સામાજિક કાર્યકર અણ્ણા હજારે ફરી એકવાર ભૂખ હડતાળ પર જઈ શકે છે. તેમણે મહારાષ્ટ્ર સરકારને કડક
ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જો રાજ્ય સરકાર માહિતી અધિકાર નિયમોમાં કરવામાં આવેલા ફેરફારો તાત્કાલિક પાછા નહીં ખેંચે તો તેઓ ૫ જુલાઈથી અહમદનગર જિલ્લાના રાલેગણ સિદ્ધિમાં અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ શરૂ કરશે. અણ્ણા હજારેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. હજારેએ તેમના પત્રમાં જણાવ્યું હતું કે ૧૨ જૂનના રોજ મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ મહારાષ્ટ્ર માહિતી અધિકાર નિયમો, ૨૦૨૬,આરટીઆઇ કાયદાની ભાવના વિરુદ્ધ છે.
તેમનો દલીલ છે કે આ નવા નિયમો પારદર્શિતાને નબળી પાડશે અને સામાન્ય નાગરિકો માટે માહિતી મેળવવાનું વધુ મુશ્કેલ બનાવશે. હજારેએ ખાસ કરીને આરટીઆઇ અરજી ફીમાં વધારા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકારે ફી વધારા માટે કોઈ નક્કર તર્ક કે નાણાકીય વિશ્લેષણ રજૂ કર્યું નથી. હજારેએ સ્પષ્ટતા કરી હતી કે આરટીઆઇ કાયદાનો હેતુ સરકાર માટે આવક ઊભી કરવાનો નથી, પરંતુ જનતાને માહિતીનો અધિકાર પૂરો પાડવાનો છે. તેમણે એવી પણ માંગણી કરી હતી કે જો ફી વધારવામાં આવે છે, તો માહિતી પૂરી પાડવામાં બેદરકારી દાખવનારા અધિકારીઓ માટે દંડ પણ વધારવો જોઈએ.
વધુમાં, હજારેએ આરટીઆઇ અરજી સાથે ઓળખ પૂરી પાડવાનું ફરજિયાત બનાવતા નવા નિયમો સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આરટીઆઇ કાયદાની કલમ ૬(૨) હેઠળ, અરજદારો વ્યક્તિગત માહિતી અથવા તેમની અરજીનું કારણ જાહેર કરવા માટે બંધાયેલા નથી. તેમણે કહ્યું કે આ જોગવાઈ Âવ્હસલબ્લોઅર્સ અને ભ્રષ્ટાચાર સામે બોલનારાઓની સલામતી માટે જાખમી બની શકે છે.
હઝારેએ “એક વિષય, એક અરજી” ના નવા નિયમને પણ બિનજરૂરી ગણાવ્યો. તેમણે કહ્યું કે આનાથી નાગરિકોને વારંવાર અલગ અલગ અરજીઓ સબમિટ કરવાની ફરજ પડશે, જેનાથી પ્રક્રિયા જટિલ અને ખર્ચાળ બનશે. તેમણે અપીલનો અસ્વીકાર, સુનાવણી દરમિયાન કાનૂની સહાય પર પ્રતિબંધ અને અરજદારના મૃત્યુ પર કેસ બંધ કરવા જેવી જાગવાઈઓની પણ ટીકા કરી. તેમણે ચેતવણી આપી હતી કે જો સરકારે આ નિયમો પાછા ખેંચ્યા નહીં, તો તેઓ ૫ જુલાઈથી રાલેગણ સિદ્ધિના યાદવ બાબા મંદિરમાં ઉપવાસ શરૂ કરશે.








































