(૧)મને બપોરે બગાસાં આવ્યા કરે છે એનું કારણ શું હશે?
રામભાઈ પટેલ (સુરત)
સવારની આળસ.
(૨)અમેરિકા ઈરાન યુધ્ધ તો પૂરું થઈ ગયું.હવે?
દર્શન પટેલ (વડોદરા)
તમે તો એવા નિરાશ થઈ ગયા જાણે બન્ને દેશોને તમે જ હથિયાર વેચતા હો.
(૩)પૃથ્વી પર ગુરુત્વાકર્ષણને બદલે લઘુત્વાકર્ષણનું ચલણ હોત તા?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
તો તમે અત્યારે હવામાં ઊડતા ઊડતા આ કોલમ વાંચતા હોત.
(૪) દાદા દાદુ બની ગયા,મામા મામુ. તો પછી ફૂવાને ફૂવુ બનતા હજી કેટલો સમય લાગશે?
કનુભાઈ લિંબાસિયા કનવર (ચિત્તલ)
ફઇની મંજૂરી મળી જાય એટલો.
(૫)એવી કઈ બુક છે કે જેમાં પાપ વધારે લખાયાં હોય?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા કેનેડા)
ભ્રષ્ટાચારીની પાસબુક.
(૬)ક્યાં ધંધામાં કમાણી નથી?
ધોરાજીયા ઘનશ્યામ એન (સાજણટીંબા)
આ.
(૭)સાહેબ..! સરકાર શું કામની?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
વળી પાછા શું વાંધા પડ્‌યા?!
(૮)ઉડતા પ્લેનમાં બાળક જન્મે તો તે કયા દેશનો નાગરિક ગણાય?
કનુભાઈ પરમાર (દામનગર)
આવા કેસમાં એને વિશ્વ નાગરિક જાહેર કરી દેવું જોઈએ.
(૯)વરસાદ આવે ત્યારે ભજિયા ખાવા જોઈએ પણ વરસાદ નથી આવતો તેનું શું કરવું ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
દર વખતે વરસાદ આવે ત્યારે ભજિયા ખવાય એવું ન બને. ક્યારેક એમ પણ બને કે ભજિયા ખાઓ પછી વરસાદ આવે.
(૧૦)કાચી કેરી ખાટી હોય તો પાકી કેરી કેમ મીઠી હોય છે?
શંભુ ખાંટ ‘અનિકેત’ (ધનસુરા અરવલ્લી)
એ લોકોમાં આપણા કરતા ઉલટું હોય. એ જેમ જેમ પાકે એમ એમ મીઠાશ પકડે.
(૧૧) મારી આંખમાં દુઃખના આંસુ આવે તો પણ બધા એમ માને છે કે આ ખુશીના આંસુ છે. તો મારે શું કરવું?
રમાબેન પટેલ (અમદાવાદ)
શેરીમાં ઉભા રહી ને ભેંકડો તાણો.
(૧૨)ખીસું શબ્દ વપરાય કે ખિસ્સું?
જય દવે (ભાવનગર)
એની અંદર હોય એ વપરાય એ વધારે જરૂરી છે.
(૧૩) ધએતાવીલાડુફેપ આ ક્યાં દેશની ભાષા હશે?
નીરવ ડણાંક (અમરેલી)
કોઈ પાગલ દેશની લાગે છે.
(૧૪)જેનું નામ બોલવામાં કળાની જરૂર પડે એવી એક વાનગીનું નામ આપો.
નીરજા દવે (અમદાવાદ)
ઢોકળા.
(૧૫)ઘરની બારી મોટી હોય તો એને બારણું કહી શકાય?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
ચડ્ડી મોટી હોય તો એને લેંઘો ન કહેવાય!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..