યોગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સૂર્ય નમસ્કારને ‘યોગનો આત્મા’ કહે છે. સૂર્ય નમસ્કાર ઘણા બધા યોગ આસનોનું એક જૂથ છે, જે આપણને શારીરિક રીતે ફિટ રાખવાની સાથે માનસિક રીતે પણ સ્વસ્થ્ય રાખે છે.
• પ્રશ્ન: સૂર્ય નમસ્કાર શું છે?
જવાબ: સૂર્ય નમસ્કારનો શાબ્દિક અર્થ છે ‘સૂર્યને નમસ્કાર’ આ એક યોગાભ્યાસ છે, જેમાં ક્રમિક રીતે ૧૨ અલગ-અલગ આસન કરવામાં આવે છે.
• પ્રશ્ન: સૂર્ય નમસ્કાર ક્યારે કરવા જોઈએ?
જવાબ: સૂર્ય નમસ્કાર સૂર્યોદય સમયે કરવા વધુ સારા છે. પણ, જો તમને કદાચ સવારે સમય ન મળતો હોય, તો તમે સાંજે સૂર્યાસ્ત સમયે પણ કરી શકો છો. જો તમને કોઇ ચોક્કસ સમય ન મળતો હોય તો તમે તમારી અનુકૂળતા મુજબ કોઈપણ સમયે સૂર્ય નમસ્કાર કરી શકો છો. જો કે, સૂર્ય નમસ્કાર કરવા માટે, ખાલી પેટ હોવું જરૂરી છે. સૂર્ય નમસ્કારના ઘણા સ્વરૂપ છે. પણ માત્ર એક જ ફોર્મેટ અપનાવવું જોઈએ અને તેનો નિયમિત અભ્યાસ કરવો જોઈએ.
• પ્રશ્ન: સૂર્ય નમસ્કારમાં કેટલાં આસન છે?
જવાબ: સૂર્ય નમસ્કાર એ ૧૨ ચરણવાળું યોગાસન છે, જેમાં ૮ જુદાં-જુદાં આસન હોય છે.
• પ્રશ્ન: સૂર્ય નમસ્કાર સ્વાસ્થ્ય માટે કઇ રીતે ફાયદાકારક છે?
જવાબ: સૂર્ય નમસ્કારથી માંસપેશીઓ મજબૂત બને છે, માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે, વજન જળવાઇ રહે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે, પાચન પ્રક્રિયા સુધરે છે, હ્રદય અને શ્વસનતંત્ર સારી સ્થિતિમાં રહે છે અને હોર્મોન સંતુલિત રહે છે.
• પ્રશ્ન: શું સૂર્ય નમસ્કાર કરતા પહેલા વોર્મ અપ જરૂરી છે?
જવાબ: હા, સૂર્ય નમસ્કાર પહેલા વોર્મ અપ મહત્વપૂર્ણ છે. તેનાથી માંસપેશીઓ લવચીક બને છે અને શરીરમાં લોહીનો પ્રવાહ સુધરે છે. જેથી યોગાસન કરવામાં સરળતા રહે છે.
• પ્રશ્ન: સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા?
જવાબ: સૂર્ય નમસ્કારમાં ક્રમ અને શ્વાસની ભૂમિકા મહત્વની છે. એ માટે, પ્રથમ સપાટ જમીન પર એક સાદડી પાથરો. એ પછી, સૂર્ય નમસ્કારના બધાં આસન ક્રમશઃ થોડો-થોડો સમય કરો. તે કેવી રીતે કરવાં જોઈએ, તે નીચેના સૂચકાંકોથી સમજો-
– પ્રણામાસન
આ રીતે કરો: સૂર્યની સામે સીધા ઊભાં રહો અને બંને પગ જોડો, કમરને સીધી રાખો. પછી શ્વાસ લેતી વખતે હાથને છાતીની નજીક લાવો અને શ્વાસ છોડતી વખતે બંને હથેળી જોડી નમસ્કારની સ્થિતિ બનાવો.
– હસ્ત ઉત્તાનાસન
આ રીતે કરો: હવે શ્વાસ લેતી વખતે તમારા બંને હાથ ઉપર ઉઠાવો અને પાછળની તરફ ખેંચો. આ સમયે તમારા બાઇસેપ્સ કાનની નજીક રહે તેની ખાતરી કરો. પછી તમારા આખા શરીરને ધીમે-ધીમે કમરથી પાછળની તરફ વાળો.
– પાદહસ્તાસન
આ રીતે કરો: હવે શ્વાસ બહાર છોડો અને ધડને કમરથી આગળ વાળો અને નીચેની તરફ વાળો. એ પછી તમારા હાથ વડે અંગૂઠાને સ્પર્શ કરો. એ સમયે તમારું માથું તમારા ઘૂંટણને સ્પર્શવું જોઈએ.
– અશ્વ સંચલનાસન
આ રીતે કરો: શ્વાસ લેતી વખતે, બને ત્યાં સુધી જમણા પગને પાછળની તરફ ખસેડો. ઘૂંટણને જમીન પર સ્પર્શ કરો. હવે બીજા પગને ઘૂંટણ પર વાળો અને બંને હથેળી જમીન પર સીધો રાખો. એ પછી, દૃષ્ટિને ઉપરની તરફ લઈ જાવ.
