એક રાષ્ટ્રીય ચિંતન
આપણા મહાન દેશમાં દર થોડા થોડા સમયે ડીઝલ અને પેટ્રોલની તંગી ઊભી થયા જ કરે છે, એ કંઈ નવી વાત નથી. અને એની સાથોસાથ દેશનું પેટ્રોલ-ધન અને ડીઝલ-ધન બચાવવાના અવનવા કીમિયાઓ શીખવતી સંસ્થાઓ પણ મશરૂમની જેમ ફૂટી નીકળે છે. આ સંસ્થાઓ પોતાના ભાષણબાજીના અને લેખબાજીના ધંધાઓ ધમધોકાર ચલાવે રાખે છે. સ્ટેજ પરથી ગળું ફાડી-ફાડીને ઊર્જા બચાવવાના ભાષણો ઠોકવામાં આવે છે, પણ અફસોસ! સંત બુબુડાનાથ સિવાય આ દેશમાં કોઈએ એવું વિચાર્યું જ નથી કે દેશના ‘બાકસ ધન’ને પણ બચાવવાની એટલી જ પરમ જરૂર છે. જરા ઊંડા ઉતરીને વિચારો, જો બાકસ જ ન હોય, તો કાળી મજૂરી કરીને બચાવેલું પેટ્રોલ અને ડીઝલ પણ કઈ રીતે સળગી શકે? કેરોસીનનો દીવો કેમનો થાય? અરે, શિયાળાની ગુલાબી ઠંડીમાં તાપણું કરવા માટેના લાકડા પણ બાકસ વગર સળગી શકે નહીં! આમ છતાં, આખા દેશમાં કોઈને પડી જ નથી કે બાકસ કઈ રીતે બચાવી શકાય.
અહીં હું કોઈ સામાન્ય કે નવા-નકોર બાકસની વાત નથી કરી રહ્યો. હું ખાસ કરીને એવા બાકસની વાત કરી રહ્યો છું કે જે ઓલરેડી ‘ડેડ’ એટલે કે પરમધામ સિધાવી ગયું છે. કલ્પના કરો, તમે રસ્તા પર જઈ રહ્યા છો ને અચાનક ધોધમાર વરસાદ આવે અને તમારા ખિસ્સામાં રહેલું બાકસ સદંતર ડેડ થઈ જાય. અથવા તમે ભારે રોમાંચમાં આવીને સ્વિમિંગ પૂલમાં નાહવા કૂદી પડ્‌યા અને ભાન ભૂલ્યા કે ગજવામાં તો બાકસ હતું, ને ક્ષણભરમાં તમારું બાકસ ડેડ થઈ જાય. ક્યારેક વળી ઘરમાં શાંતિથી બેઠા હોઈએ અને વરસાદની બારીમાંથી અચાનક વાછટ આવે અને ટેબલ પર પડેલું બાકસ મરણને શરણ થઈ જાય. આવી કટોકટીની સ્થિતિમાં દેશના બેજવાબદાર અને ઉડાવ નાગરિકો શું કરે છે? તેઓ જરાય અચકાયા વિના આ પવિત્ર બાકસને ‘ફેંકાઇમાન’ કરી દે છે, એટલે કે સીધું કચરાપેટીમાં ફેંકી દે છે!
આ રીતે ભીંજાઈ ગયેલા અને મરણતોલ બનેલા બાકસને આમતેમ ફેંકી દેવાની દેશમાં વધતી જતી ચિંતાજનક ઘટનાઓ અંગે મેં અને સંત શ્રી બુબુડાનાથે રાત-દિવસ ગહન મનન, ચિંતન અને વૈજ્ઞાનિક અનુસંધાન કર્યું છે. અમને ભારે આઘાત લાગ્યો કે લોકો રાષ્ટ્રીય સંપત્તિનો આ રીતે વેડફાટ કરે છે. છેવટે, અમારા અથાક પ્રયત્નો અને
તપસ્યાના અંતે અમે એ પરમ સત્ય શોધી કાઢ્યું છે કે મૃતપ્રાય થઈ ગયેલું બાકસ તેની તમામ દિવાસળીઓ એટલે કે કાંડીઓ સાથે ફરીથી નવજીવન મેળવી શકે છે, અર્થાત જીવંત થઈ શકે છે! ઇતિહાસ સાક્ષી છે કે પ્રભુ ઈસુએ જે રીતે મરેલા માણસને ઊભો કરીને જીવતો કર્યો હતો, બરાબર એ જ દિવ્ય ચમત્કારિક શક્તિથી તમે પણ તમારા ઘરના મરેલા બાકસને અડીખમ જીવતું કરી શકો છો.
હવે હૃદય મજબૂત રાખીને સાંભળો આ મરેલા બાકસને સજીવન કરવાનો સચોટ અને રામબાણ ઉપાય. સૌ પ્રથમ, આત્મવિશ્વાસ સાથે મરેલા બાકસને પકડો અને તેને અત્યંત આદરપૂર્વક તમારા હાથમાં પધરાવો. ત્યારબાદ, કોઈ કુશળ સર્જનની જેમ તે ખોખામાં રહેલી તમામ ભીંજાયેલી દિવાસળીઓને એક પછી એક બહાર કાઢો. હવે, પ્રકૃતિના સૌથી મોટા હીલર એવા સૂર્યનારાયણના શરણમાં જાઓ અને આ તમામ દિવાસળીઓને સૂર્યપ્રકાશમાં લાઈનસર ગોઠવીને મૂકો. બરાબર બે કલાક સુધી તેને કુદરતી ઓક્સિજન અને ગરમી મળવા દો. બે કલાકના તપ પછી, તે તમામ દિવાસળીઓ ફરીથી બાકસના ખોખામાં ભરી લો, કારણ કે ચમત્કાર થઈ ચૂક્યો હશે અને તમારું મરેલું બાકસ સજીવન થઈ ગયું હશે!
હવે આ વૈજ્ઞાનિક અખતરો સફળ થયો છે કે નહીં તેની ખાતરી કરવા માટે, ભીના થયેલા બાકસના સાઇડના ભાગ પર એક દિવાસળી જોરથી ઘસો. સરરર કરતીકને જેવી દિવાસળી સળગે, એટલે આ દિવાસળી વડે ગમે તે કંઈ પણ સળગાવો. પણ હા, એક ખાસ વૈધાનિક ચેતવણી! હું અહીં કંઈ આખું ગામ સળગાવવાની વાત નથી કરી રહ્યો, અને મારા પરમ પૂજ્ય સંત શ્રી બુબુડાનાથ પણ દેશ સળગાવવાની કુબુધ્ધિ આપતા નથી. અમે તો બહુ જ સલૂકાઈથી, દેશહિતમાં ઘરનો ચૂલો અથવા આંગણાનો કચરો એવું કંઈક સળગાવવાની વાત કરીએ છીએ. તો આજથી જ બાકસ ફેંકવાનું બંધ કરો અને બાકસ-ઉદ્ધારકના પવિત્ર મિશનમાં જોડાઈ જાઓ! naranbaraiya277@gmail.com