રાખનાં રમકડાં
“વાતાવરણ જ એવું છે બેટા, મને પણ ક્યાંય ગમતું નથી.” બા બોલ્યાં.
“કાલે તો હું વહેલી સવારમાં પાંચ વાગ્યે આભરવેલી જવા નીકળી જઈશ…”
“હા, એમાં થોડું ચાલશે. જવું તો પડે જ ને, નોકરી કંઈ એમ જ થોડી થાય.”
આમ બા સાથે થોડી-ઘણી વાતો થઈ. સાંજનું ભોજન ખાઈ લીધા પછી મોડે સુધી દામો હિંડોળા પર જ બેસી રહ્યો. પછી છેલ્લે બા એ કહ્યું: “તારે સવારમાં વહેલું જવાનું છે એટલે હવે ઊંઘી જા…” આટલું સાંભળી દામો રૂમમાં ગયો.
પથારીમાં રાતભર દામો આમ-તેમ આળોટતો રહ્યો. અસંખ્ય અને અકલ્પ્ય વિચારોમાં ફસાઈ જઈને દામોએ માંડ માંડ કરીને રાત કાઢી પછી વહેલી સવારે પાંચ વાગે ઊઠી નાહી પરવારીને દામોએ વાંકા વળી બાનાં ચરણસ્પર્શ લીધા પછી જ્યારે તેણે ડેલી બહાર પગ મૂક્યો અને જરા ડોક મરડીને બા સામે જોતાં બોલ્યો:“ચિંતા ન કરતાં બા… તમારી તબિયતનું ધ્યાન રાખજો. રજાનો મેળ પડશે એટલે તરત જ તમારી પાસે આવી જઈશ…” આટલું બોલી દામો ચાલતો થયો.
જ્યારે દામો બાને પગે લાગ્યો ત્યારે તેણે ત્રાંસી નજરે જોયું તો બાની આંખોમાંથી આંસુ નીકળતાં તેણે જોયાં હતાં. એ નીકળતાં આંસુમાં એટલી બધી તાકાત હતી કે ડેલી બહાર નીકળી, થોડે દૂર જઈ દામો પણ ડૂસકે ડૂસકે રડી પડ્યો હતો. કોણ જાણે એ સમયે દામોને કંઈક એવો અહેસાસ થયો હતો કે, આ સમયનું બાનું રડવું કંઈક અલગ પ્રકારનું હતું.
બસ સ્ટોપ પર ઉભા રહેતાં દામોને આભવેલી જવાનું વાહન તરત જ મળી ગયું. સાડા છ વાગે દામો આભવેલી પહોંચી ગયો. સ્કૂલે જવાની હજી વાર હતી એટલે તે સીધો ઘરે પહોંચી ગયો.
ઘરના ડેલાનો દરવાજો ખુલ્લો જોતા દામોને થોડું આશ્ચર્ય થયું, આટલો વહેલો દરવાજો ખુલ્લો કેમ ? મનમાં તેને અસંખ્ય વિચારો આવ્યા અને ચાલ્યા ગયા. તે અંદર દાખલ થયો, હાથમાં રહેલો થેલો સોફા પર મૂકી તે થોડીવાર બેઠો.
બે મિનિટ થઈ હશે ત્યાં તો શાંતિ બેડરૂમમાં આવી. એ આટલી બધી વહેલી નાહીને તાજી જ અહીં આવી હોય તેવું લાગતું હતું. કારણ કે તેના લાંબા લાંબા વાળમાંથી ક્યારેક ક્યારેક પાણીનાં ટીપાં હજીપણ નીચે ટપકી રહ્યાં હતાં. કોણ જાણે કેમ… આજની શાંતિની કાયા, તેનો દેહ તથા તેનો ચહેરો અતિ આકર્ષક દેખાય રહ્યો હતો. હા, તેના ચહેરા ફરતે કંઈક અલગ જ પ્રકારની આભા જાણે તેજ પ્રકટાવતી દામોએ નિહાળી. આ ઉપરાંત શાંતિની નજરમાં સારી એવી નજાકત પણ દેખાઈ આવી. ફક્ત બે દિવસની ગેરહાજરીમાં પોતાની અર્ધાંગિનીનું આવું બદલાયેલું રૂપ તદ્દન વિસ્મય પમાડે તેવું દેખાયું. એટલે દામો વળી વિચારે ચડ્યો:
કાં તો મારી નજરમાં કંઈક ખામી આવી ગઈ હોવી જોઈએ, કાં તો શાંતિની નમણી કાયામાં કોઈ દોષ આવી ગયો હોવો જોઈએ. આ બેમાંથી એક તો નક્કી જ…! નહિતર ફક્ત બે દિવસમાં આટલો બધો ફેરફાર ? આટલી બધી તરાવત ?
“તું ક્યારે આવ્યો ?” રૂમમાં દાખલ થતાંવેંત શાંતિએ દામજીને ધીમેથી પૂછ્યું.
“હમણાં જ આવ્યો.” હામાએ હવે શાંતિ સામે જોતાં રહી કહ્યું. દામજીની સામે જોઈ શાંતિએ તરત જ તેની નજર નીચે ઢાળી દીધા. પછી બોલી ઃ “બાથરૂમમાં નાહવા જતાં પહેલાં મેં ડેલાનો દરવાજો અંદરથી ખોલી નાખ્યો હતો. મને ખબર તો હતી જ કે, આજે તું વહેલી સવારે આવવાનો છે…”
“એ તો સારું કર્યું…”
“થોડી ચા બનાવી દઉં.”
“ન બનાવે તો પણ ચાલશે, વહેલી સવારે બાએ ચા બનાવી તે પીધી છે.”
“તો પણ ચા પીને પછી જ તું સ્કૂલે જજે…”
“સારું…” હામાએ કહ્યું.
દામજી આ ચાહ પીધા પછી સોફા પરથી ઊભા થતાં તે બોલ્યો ઃ “હું હવે સ્કૂલે જાઉં છું…” શાંતિ કંઈ બોલી નહીં. પરંતુ થોડી થોડી વારે આંખો ઊંચી કરી તે દામજીના ચહેરાને તાકતી રહી. ને દામજી તો રૂમમાંથી બહાર નીકળી ડેલી બહાર પણ ચાલ્યો ગયો.
હવે શાંતિના શ્વાસ ધીમે ધીમે શાંત થયા. તે તો હજી સોફા પર શાંતિથી બેઠી હતી. હજી પણ તેના વિચારો ઓછા થતા ન હતા. ઘણીવાર સુધી તે તો એમ જ સોફા પર બેસી રહી. (ક્રમશઃ)














































