રાજુલા શહેરમાં મોડી રાત્રે એક ૯ વર્ષનો બાળક ફ્લેટમાં ફસાઈ જતાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. જાફરાબાદ રોડ પર આવેલા રિધ્ધિ સિધ્ધિ એપાર્ટમેન્ટના બીજા માળે આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ પરિવારના સભ્યો કોઈ કામસર બહાર ગયા હતા ત્યારે બાળક ઘરમાં એકલો હતો. આ દરમિયાન ફ્લેટનો દરવાજો અંદરથી લોક થઈ જતાં બાળક બહાર આવી શક્યો નહોતો. બાળકના ફસાઈ જવાની જાણ થતા આસપાસના લોકો એકત્ર થયા હતા અને તાત્કાલિક ૧૧૨ ઇમરજન્સી સેવા તેમજ રાજુલા નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. બંને ટીમે સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી હતી. લાંબી જહેમત બાદ બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.








































