થોડા વર્ષો પહેલા મણીપુર વિધાનસભાની ચૂંટણી યોજાયેલી અને આવેલ પરિણામોમાં એક નોંધપાત્ર બાબત બની હતી. સોશ્યલ, ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયામાં માત્ર લેવા પુરતી નોંધ લેવાઈ હતી. બાબત છે ઈરોમ શર્મિલાએ લડેલ ચૂંટણીના આવેલ પરિણામની. ગુચળીયા વાળ અને નાકમાં નાખેલ “ફીડીંગ ટ્યુબ” સાથેની એ આયર્ન લેડી ઓફ મણિપુર કહેવાતી ઈરોમ શર્મિલાને લગભગ આપણે બધાએ મીડિયામાં જોયેલ છે. જે છેલ્લા ઘણા વર્ષો AFSPA નામના કાયદાની સામે ભૂખ હડતાલના શસ્ત્રથી લડી રહી હતી. આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં તેણીની ખૂબ નોંધ લેવાઈ અને અનેક એવોર્ડથી નવાજવામાં પણ આવી. તે મીડિયા દ્વારા એક હીરો તરીકે પ્રસ્થાપિત થઇ ચુકી હતી. તેના સમર્થકોના આગ્રહથી તેણે મણિપુર વિધાનસભા લડી અને પરિણામ ચોકાવનારું આવ્યું. ઈરોમ શર્મિલાને માત્ર ૯૦ મત મળ્યા. તેના આંદોલનને નજીકથી જોનારાઓ માટે અને ઈરોમ શર્મિલાને ઓળખનારાઓ માટે આ પરિણામ એક આંચકો હતા. મીડિયા દ્વારા તેણીના પ્રયાસોને અપાયેલ વજૂદને જનાદેશ નામના નિર્ણયે સંપૂર્ણ નકારી કાઢ્યું હતું.
લોકશાહીમાં આખરી અવાજ અને નિર્ણય બેલેટ બોક્ષ કે ઈ.વી.એમ થી નીકળે છે. અહી લાખ રૂપિયાનો સવાલ એ છે કે શું કોઈ વર્ગ, સમાજ કે સમૂહ નો પ્રશ્ન કે સમસ્યા સામે અવાજ ઉઠાવીને નીકળેલ અને મીડિયા દ્વારા પ્રસ્થાપિત થયેલ હીરોને જનમત સંગ્રહ કરાવી લેવો જોઈએ ? શર્મિલાએ પ્રજા માટે ૧૬ વર્ષ સંઘર્ષ કર્યો પણ વિધાનસભાના પરિણામે તેના આ સંઘર્ષને સવાલોના વર્તુળમાં લાવીને મૂકી દીધો. શર્મિલાની બાબતમાં આપણે એ જ વસ્તુઓ જાણતા હતા જે આપણને મીડીયાએ પીરસેલી હતી. તેના મુદ્દાનું વાજબીપણું ક્યારેય મીડિયાની કસોટી પર ચડ્યું હોય તેવું જણાતું નથી. આ ઘટનાનો બોધપાઠ એ થઇ આવે છે કે કોઈપણ આંદોલન કે પ્રજાકીય ચળવળ જ્યાં સુધી જનાદેશની કસોટીએ ચઢીને સફળતા પૂર્વક પાર ન ઉતરે ત્યાં સુધી તેના અંગે મીડિયા કે પ્રજા વચ્ચે પ્રવર્તતા અભિપ્રાયો કાયમી ન ગણવા.
આ સંદર્ભ અત્યારે હિન્દુસ્તાનમાં સવિશેષ ફીટ બેસે છે. શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળ જેવા પાડોશી દેશોમાં ટૂંકા સમયમાં ઉભા થયેલા આંદોલાનોએ સરકારો ઉથલાવી નાખી છે. વર્ષોથી વિપક્ષમાં બેઠેલા અને હજુ લાંબો સમય ત્યાં જ બેસવાનું ભવિષ્ય જોઈ ગયેલા પક્ષો અને સંગઠનો આ ત્રણ દેશના ઉદાહરણો આપીને ભારતના યુવાને ઉશ્કેરવાના ભરપુર પ્રયત્નો કરી રહ્યા છે. ઝેન ઝી અમારા માટે સડક પર ઉતરી આવશે, વર્તમાન સરકાર ઉથલાવીને સત્તાની તાસક અમને હાથોહાથ આપી દેશે એવા સ્વપ્નો જોઈ રહેલા પક્ષોને ઝેન ઝીએ નિરાશ કર્યા છે. અમેરિકાથી અચાનક પ્રગટી ગયેલ એક કહેવાતા ઝેન ઝી નેતા થોડા સમયથી ખુબ પ્રયત્ન કરી રહ્યા છે. NEET નામની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું, એ બાબતને લઈને શિક્ષણ પ્રધાનનું રાજીનામું માંગી રહ્યા છે. જો કે એ પરીક્ષા ફરીથી સફળતા પૂર્વક લેવાઈ ચુકી છે. પણ, એ દેખાવો દરમિયાન એકઠા થયેલા ઝેન ઝીમાંથી ઘણાને NEET નું આખું નામ આવડતું નહોતું એ આડવાત છે. આ સંગઠન કોક્રોચ જનતા પાર્ટીના નામથી ઓળખાઈ રહ્યું છે અને રાજકીય પક્ષ સ્થાપીને ચૂંટણીઓ લડવા વિશે ઇનકાર પણ નથી કરી રહ્યું.
