“ત્રણ સપ્તાહ પહેલાં બ્રિજમોહન શ્રીંગારીએ મધરાત્રે તેમની પત્ની અને ચાર દીકરીઓ સાથે તેમના પૂર્વજોના ફતેહાબાદ ગામમાં આવેલું તેમનું ઘર છોડી દીધું. ગામના શીખ પોલીસ કર્મચારીઓએ તેમના ટ્રકના ડ્રાઇવરને કહ્યું કે ટ્રકને પંજાબ રાજ્યની બહાર જ લઈ જજે. આનું કારણ શું? હિન્દુઓ પંજાબ રાજ્યમાં રહેવા માટે યોગ્ય નથી. તેમ શ્રીંગારીએ કહ્યું હતું.
ગયા એક મહિનામાં શ્રીંગારી સહિત અનેક હિન્દુઓએ વાયવ્ય પંજાબના સીમા પર આવેલા (સીમા પર આવેલા શબ્દો પર ભાર મૂકવો) ત્રાસવાદ પ્રભાવિત જિલ્લાઓમાંથી પોતાનાં ઘર છોડી-છોડી પલાયન કર્યું છે. સ્થળાંતરિત હિન્દુઓ કહે છે કે તેમની સંખ્યા ઘણી વધુ છે.” ઉપરોક્ત શબ્દો લીધા છે ‘વાશિંગ્ટન પાસ્ટ’ના ૧ જૂન ૧૯૮૬ના લેખમાંથી. આ લેખનું શીર્ષક છે ‘હિંસાના કારણે હિન્દુઓ પંજાબ રાજ્યમાંથી પલાયન કરવા વિવશ’ ! અકાલી દળે ઈ. સ. ૧૯૭૩માં આનંદપુર સાહિબ ઠરાવ દ્વારા પંજાબ રાજ્ય માટે સ્વાયત્તતા, પાણી, ચંડીગઢ ઇત્યાદિની માગણી કરી હતી. સ્વાયત્તતા પણ એવી કે કેન્દ્ર સરકારે પંજાબના સંરક્ષણ, વિદેશ નીતિ અને ચલણ (નાણાં) સિવાયની બધી જ સત્તા રાજ્ય સરકારને આપી દેવાની. આનાં મૂળ પડ્યાં હતાં નહેરુની જમ્મુ-કાશ્મીર અંગેની મૂર્ખતાપૂર્ણ નીતિમાં- અનુચ્છેદ ૩૭૦માં. અનુચ્છેદ ૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મીર (અને તેમાં લદ્દાખ પણ આવી ગયું)ને આ સત્તા મળી તેથી પંજાબમાં પરાજય પછી અકાલી દળે ઉપરોક્ત પ્રસ્તાવ કર્યો. આનો તોડ લાવવા સંજય ગાંધી અને ઝૈલ સિંહે શીખ ઉપદેશક જર્નૈલસિંહ ભીંદરાનવાલે પર પસંદગી ઉતારી. તેના શરૂઆતનાં અભિયાનોને ફંડ પૂરું પાડ્યું અને નિરંકારી પંથ સામેનાં આંદોલનોને સમર્થન પણ આપ્યું. શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (એસજીપીસી)ની ચૂંટણીમાં ભીંદરાનવાલેના સમર્થનવાળા ઉમેદવારોને પણ કાંગ્રેસે સમર્થન આપ્યું. એટલું જ નહીં, ૧૯૮૦ની લોકસભા ચૂંટણીમાં ભીંદરાનવાલેએ ઝૈલસિંહના સમર્થનથી ત્રણ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા અને ત્રણેત્રણ જીત્યા હતા. જોકે ભીંદરાનવાલેને પોતાને ચૂંટણી લડવાની મહત્વાંકાંક્ષા નહોતી. અત્યારે શિવસેના (ઉદ્ધવ બાળ ઠાકરે), રાષ્ટ્રવાદી કાંગ્રેસ પક્ષ કે તૃણમલમાંથી નેતાઓ પક્ષપલ્ટો કરે છે ત્યારે ૧૯૮૩માં