ગુજરાતમાં ચોમાસા પૂર્વેની વરસાદી પ્રવૃત્તિ હવે વધુ સક્રિય બની રહી છે. રાજ્યના ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરતાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાતથી લઈને વહેલી સવાર સુધીમાં પંચમહાલ, છોટા ઉદેપુર, ખેડા અને અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી છે.
હવામાન વિભાગના આંકડા મુજબ માત્ર ચાર કલાકના સમયગાળામાં રાજ્યના ૪૬ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં ૨.૯૧ ઇંચ નોંધાયો છે. ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ ખાસ કરીને ધમાકેદાર બેટિંગ કરી હતી. હાલોલ અને શહેરા વિસ્તારમાં મોડી રાતથી સવાર સુધી ભારે વરસાદ વરસ્યો હતો. સત્તાવાર આંકડા મુજબ કાલોલમાં ૨.૫૨ ઇંચ, ગોધરામાં ૨.૪૮ ઇંચ, મોરવા (હડફ)માં ૧.૮૧ ઇંચ અને ઘોઘંબામાં ૧.૬૯ ઇંચ વરસાદ નોંધાયો હતો. ગોધરાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
છોટા ઉદેપુર જિલ્લામાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથે ધીમીધારે વરસાદ વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બોડેલી સહિતના અનેક ગામોમાં પણ વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. હેમાળ, કડિયાળી, વઢેરા અને બાબરકોટ સહિતના ગામોમાં વહેલી સવારથી વરસાદ શરૂ થતાં ગરમીમાં રાહત મળી હતી. ખેડૂતો હવે આગામી વાવણી માટે તૈયારીઓ શરૂ કરી રહ્યા છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધુ સક્રિય બની શકે છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થવાની સાથે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને વધુ રાહત મળવાની શક્યતા છે.








































