ગુજરાતમાં ઓપન કરેક્શનલ ઇન્સ્ટીટ્યુશન એટલે કે મુક્ત જેલોની વ્યવસ્થા, તેનો વિસ્તાર અને કેદીઓના પુનર્વસનના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ સુઓમોટો કાર્યવાહી હાથ ધરી છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્દેશોને આધારે શરૂ થયેલી આ કાર્યવાહીમાં રાજ્યભરની ઓસીઆઇ સુવિધાઓની સમીક્ષા કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસની બેન્ચ સમક્ષ સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઓસીઆઇ સ્ટેટ મોનિટરિંગ કમિટીની રચના કરી દેવામાં આવી છે. આ કમિટી રાજ્યના વિવિધ ઓસીઆઇ કેન્દ્રોની મુલાકાત લઈને ત્યાંની સુવિધાઓ, કેદીઓની સ્થિતિ અને પુનર્વસનની પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ તેનો અહેવાલ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
સ્ટેટ મોનિટરિંગ કમિટીના ચેરમેન તરીકે ગુજરાત હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણીની નિમણૂક કરવામાં આવી છે. કમિટી ઓસીઆઇ કેન્દ્રોની વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને જરૂરી સુધારાઓ અંગે ભલામણો કરશે. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે કોર્ટને એ પણ જણાવ્યું હતું કે,ઓસીઆઇ સુવિધાઓનો વિસ્તાર કરવા માટે વધારાની જમીનની જરૂરિયાત ઉભી થઈ શકે છે.
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નોંધ્યું હતું કે, માત્ર ભૌતિક સુવિધાઓ વધારવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે.ઓસીઆઇ સાથે જોડાયેલી નીતિઓનું પણ પુનઃમૂલ્યાંકન જરૂરી છે. ખાસ કરીને મહિલા કેદીઓ માટેની વ્યવસ્થાઓમાં સુધારાની તાતી જરૂર હોવાનું કોર્ટે અવલોકન કર્યું હતું.
કોર્ટે નોંધ્યું હતું કે, ઘણી વખત મહિલા કેદીઓ જેલમાંથી મુક્ત થયા બાદ તેમના પરિવારજનો પણ તેમને સ્વીકારતા નથી. સમાજમાં પુનર્વસન તેમના માટે મોટો પડકાર બની રહે છે. આવી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કૌશલ્ય વિકાસ, રોજગારલક્ષી તાલીમ અને આવકના સાધનો ઉપલબ્ધ કરાવવાની જરૂર હોવાનું કોર્ટે જણાવ્યું હતું.
હાઇકોર્ટે એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મહિલા કેદીઓ માટે માનસિક સ્વાસ્થ્ય અને કાઉન્સેલિંગની સુવિધા અત્યંત જરૂરી છે. સમાજની માનસિકતા એકાએક બદલવી મુશ્કેલ છે, પરંતુ મુક્ત થયેલી મહિલાઓમાં આત્મસન્માન અને આત્મવિશ્વાસનું પુનઃનિર્માણ કરવું રાજ્યની જવાબદારી છે.
અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દેશભરની જેલોમાં સુધારાત્મક પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા. જેમાં દરેક રાજ્યમાં મોનિટરિંગ કમિટીની રચના, મહિલા કેદીઓ માટે અલગ બેરેક અને વિશેષ સુવિધાઓ, તેમજ ઓસીઆઇને માત્ર મજૂરી કેન્દ્ર નહીં પરંતુ પુનર્વસન અને કૌશલ્ય વિકાસના કેન્દ્ર તરીકે વિકસાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે,ઓસીઆઇમાં રહેલા કેદીઓને યોગ્ય વેતન, શિક્ષણ, આરોગ્ય અને પુનર્વસનની તકો ઉપલબ્ધ થવી જોઈએ. આ તમામ મુદ્દાઓની દેખરેખ માટે રાજ્ય મોનિટરિંગ કમિટીઓની રચના કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ રાજ્ય મોનિટરિંગ કમિટીએ પોતાનો પ્રથમ સ્ટેટસ રિપોર્ટ ૨૧ ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે. જ્યારે ગુજરાત હાઇકોર્ટ સમગ્ર રાજ્યનો સંકલિત અહેવાલ ૩૧ માર્ચ ૨૦૨૭ સુધીમાં સુપ્રીમ કોર્ટને મોકલશે. આ મામલે હવે આગામી સુનાવણી ૨૪ જુલાઈએ યોજાનાર છે, જેમાં રાજ્ય સરકાર અને મોનિટરિંગ કમિટી દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંગે વધુ વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.








































