબરમાં લેતા. પરિણામે જાહેરખબરો સસ્તી બનતી અને માડલ પાસે ધાર્યું કામ પણ કઢાવી શકાતું. આજે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, અજય દેવગન પાસે ધાર્યું કામ કઢાવી શકાય તેમ લાગે? તેઓ પોતાના સ્ટારડમનું વજન નાખી નવા-સવા ઍડ મેકરને ‘આમ નહીં, આમ કરો’ જેવું કહી દબાણ ન લાવતા હોય? નહીં તો ‘ઝુબાં કેસરી’ જેવી પાનમસાલાની જાહેરખબર શાહરુખ ખાન કરે તેમાં ‘આદાબ’ જેવી ઇસ્લામિક ચેષ્ટા ક્યાંથી આવી જાય? રણબીર કપૂર, સૌરભ શુક્લની એશિયન પેઇન્ટ્સની વાટર પ્રૂફિંગ જાહેરખબરમાં હિન્દુ પાત્રોને દેખાડીને કવ્વાલી ક્યાંથી આવે? જનાબ, ઉસ્તાદ જેવા ઉર્દૂ શબ્દો ક્યાંથી આવે?
પહેલાં યાદ કરો, ‘સર્ફ કી ખરીદારી મેં હી સમજદારી હૈ’વાળી જાહેરખબરમાં દેખાતાં લલિતાજી. આ જાહેરખબરમાં લલિતાજી તરીકે જે અભિનેત્રી દેખાયાં હતાં, તે તે વખતે જાણીતાં નહોતાં. તે પછી કિરણ બેદી પર આધારિત ધારાવાહિક ‘ઉડાન’ આવ્યું ત્યારે ખબર પડી કે તેમનું સાચું નામ તો કવિતા ચૌધરી છે. ‘ફ્રાઇમ્સ’ની જાહેરખબરમાં એક ચશ્મીશ ગોરો યુવક દેખાતો તે કોણ હતો તે ખબર નહોતી. ગૂગલ તે વખતે હતું નહીં, પરંતુ પછી ‘ખાનદાન’ ધારાવાહિક આવ્યું ત્યારે ખબર પડી કે તેનું નામ વિવેક વાસવાણી છે. આ જ રીતે ‘વિક્સ કી ગોલી લો ખીચખીચ દૂર કરો’માં કયા અભિનેતા તેની દીકરી સાથે ગળામાંથી ઉધરસ દૂર કરે છે તે ખબર નહોતી. પણ અર્ચના પૂરણસિંહ સાથે ‘મિસ્ટર યા મિસીસ’માં તેઓ આવ્યા ત્યારે ખબર પડી કે આ તો જયંત કૃપલાણી છે.
સંગીતા બિજલાણીએ ઈ. સ. ૧૯૮૯માં ‘હથયાર’ ફિલ્મ સાથે મોટા પડદે પદાર્પણ નહોતું કર્યું ત્યાં સુધી કોઈને ખબર જ નહોતી કે ‘બડે નાઝો સે પાલી હમારી બન્નો..વિક્કો ટર્મરિક, નહીં કાસ્મેટિક’ એ જાહેરખબરમાં પીળી સાડીમાં દેખાતી સુંદર યુવતીનું નામ સંગીતા બિજલાણી છે. અને એ જાહેરખબર તમે જુઓ, તેમાં પછી લગ્નનું દૃશ્ય આવે છે તો લાગે કે આ હિન્દુ યુવતીનાં લગ્ન છે. મરુન રંગની સાડી, મોટો ચાંદલો, ઘરેણાં અને યુવતીની આંખમાં લજ્જા. તે પછી કામેન્ટેટરનો પણ શાંત અને મધુર અવાજ. આજે તો ટીવીની જાહેરખબરમાં ચિલ્લાઇ-ચિલ્લાઇને બોલવામાં આવે છે અને સિરિયલમાં સંવાદ સાંભળવા વાલ્યૂમ મોટું રાખવું પડે પરંતુ જાહેરખબર આવે એટલે તેનાથી મોટું વાલ્યૂમ આૅટામેટિક થઈ જાય એટલે કાં તો ધીમું કરવું પડે કાં મ્યૂટ.