આ દેખાવોમાં જનતા ખાસ એકઠી થઇ શકી નહોતી, આમ પણ હિન્દુસ્તાનની તાસીર છે કે સભા સરઘસમાં એકઠી થતી જનતા મતદાર હોવાની ખાતરી નથી. એટલે જ સભા સરઘસમાં આવતી જનતા ક્યાં સુધી ટેકો આપવા માંગે છે તે જોવું પણ એટલું જ જરૂરી છે. જનતાનો સભા સરઘસ અને બેલેટ પેપર પર મિજાજ સરખો અથવા અલગ હોઈ શકે. ભૂતકાળમાં થયેલા આંદોલનો વખતે આવું મીડિયાનું માધ્યમ હાજર નહોતું. તાજેતરના આંદોલનને ગતિ આપનારું મુખ્ય ચાલકબળ મીડિયા છે. જે મીડિયા સરકાર વિરોધી સમાચારો પ્રસારિત કે પ્રકાશિત કરવા માટે હમેશા તત્પર હોય છે એ મીડિયા આવા આંદોલનને હવા આપે છે. એક વાત, અફવા કે વાવડ વાયુ વેગે ગણતરીના કલાકોમાં પ્રસરી ગયાના ઉદાહરણો છે, જે સમાચારનું કોઈ વજૂદ જ નહોતું. અને તેના પ્રતિભાવો પણ ગણતરીના સમયમાં જોવા મળ્યા છે. જે ઓનલાઈન પક્ષના સવા બે કરોડ સદસ્યો રાતોરાત નોંધાઈ જતા હોય એ સંગઠનની હાકલ પર બે હજાર પણ ભેગા ન થાય તો તુરતના બીજા દિવસથી તેના અસ્તિત્વનો સવાલ ઉભો થઇ જવો સ્વાભાવિક છે. સવાલ એ છે કે આવા પ્રતિભાવો કે સમર્થન ઈશ્યુ ને પૂરો ચકાસીને અપાયેલ છે ? પણ જો આ શરૂઆતની આક્રમકતા જો મતપેટી સુધી ખેચાઇ આવે તો શાસક પક્ષ માટે ચિંતાનો વિષય છે. પ્રજા શાસક કે નાયક ઈ.વી.એમ.થી નક્કી કરે છે, ફેસબુક કે વ્હોટસએપથી નહિ. ફેસબુક પરની બ્લુ ટીક મત આપ્યા બાદનું આંગળી પરની કાળી સ્યાહીનું નિશાન નથી. આ બંનેને એક ગણીને રાજનીતિ કરવાની ઈચ્છા રાખનાર મૂરખ છે.
લાંબો સમય ચાલતા અને પરિણામલક્ષી ના જણાતા આંદોલનો કે ચળવળો જનસમર્થન ગુમાવે છે.
જો જનસમર્થન લાંબુ ટકાવી રાખવું હોય તો અંદોલન કે ચળવળના આગેવાને યેનકેન તેને જીવંત રાખવું પડે. માત્ર એક ક્ષુલ્લક માંગના આધારે પક્ષ કે લાંબાગાળાનું આંદોલન ઉભું નથી થઇ શકતું જે સરકારને અસ્થિર કરી શકે. આંદોલનના ખભે બેસીને રાજકીય પક્ષ ઉભો કરવા માટે લાંબાગાળાની હકારાત્મક વિચારધારા અને તેના પર ટકવું જરૂરી છે. જે પક્ષ પોતાની સ્થાપિત વિચારધારાથી ચલિત થયો છે તેનું અસ્તિત્વ ખતરામાં પડી ગયું છે.
ક્વિક નોટ — જ્ઞાન કથીને ગાડા ભરે, જ્યાં મટે નહિ અંતરનો વિખવાદ, કબીર કહે આ કડછા કંદોઈના કદીના પામે સ્વાદ. production@infiniumpharmachem.com












