અકાલી દળમાંથી મોટા પાયે પક્ષાંતર થયું હતું. આ બધું કાંગ્રેસે ઈ. સ. ૧૯૭૭માં સત્તા ગુમાવી પછી કર્યું હતું. ૧૯૮૦માં ઈન્દિરાજી સત્તામાં પાછાં આવ્યાં એટલે હવે કાંગ્રેસને ભીંદરાનવાલે ખૂંચવા લાગ્યો. આનું કારણ એ હતું કે ભીંદરાનવાલે નિયંત્રણ બહાર જતો રહ્યો હતો. તેણે સશસ્ત્ર ચળવળ ચાલુ કરી દીધી હતી. વિવિધ આંદોલનોને દબાવવાં કાંગ્રેસની ઈન્દિરા ગાંધી સરકાર અને રાજ્યની સરકારે પોલીસને છૂટો દોર આપી દીધો. એન્કાઉન્ટર થવાં લાગ્યાં. તેમાં મરનારા શીખો વધુ હતા. આ વાતને ભીંદરાનવાલેએ ઊછાળી. હવે શીખોએ પણ શસ્ત્રો ઉપાડવાનાં ચાલુ કર્યાં. પંજાબના મુખ્ય પ્રધાન દરબારસિંહની હત્યાનો પ્રયાસ થયો. આ બધાના કારણે શીખોમાં અલગાવવાદ વધવા લાગ્યો. કાશ્મીરમાં ત્રાસવાદના પ્રયત્નો પણ ચાલુ થઈ ગયા હતા. કાશ્મીરી ત્રાસવાદીઓ ૧૯૮૪માં સુવર્ણ મંદિરમાં પણ આવતાજતા હતા. પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીરમાં ફારુક અબ્દુલ્લાની સરકાર પંજાબ અને કાશ્મીરના ત્રાસવાદીઓને ખાતર-પાણી આપતાં હતાં. તે સમયના મીડિયા અહેવાલો એવું કહે છે કે ભીંદરાનવાલેએ આનંદપુર સાહિબ ઠરાવને સમર્થન આપ્યું હતું પરંતુ ખાલિસ્તાનની માગણીને (અલગ દેશની માગણીને) ક્યારેય જાહેરમાં સમર્થન નથી આપ્યું. જુલાઈ ૧૯૮૨માં હરચંદસિંહ લોંગોવાલે ભીંદરાનવાલેને સુવર્ણ મંદિર પરિસરમાં રહેવા આમંત્રણ આપ્યું હતું. ૧૯ જુલાઈ ૧૯૮૨એ ભીંદરાનવાલે અને તેના સશસ્ત્ર ત્રાસવાદીઓએ ત્યાં રહેવા માંડ્યું અને તેને પોતાનું વડું મથક બનાવી દીધું. દરમિયાનમાં અકાલ તખ્ત પરિસરમાં પણ ભીંદરાનવાલે સામે વિરોધનો સ્વર વધી રહ્યો હતો. આમાં પ્રબળ સ્વર હતો પંથીય નેતા જ્ઞાની પ્રતાપસિંહનો. તેઓ અકાલ તખ્તના પૂર્વ જથેદાર હતા. તેમની અને બીજા કેટલાક અકાલીઓની હત્યા થઈ ગઈ. હવે તમે જુઓ કે ‘રા’એ સુવર્ણ મંદિર પરિસરમાંથી ભીંદરાનવાલેને ઉઠાવી લેવાનું ‘આૅપરેશન શટડાઉન’ નક્કી કર્યું હતું. પરંતુ ઈન્દિરા ગાંધીએ તેને અનુમતિ ન આપી. કેમ? કારણકે તેના દ્વારા આૅપરેશન બ્લુ સ્ટારના લીધે જે જશ મળવાની ગણતરી હશે તે ન મળત? ખબર નહીં, પણ જો તેમ થયું હોત તો આૅપરેશન બ્લુ સ્ટાર ન થયું હોત અને તો શીખોમાં પ્રચંડ ખાલિસ્તાન તરફી અલગાવવાદ ન ભડક્યો હોત. આૅપરેશન બ્લુ સ્ટાર થયું પરંતુ ૧૯૭૧માં બાંગ્લાદેશ રચના, ૧૯૭૫માં કટોકટીથી બળપ્રયોગના ઉપયોગથી લોખંડી છબિ બનાવનાર વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીને કલ્પના નહોતી કે આૅપરેશન બ્લુ સ્ટારથી તેમની લોખંડી છબિ મજબૂત બનવાના બદલે ખરડાશે. વધુ પડતા વિશ્વાસમાં રહેલાં વડાં પ્રધાન ઈન્દિરાજીની તેમના જ શીખ અંગરક્ષકો દ્વારા હત્યા થઈ ગઈ, તે પછી શાંત પડવાના બદલે રાજીવ ગાંધીએ જેને પાછળથી ‘બડા પૈડ ગિરતા હૈ તો ધરતી હિલતી હૈ’ કહી સમર્થન આપ્યું હતું તે શીખ નરસંહારમાં કાંગ્રેસના ગુંડાઓ દ્વારા વીણીવીણીને શીખોને ગળામાં ટાયર નાખીને સળગાવીને, દોડાવી-દોડાવીને માર્યા. તેના કારણે ખાલિસ્તાન આતંકવાદ ભડકી ઊઠ્યો. આ બધામાં નિશાન બન્યા હિન્દુઓ. કાશ્મીરમાંથી હિન્દુઓને પ્રતાડિત કરીને- હત્યા કરીને, બળાત્કાર કરીને, ઘરમાં લૂટફાટ કરીને ભગાડાયા તે પહેલાં અનેક વાર હિન્દુઓનું આ રીતનું નિષ્ક્રમણ exodus થઈ ચૂક્યું હતું.
જમ્મુ-કાશ્મીરમાં બૂતશિકન તરીકે ઓળખાતા સિકંદરના આક્રમણથી લઈને ૧૯૪૭માં વિભાજન સમયે હિન્દુઓને પોત-પોતાનાં ઘરબાર છોડીને રાતોરાત પાકિસ્તાનથી ભારત ભાગી આવવા ફરજ પડી હતી. રાતોરાત હિન્દુઓ પોતાના જ દેશના એક હિસ્સા (પાકિસ્તાન)માં પારકા બની ગયા, સાથે રહેતા લોકોના શત્રુ બની ગયા ! અને હજુ ગઈ કાલે ૧૬ આૅગસ્ટે જે અખંડ ભારતનો હિસ્સો હતો તેવા ભારતમાં પ્રવેશીને શરણાર્થી બની ગયા ! ત્યાર પછી ૧૯૮૬માં ખાલિસ્તાન આતંકવાદના ઉદ્ભવ પછી ફરીથી હિન્દુઓને પોતાના સરસવથી લહેરાતા ખેતરો અને જમીન-ઘર મૂકીને પંજાબ છોડીને નાસવું પડ્યું. ખાલિસ્તાની ત્રાસવાદનો ભોગ બનનારાંઓમાં ઈન્દિરાજી ઉપરાંત આૅપરેશન બ્લુ સ્ટારનું નેતૃત્વ કરનારા સેનાધ્યક્ષ જનરલ અરુણ વૈદ્ય, પંજાબના મુખ્ય પ્રધાન બિયંતસિંહ, ‘પંજાબ કેસરી’ સમાચારપત્રના સ્થાપક લાલા જગતનારાયણ, અકાલી દળના મવાળવાદી નેતા હરચંદસિંહ લોંગોવાલ (જેમણે રાજીવ ગાંધી સાથે ઈ. સ. ૧૯૮૫માં સમજૂતી કરી હતી જેને રાજીવ-લોંગોવાલ સમજૂતી તરીકે ઓળખવામાં આવે છે), રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માના જમાઈ અને કાંગ્રેસ નેતા અજય માકેનના કાકા, કાંગ્રેસ નેતા લલિત માકેન અને કાંગ્રેસ નેતા અર્જુન દાસ જેવાં નામો છે. કાશ્મીરમાં હિન્દુઓનો જે રીતે નરસંહાર કરાયો હતો તે જ રીતે પંજાબમાં પણ કરાયો. જુલાઈ ૧૯૮૭માં