સંગીતા સાથે લાખાણી ચપ્પલની જાહેરખબરમાં આવતો દેખાવડો યુવક સલમાન ખાન છે તે તો ‘બીવી હો તો ઐસી’ ફિલ્મ વખતેય નહીં, ‘મૈંને પ્યાર કિયા’ ફિલ્મમાં નાયક તરીકે આવ્યો ત્યારે ખબર પડી હતી ! ‘મૈંને પ્યાર કિયા’ જે વર્ષે આવેલી તે જ વર્ષે ‘લિબર્ટી’ સ્પાટ્ર્સ શૂઝમાં એક યુવક આવ્યો, પણ એ યુવકની આજે જે મેનરિઝમ છે તે એકેય તેમાં નહોતી. બસ, રમતવીર તરીકે દોડતો બતાવાય છે. આ યુવક હતો શાહરુખ ખાન ! તમારું ધ્યાન માડલ તરફ નહીં, પ્રાડક્ટ તરફ ખેંચાય તે જ ઉદ્દેશ્ય ટીવી જાહેરખબરનો હોવો જોઈએ, પણ આજે ખબર નહીં, ઊંધું ચક્કર જ ચાલે છે.
પરંતુ તમે એક વાત નોંધી? આજે તો હવે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’થી લઈને ‘ધ કેરળ સ્ટારી’ જેવી રાષ્ટ્રવાદી ફિલ્મોના લીધે હિન્દી મનોરંજન જગતમાં બે ભાગ પડી ગયા છે. ટીવી કે મુદ્રિત જાહેરખબરોમાં પણ તમને ઉર્દૂવુડના કલાકારો જોવા મળશે, હિન્દુવૂડના નહીં. અર્થાત્ મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, અદા શર્મા, પલ્લવી જોશી, વિવેક અગ્નિહોત્રી, દર્શનકુમાર, વિક્રાંત મેસી, રણદીપ હૂડા, અક્ષય ખન્ના, વિકી કૌશલ, વિદ્યુત જામવાલ, વિવેક ઓબેરોય, યામી ગૌતમ, મનોજ જોશી, સન્ની દેઓલ, જાન અબ્રાહમ જેવા રાષ્ટ્રવાદી ફિલ્મો કરનારા કલાકારોને તમે બહુ ઓછી જાહેરખબરોમાં જોયા હશે અથવા એમ કહો કે એક પણ જાહેરખબરમાં નહીં જોયા હોય. એમાંય યામી ગૌતમ તો પહેલાં ટીવી જાહેરખબર કરીને જ પછી ફિલ્મોમાં આવી પણ ‘ઉડી’, ‘આર્ટિકલ ૩૭૦’ કર્યા પછી તેની જાહેરખબર બંધ થઈ ગઈ. ‘ધૂરંધર’ પછી તો ઝાકિર ખાનની ભાષામાં બાંદ્રાથી લઈ જુહૂની લ્યારી ગેંગને મરચાં લાગ્યાં છે એટલે હવે રણવીરસિંહને પણ અગાઉ આલિયા ભટ્ટ સાથે જાહેરખબરો મળતી હતી તે ન મળે તો નવાઈ નહીં. જાન અબ્રાહમ તો જાહેરખબરોમાં પહેલાં અને ફિલ્મોમાં પછી ચમક્યો, પણ ‘પરમાણુ ઃ ધ સ્ટારી આૅફ પોખરણ’ જેવી જબરદસ્ત ફિલ્મ કર્યા પછી તેને મળતી જાહેરખબર કઈ? કોઈ કહી શકશે?
આની સામે આલિયા ભટ્ટ, અનન્યા પાંડે, રશ્મિકા મંદાના, દીપિકા પદુકોણે, કરીના કપૂર ખાન, માધુરી દીક્ષિત, વરુણ ધવન આ બધી નેપો કિડ્સ અને ‘આૅલ આઝ આૅન રાફા’ જેવું હમાસના ત્રાસવાદીઓના સમર્થનમાં અભિયાન ચલાવનારી ઉર્દૂવૂડ ગેંગને જ જાહેરખબરો મળે છે.
jaywant.pandya@gmail.com
સંગીતા બિજલાણીએ ઈ. સ. ૧૯૮૯માં ‘હથયાર’ ફિલ્મ સાથે મોટા પડદે પદાર્પણ નહોતું કર્યું ત્યાં સુધી કોઈને ખબર જ નહોતી કે ‘બડે નાઝો સે પાલી હમારી બન્નો..વિક્કો ટર્મરિક, નહીં કાસ્મેટિક’ એ જાહેરખબરમાં પીળી સાડીમાં દેખાતી સુંદર યુવતીનું નામ સંગીતા બિજલાણી છે.






































