જામનગર નજીક આવેલા જાંબુડા ગામના વેલકમ વોટરપાર્કમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પરિવાર સાથે રજાની મજા માણવા ગયેલા ૧૪ વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હતું. રાઈડ બાદ અચાનક તબિયત બગડતાં તેનું મોત નીપજ્યું હોવાનું તપાસમાં જણાયું હતું. આ સમગ્ર ઘટનાએ પરિવારજનોને આઘાતમાં મૂકી દીધા છે. રાઈડ બાદ અચાનક તબિયત બગડતાં

મૃતકની ઓળખ આરવ સુવર્ણકર તરીકે થઈ છે. આરવનો પરિવાર મૂળ રાજસ્થાનનો વતની હોવાનું અને સોની વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. તેના પિતા હાલમાં રોજગારી અર્થે કુવૈતમાં રહે છે. રજાના દિવસે આરવ પરિવાર સાથે જાંબુડા સ્થિત વેલકમ વોટરપાર્કમાં ફરવા ગયો હતો.

માહિતી અનુસાર, આરવ વોટરપાર્કની એક રાઈડનો આનંદ માણી રહ્યો હતો ત્યારે અચાનક તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. પરિવારજનોએ તરત જ તેને રાઈડમાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર રૂપે સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો હતો. થોડા સમય માટે રિસ્પોન્સ મળ્યો હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ કિશોરને તાત્કાલિક જાંબુડા સ્થિત આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. તેની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતાં પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ કિશોરને આંચકી આવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એકના એક પુત્રના અકાળે થયેલા નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.