બાબરા માર્કેટ યાર્ડની આગામી ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંભવિત ઉમેદવારો અને સહકારી આગેવાનો દ્વારા બેઠકોનો દોર શરૂ થયો છે. હાલની પરિસ્થિતિને જોતા ભાજપના જૂથો વચ્ચે ટક્કર સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો પણ મેદાનમાં ઉતરે તેવી સંભાવનાથી ચૂંટણી રસપ્રદ બની છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ ૧૬ સપ્ટેમ્બરે ઉમેદવારી ફોર્મ ભરાશે, ૧૭ સપ્ટેમ્બરે ફોર્મની ચકાસણી થશે અને ૨૧ સપ્ટેમ્બરે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. ૨૮ સપ્ટેમ્બરે મતદાન અને ૨૯ સપ્ટેમ્બરે મતગણતરી યોજાશે. યાર્ડના વર્તમાન વહીવટ અને કામગીરીને લઈને પણ ચૂંટણીમાં ચર્ચા થવાની શક્યતા છે. વિવિધ સહકારી મંડળીઓ અને આગેવાનો પોતાના સમર્થનનું ગણિત ગોઠવી રહ્યા છે. કઈ મંડળી કોની સાથે રહેશે અને કયા ઉમેદવારને સમર્થન મળશે તે અંગે ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકોનો દોર તેજ બન્યો છે. અંતે સત્તાની ચાવી કોના હાથમાં આવશે તે જોવું રસપ્રદ બનશે.