લાલરુ પાસે બસને આંતરીને ખાલિસ્તાની ત્રાસવાદીઓએ હિન્દુઓને અલગ પાડીને ૩૮ હિન્દુઓની હત્યા કરી. જુલાઈ ૧૯૮૭માં જ ફતેહાબાદમાં બે બસમાં ૩૪ હિન્દુઓની હત્યા કરવામાં આવી. આ ઉપરાંત ૨૩ જૂન ૧૯૮૫એ કેનેડાના માન્ટ્રીયલથી મુંબઈની બાઇંગ ૭૪૭ની ફ્લાઇટને હવામાં બામ્બથી ઉડાવી દેતાં ૩૨૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આની પાછળ ખાલિસ્તાની ત્રાસવાદી સંગઠન બબ્બર ખાલસાનો હાથ હોવાનું કહેવાય છે. ૧૯૮૯ની સંસદીય ચૂંટણીમાં શીખ અલગાવવાદી નેતાઓ ચૂંટાઈ આવ્યા હતા તે પણ ચિંતાજનક વાત હતી. ૧૯૯૦ના દાયકામાં ખાલિસ્તાની હિંસા વધતી ગઈ. કાશ્મીરમાં જેમ સરકાર કે પોલીસને બાતમી આપનારા અથવા રાષ્ટ્રવાદી હોય તેવા મુસ્લિમોની પણ હત્યા થઈ જતી તેમ અહીં પંજાબમાં પણ થવા લાગ્યું. ઘણા રાષ્ટ્રવાદી શીખોએ ખાલિસ્તાની શીખો સામે સશસ્ત્ર લડત ઉપાડી હતી. તેમાં બલવિન્દરસિંહ સિંધુનો પરિવાર પણ હતો. તેમની આ લડતના કારણે ૨૦૦ ખાલિસ્તાની ત્રાસવાદીઓએ તેમના ઘર પર આક્રમણ કર્યું પરંતુ સંધુ પરિવારે અનેક ત્રાસવાદીઓને મરણને શરણ કરી દીધા, પરિણામે તેમને શૌર્ય ચક્ર મળ્યો હતો. પરંતુ તેમને ખાલિસ્તાની ત્રાસવાદીઓએ સદા સ્મરણમાં રાખ્યા. જેમ સલમાન રશ્દી પર ‘સેતાનિક વર્સીસ’ બદલ ૩૩ વર્ષ પછી ફતવાનો અમલ કરી ૨૦૨૨માં અમેરિકામાં છરીથી મુસ્લિમ ત્રાસવાદીએ આક્રમણ કર્યું તેમ બલવિન્દરસિંહ સંધુની તેમના ભીખીવિંદના નિવાસે ખાલિસ્તાની ત્રાસવાદીઓએ હત્યા કરી હતી. ભલે કાંગ્રેસના લીધે ખાલિસ્તાની મુદ્દો જન્મ્યો હોય, પરંતુ તે પછી આ ખાલિસ્તાની ત્રાસવાદીઓની વિરુધ્ધ કડક કાર્યવાહીની આવશ્યકતા હતી જ. નરસિંહરાવ સરકારે કે. પી. એસ. ગિલને છૂટો દોર આપી કડક હાથે ખાલિસ્તાની ત્રાસવાદનો અંત કરી દીધો. પણ આ મુદ્દે કે. પી. એસ. ગિલ પર ફિલ્મ બનાવવાના બદલે અભિષેક ચૌબેએ ‘યૂટીવી’ના રાની સ્ક્રૂવાલા સાથે મળીને ‘સતલજ’ ફિલ્મ બનાવી. અભિષેક ચૌબે ‘ઉડતા પંજાબ’ના લેખક હતા. ૨૦૧૬માં બરાબર ચૂંટણીના સમયે ‘ઉડતા પંજાબ’ રજૂ થઈ હતી. અને હવે ‘પંજાબ’માં આ વર્ષે ચૂંટણી થવાની છે ત્યારે જ ‘સતલજ’ આવી છે. ચેટજીપીટી અને જેમિની જેવા એઆઈમાં તમે જો પ્રાપેગેન્ડા ફિલ્મોની વ્યાખ્યા પૂછશો તો તે કહેશે કે જે ફિલ્મ ચૂંટણીના સમયે રજૂ થાય અને જેમાં એક પક્ષીય વાત હોય, તેને પ્રાપેગેન્ડા