– દંડાસન
આ રીતે કરો: હવે શ્વાસ છોડતી વખતે બંને હાથ અને પગને એક સીધી લાઇનમાં રાખો અને પુશ-અપ સ્થિતિમાં આવો.
– અષ્ટાંગ નમસ્કાર: હવે ધીરે ધીરે શ્વાસ છોડતી વખતે તમારી હથેળીઓ, છાતી, ઘૂંટણ અને પગને જમીન સાથે સ્પર્શ કરો. આ દરમિયાન તમારા હિપ્સને પાછળની તરફ ઊંચા કરો. થોડીવાર આ સ્થિતિમાં રહો અને શ્વાસને રોકો.
– ભુજંગાસન: – આ રીતે કરો: જેને કોબ્રા પોઝ કહે છે. શ્વાસ લેતી વખતે હથેળીઓને જમીન પર રાખો અને જમીન સાથે કમરને સ્પર્શ કરતી વખતે માથું અને ધડને શક્ય તેટલું આકાશ તરફ ઉઠાવો.
– પર્વતાસન;- આ રીતે કરો:પર્વતાસન એટલે એવી મુદ્રા જેમાં શરીરની સ્થિતિ પર્વત જેવી દેખાય. તેને માઉન્ટેન પોઝ પણ કહે છે. આ માટે પુશ-અપ પોઝિશનમાં આવો અને તમારા હિપ્સને ઉપરની તરફ ખેંચો. શ્વાસ છોડતી વખતે ખભા સીધા અને માથું અંદરની તરફ રાખો.
આ પછી, અશ્વ સંચલનાસન, પાદહસ્તાસન, હસ્તઉત્તાનાસન અને પ્રણામાસન, આ ચાર આસનો ફરીથી ઉલટા ક્રમમાં કરો. આ રીતે તમારા સૂર્ય નમસ્કારનો એક ક્રમ પૂર્ણ થાય છે.
• પ્રશ્ન: સૂર્ય નમસ્કાર કરતી વખતે શું સાવચેતી રાખવી જરૂરી છે?
જવાબ: સૂર્ય નમસ્કાર કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. જો શક્ય હોય તો, સવારે ખાલી પેટે તાજી હવામાં સૂર્ય નમસ્કાર કરો. સવારે સૂર્ય નમસ્કાર કરતી વખતે, પૂર્વ તરફ અને સાંજે પશ્ચિમ તરફ મુખ રાખો. સૂર્ય નમસ્કાર પહેલા વોર્મ અપ કરો. શરૂઆતમાં ધીમે ધીમે કરો અને જરા પણ ઉતાવળ ન કરો. આ યોગાસન ઢીલાં અને આરામદાયક કપડાંમાં કરો. કોઇ પણ આસન અધૂરું ન છોડો. બધાં આસનને ક્રમમાં કરો.યોગ કરતી વખતે, વ્યક્તિએ માત્ર નાકથી જ શ્વાસ લેવો અને છોડવો જોઈએ. બેન્ડિંગ પોશ્ચર કરતી વખતે, વ્યક્તિએ શ્વાસ છોડવો જોઈએ અને ઉપર ખેંચતી વખતે, વ્યક્તિએ શ્વાસ લેવો જોઈએ. સૂર્ય નમસ્કાર કર્યા પછી થોડો સમય આરામ કરો. જો સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા હોય તો સૂર્ય નમસ્કાર કરતા પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લો.
• પ્રશ્ન:સૂર્ય નમસ્કાર કેટલા સમય સુધી કરવા જોઈએ?
જવાબ- સૂર્ય નમસ્કાર ૧૨ વાર કરવા જોઇએ. ૧૫થી ૨૦ મિનિટ કરો. જો તમે દરરોજ ૧૨ વાર સૂર્ય નમસ્કાર કરો છો તો અન્ય કોઈ આસન કરવાની જરૂર નથી. તમારી ક્ષમતા અને સમય અનુસાર સૂર્ય નમસ્કારની સંખ્યામાં વધારો કે ઘટાડો કરી શકો છો.
• પ્રશ્ન: સૂર્ય નમસ્કાર કર્યા પછી શું કરવું જોઈએ?
જવાબ: સૂર્ય નમસ્કાર કર્યા પછી, લગભગ ૫-૧૦ મિનિટ શવાસનમાં સૂઈ જાવ અને શરીરને આરામ આપો. શરીરનું તાપમાન અને હૃદયના ધબકારા સામાન્ય થાય પછી અન્ય કામકાજ કરો.
• પ્રશ્ન: કોણે સૂર્ય નમસ્કાર ન કરવા જોઈએ?
જવાબ: (૧) જેમને કાંડામાં ગંભીર ઈજા થઈ હોય કે હર્નિયા હોય (૨) પ્રેગ્નેન્ટ મહિલા (૩) જેમણે તાજેતરમાં કોઇ સર્જરી કરાવી હોય (૪) જેઓ હ્રદય રોગ કે બ્લડપ્રેશરથી પીડાતાં હોય (૫) જેમને પીઠની સમસ્યા હોય કે ઘૂંટણમાં દુખાવો થતો હોય તેમણે સૂર્ય નમસ્કાર કરતાં પહેલાં યોગ શિક્ષકની અચૂક સલાહ લેવી જોઈએ. sanjogpurti@gmail.com