(૧)સ્ત્રીને તેની ઉંમર ના પુછાય, પુરૂષને તેનો પગાર ના પુછાય તા નાના બાળકને?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
એના મમ્મીની ઉંમર અને પપ્પાનો પગાર.
(૨)મળેલા જીવ જેવી જોરદાર નવલકથા લખવી છે તો શીર્ષક શું આપી શકાય?
જય દવે (ભાવનગર)
મળેલા દીવ.
(૩) મનને ખુશ રાખવા શું કરવું જોઈએ?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
આ કોલમ વાંચો.
(૪)સાહેબ..! જીવનમાં ટેન્શન કેમ આવે..?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
જીવનમાં ટેન્શન આવે એમાં ક્યાં વાંધો છે? જીવન ટેન્શનમાં ન આવવું જોઈએ.
(૫)આવા સવાલોના જવાબ આપી તમારું મગજ ખરાબ નથી થતું?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
આમાં ક્યાં મગજની જરૂર પડે છે?!
(૬)મહેમાનને છેક બસ સ્ટેન્ડ સુધી મૂકી આવીએ તોયે “બસ ના મળી” કહીને પાછા આવી જાય છે; શું કરવું ?
કનુભાઈ પરમાર (દામનગર)
તમારા અને મહેમાનોના મોબાઈલના તમામ ચાર્જર ગુમ કરી દો.
(૭)તમારી કોલમ આડા પટ્ટામાં છપાતી હતી તે ઊભા પટ્ટામાં કેમ છપાવા લાગી? કોઈ ખાનગી કારણ?
વાસુદેવભાઇ સોઢા (અમરેલી)
ખાનગીમાં જાણવા મળ્યું છે કે સંજોગ ન્યૂઝ પરિવારને એમ થયું કે આ માણસ સાવ સીધો છે તો એની કોલમ શું કામ આડી છાપવી જોઈએ?!
(૮)તમે ક્યારેય વરસાદની આગાહી કેમ નથી કરતા?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
બિચારા વરસાદને ખોટો શરમાવવોને?!
(૯)કીડી મંકોડી લાઇનમાં ને માણસ કેમ આઉટ લાઇનમાં?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
આપણે કીડી મંકોડી નથી એ સાબિત કરવા.
(૧૦)મંદિરમાં સ્ત્રીના નામની વસ્તુ કેમ હોય છે?
હરેશભાઈ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
એટલે બધે ગયા તો ત્યાં પૂજારીને જ પૂછી લીધું હોત તો?
(૧૧)કેરીની સીઝન કેવી રહી?
ઉન્નતિ મહેતા (કોટડાપીઠા)
એક દિવસ ફેરિયો નવા કપડાં પહેરીને આવ્યો હતો, સારી રહી હશે.
(૧૨)તમને રાગમાં ગાતા આવડે છે?
રામભાઈ પટેલ (સુરત)
ના, રાગડા તાણતા આવડે છે.
(૧૩)નર્વસનેસ એટલે શું?
રમાબેન પટેલ (અમદાવાદ)
આપણને ’અહક’ થાય છે એમ અંગ્રેજી આવડે એને નર્વસનેસ થાય.
(૧૪)મારે સમય બહુ ઘટે છે. શું કરવું?
દર્શન પટેલ (વડોદરા)
તમારી ઘડિયાળમાં બારની પાસે એક તેરનો આંકડો પણ લખાવી નાખો એટલે તમારો દિવસ બે કલાક વધી જાય.
(૧૫)બિલાડી વાઘ કરતાં નાની હોય છે, છતાં વાઘની માસી કેમ કહેવાય છે?
યોગેશભાઈ આર જોશી (હાલોલઃજિ.પંચમહાલ)
એટલે જ બડે શયાને કહ ગયે હૈ કે વ્યક્તિનો દેખાવ જોઈને કોઈ ધારણા ન બાંધી લેવી જોઈએ.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..