ફિલ્મ કહે છે અને તેનાં ઉદાહરણ તરીકે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’, ‘કેરળ સ્ટારી’ ઇત્યાદિ રાષ્ટ્રવાદી ફિલ્મોનાં નામ આપશે, પરંતુ ‘ઉડતા પંજાબ’ અને ‘સતલજનું નામ નહીં આપે. ઉર્દૂવુડના લોકો છેક ૧૯૪૩ની અશોકકુમારની ‘કિસ્મત’ વખતથી ગામના ઉતાર જેવા ચોર, લૂટારા, ડાકુ, બળાત્કારી ઇત્યાદિને હીરો અને ઘરની જવાબદારી હતી અને બધાની કુદૃષ્ટિ હતી તેથી વેશ્યા બની ગઈ તેવું કહેતી હિરોઇન બતાવે છે. નક્સલવાદના સમર્થનમાં ‘લાલ સલામ’, ‘ચક્રવ્યૂહ’, ‘હઝારો ખ્વાહિશે ઐસી’, ‘રાવણ’ જેવી અનેક ફિલ્મો આવી. ઈશાન ભારતના ઉગ્રવાદના સમર્થનમાં મણિરત્નમની શાહરુખ ખાનવાળી (જેમાં પાછું જિસ કી ઝુંબા ઉર્દૂ કી તરહ, આયત કી
તરહ મિલ જાયે કહીં તેવા શબ્દો દ્વારા ઇસ્લામનો પણ પ્રચાર થતું ગીત છય્યાં છય્યાં હોય) આવી. ઇસ્લામિક ત્રાસવાદીઓને ઉચિત ઠરાવતી ફિલ્મ ‘મિશન કાશ્મીર’થી માંડીને અનેક છે. ‘ખાકી’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ અને ‘જાલી એલએલબી’ જેવી અનેક ફિલ્મોમાં બતાવાયું કે ખોટા મુસ્લિમને ત્રાસવાદીમાં ખપાવી દેવાય છે.
જ્યારે ખાલિસ્તાની આતંકવાદ શાંત પડી ગયો હતો ત્યારે ગુલઝારે ૧૯૯૬માં ‘માચિસ’ બનાવી તેના પરથી ઠરી ગયેલા અગ્નિને ફરી પ્રજ્વલતિ કરવાનું કામ કર્યું હતું. દ્વિઅર્થી ગીતો બનાવનાર ‘અમરસિંહ ચમકીલા’ પર ઇમ્તિયાઝ અલીએ દિલજીત દોસાંજને લઈને ફિલ્મ બનાવી. હવે ‘સતલજ’ ફિલ્મમાં પણ દિલજીત દોસાંજ છે.
‘સતલજ’ ફિલ્મ શીખ માનવાધિકાર કાર્યકર્તા જશવંતસિંહ ખાલરા પર આધારિત છે. એટલે તેમાં એવું બતાવાયું છે કે પોલીસે કેટલો અત્યાચાર કર્યો હતો. જશવંતસિંહનું પોતાનું અપહરણ પણ પોલીસે કરી તેમને ગૂમ કરી દીધા હતા તેમ કહેવાય છે. આ ફિલ્મમાં ક્યાંય હિન્દુઓ પરનો અત્યાચાર તો બતાવાયો જ નથી. પોલીસની નેગેટિવ સાઇડ બતાવાઈ છે. એટલે સ્વાભાવિક જ આ ફિલ્મ ખાલિસ્તાનની તરફેણમાં શીખોને ઉશ્કેરવાનું કામ કરે. અગાઉ આ ફિલ્મ ‘પંજાબ ૯૫’ નામે થિયેટરમાં રજૂ થવાની હતી પરંતુ સેન્સર બાર્ડે કટ સૂચવ્યા એટલે તેને અટકાવી ચૂપચાપ ઝી-૫ પર ગત ત્રણ જુલાઈએ રિલીઝ કરી નાખી. ઉહાપોહ થયો એટલે ઝી-૫એ તેને હટાવી દીધી. પરંતુ તેના આગલા દિવસે દિલજીતે ઇન્સ્ટાગ્રામ પર પાસ્ટ મૂકી કહ્યું હતું કે આ ફિલ્મ પર પ્રતિબંધ લાગી જશે.
