રાજુલા તાલુકાના ભેરાઈ ચોકડી નજીક રેલવે ફાટક પાસે આવેલ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે (NH-૫૧) પરના નવા બ્રિજમાં ગંભીર ખામી સામે આવી છે. અંદાજે છ મહિના પહેલા તૈયાર થયેલા બ્રિજનો એક ભાગ બેસી જતા લોખંડના સળિયા બહાર દેખાયા હોવાનું સામે આવ્યુ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ખામી છુપાવવા માટે મરામતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બાંધકામની ગુણવત્તા અંગે હવે અનેક સવાલો ઉભા થયા છે. આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે અને હાલની સ્થિતિ અકસ્માતનો ભય ઉભો કરી રહી છે. થોડા દિવસ અગાઉ રાજુલા–ઉના હાઇવેના ચારનાળા બ્રિજમાં પણ તિરાડો પડવાની ઘટના સામે આવી હતી. વાહનચાલકોએ તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.







































