રાજ્યમાં સોશિયલ મીડિયાના માધ્યમથી શેરબજારમાં રોકાણ કરી તગડો નફો કમાવવાની લાલચ આપીને છેતરપિંડી આચરતી ગેંગ સક્રિય થઈ છે, ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે ઓનલાઈન સાયબર ફ્રોડનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લુણસાપુર ગામના એક રહીશને સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ શીખવવા અને નફો કરાવવાની લાલચ આપી ઓનલાઈન ગેંગે કટકે-કટકે રૂ.૯,૫૫,૦૦૦/- પડાવી લીધા હોવાની ફરિયાદ સાયબર પોલીસ મથકે નોંધાઈ હતી. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ જાફરાબાદના લુણસાપુરમાં રહી નોકરી કરતાં અનીલકુમાર રમેશચંદ્ર શાહૂ (ઉ.વ.૪૦)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે ફેસબુક એપ્લિકેશન પર શેરબજારમાં રોકાણ અંગેની એક જાહેરાત (એડ) જોઈ હતી. આ જાહેરાત પર ક્લિક કર્યા બાદ, એક અજાણ્યા મોબાઈલ નંબર ધારકે તેમનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેમને શેરબજારના ટ્રેડિંગ અને નફાકારક શેરની વિગતો શીખવવાના બહાને એક વોટ્‌સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં તેમજ પર્સનલ વોટ્‌સએપ કોલ અને મેસેજ દ્વારા આરોપીઓએ ફરિયાદી સાથે વિશ્વાસ કેળવ્યો હતો. શાતિર ઠગોએ ફરિયાદીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો FPO સબસ્ક્રાઇબ કરાવવાના બહાને તારીખ ૨૧/૦૧/૨૦૨૬ થી ૧૮/૦૪/૨૦૨૬ દરમિયાન કટકે-કટકે જુદી-જુદી બેંકોના ૭ જેટલા બેંક ખાતાઓમાં કુલ રૂ. ૯,૫૫,૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા. રોકાણ કરાવ્યા બાદ ઠગોએ ફરિયાદીને Samco Securities limited નામની એક કસ્ટમાઇઝ્ડ નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. આ એપ્લિકેશનમાં ફરિયાદીના એકાઉન્ટમાં માઈનસ રૂ ૧૦ લાખ દર્શાવીને તેમનું એકાઉન્ટ ફ્રીજ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીઓએ છેતરપિંડી પૂર્વક ફરિયાદી પાસે વધુ રૂ ૧૦ લાખ નાખવાની માંગણી કરી ધમકી આપી હતી. તેઓ વધુ નાણાં આપવાની સ્થિતિમાં ન હોવાથી અને છેતરપિંડીનો અહેસાસ થતાં ફરિયાદ નોંધાવી હતી.