ભારતમાં તો પ્રતિબંધ લાગી ગયો પરંતુ વિદેશોમાં આ ફિલ્મ પહોંચી ગઈ છે. તેની કેવી ગંભીર અસર પડશે તેની કલ્પના કરવી અઘરી છે. ભારતમાંય ફેસબુક પર તો તેનાં દૃશ્યો મૂકાઈ જ ગયાં છે. એટલે હવે આ ઓટીટી અને સાશિયલ મીડિયા પર સરકારે કડક નિયંત્રણો મૂકવાં જ રહ્યાં. અમેરિકા, કેનેડા, બ્રિટન, જર્મની અને આૅસ્ટ્રેલિયા જેવા દેશોમાં ખાલિસ્તાનના સમર્થનમાં જનમત સંગ્રહ (રેફરેન્ડમ) થયો હતો. અજ્ઞાત ‘ધૂરંધરો’ સાહસ કરીને કેનેડામાં હરદીપસિંહ નિજ્જરની હત્યા કરે છે અને અમેરિકામાં શીખ ફાર જસ્ટિસ ચલાવતા ગુરપતવંતસિંહ પન્નુનની હત્યા કરવા પ્રયત્ન કરે છે, વડા પ્રધાન તરીકે જસ્ટિન ટ્રુડા સાર્વજનિક રીતે ખાલિસ્તાનીઓનું સમર્થન કરે છે, ભારતમાં ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાની સમર્થકો ઈન્દિરાની જેમ મોદીની હત્યા કરવાનું આહ્વાન કરે છે તે ખેડૂત આંદોલનને ટ્રુડો સમર્થન કરે છે, પરંતુ ટ્રમ્પના આવ્યા પછી કેનેડાને ૫૩મું રાજ્ય બનાવવાની ધમકી પછી ટ્રુડોની વિદાય થાય છે અને કેનેડામાં ખાલિસ્તાને રાજ્યાશ્રય મળતો બંધ થાય છે. પરંતુ ભારતમાં ‘સતલજ’ ફિલ્મ બનીને આ બધા પર પાણી ફેરવવાનું કામ કરે છે.
એવું નથી કે પંજાબમાં ખાલિસ્તાનનો મુદ્દો બંધ થઈ ગયો છે. દિલ્લીમાં આ આપના ઉદ્ભવ પછી વધ્યો છે. આ આપને અને ખાલિસ્તાનના મુદ્દાને શું લેવાદેવા તેની વાત લાંબી છે. પરંતુ કેજરીવાલે ખાલિસ્તાની ત્રાસવાદી અને દિલ્લીમાં બામ્બ ધડાકા દ્વારા નવને મારી નાખનાર દેવિન્દરસિંહ ભુલ્લરની ફાંસીની સજા ક્ષમા કરાવવા રાષ્ટ્રપતિને અનુરોધ કર્યો હતો. અને પન્નુને આક્ષેપ કર્યો હતો કે ખાલિસ્તાની જૂથોએ આઆપને ૧.૬ કરોડ ડાલરનું ફંડ પૂરું પાડ્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં શીખ ગાયકોનાં ગીતોમાં પણ ભીંદરાનવાલે અને ખાલિસ્તાનના સીધા-પરોક્ષ સંદર્ભો આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સંઘ, ભાજપ અને શિવસેનાના નેતાઓની હત્યાઓ થઈ છે.
આવામાં ‘સતલજ’ ફિલ્મ બરાબર ચૂંટણી સમયે જ રજૂ કરીને આ ઉર્દૂવુડવાળાઓએ ફરી એક વાર દેશહિત વિરોધી કાર્ય કર્યું છે. સાશિયલ મીડિયા પર અનેક શીખ નામધારી સાચા-ખોટાં એકાઉન્ટ પરથી શીખો પર થયેલા અત્યાચારની વાતો મૂકવામાં આવી રહી છે. આવી ફિલ્મોને ફંડ ક્યાંથી મળે છે તેની તપાસ થવી જોઈએ અને તેના નિર્માતા-નિર્દેશકો-કલાકારો સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.
jaywant.pandya@gmail.com










































