રાજકોટ શહેરના વિમલનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે પારિવારિક વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કરતાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. મૂળ વેરાવળના રહેવાસી વિવેક ગોસ્વામીએ પત્ની સાથે ચાલી રહેલા અણબનાવને લઈને પત્નીના નાના ભાઈ પ્રવિણ શાહ પર છરી વડે જીવલેણ હુમલો કરી તેમની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં પત્નીના પિતા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આરોપી વિવેક ગોસ્વામી અને તેની પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી મતભેદ અને અણબનાવ ચાલી રહ્યો હતો. પત્નીએ તેની સાથે રહેવા જવાની ના પાડી દીધી હોવાથી વિવેક વારંવાર ધમકીઓ આપતો હોવાનું પરિવારજનો દ્વારા જણાવાયું છે. આ મામલે અગાઉ પરિવારજનોએ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી પોલીસ મથકે અરજી પણ કરી હતી.
ગઈકાલે મોડી રાત્રે વિવાદ વધુ ઉગ્ર બનતાં વિવેક ગોસ્વામી પત્નીના પિયરમાં પહોંચ્યો હતો. ત્યાં તેણે પત્નીના નાના ભાઈ પ્રવિણ શાહ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે પ્રવિણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. દરમિયાન બચાવ માટે વચ્ચે પડેલા પત્નીના પિતાને પણ ગળાના ભાગે છરીના ઘા મારવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને સારવાર હેઠળ છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતની વિવિધ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપી વિવેક ગોસ્વામીને ઝડપી લેવા માટે વિવિધ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.








































