સાવરકુંડલાના છેવાડાના જીરા ગામમાં સરપંચ તરીકે સફળ કામગીરી કરી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિજય મેળવી પ્રમુખ પદ સુધી પહોંચનાર દક્ષાબેનનું આજે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જીરા ગામમાં દક્ષાબેન દ્વારા છ સખી મંડળો ચલાવવામાં આવે છે. હાલ પવિત્ર પુરુષોત્તમ મહિનો ચાલતો હોવાથી ગોરમાની પૂજાના અંતિમ દિવસે ગામની જ મહિલા ઉચ્ચ પદ પર પહોંચી હોવાથી તમામ સખી મંડળોની બહેનોએ ભેગા મળીને તેમનું ભવ્ય સન્માન કર્યું હતું. આ ગૌરવશાળી કાર્યક્રમમાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તેમજ સુરતથી ખાસ પધારેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ દક્ષાબેનના સસરાએ ગામના વિકાસ માટે આપેલા ભોગને પણ યાદ કર્યો હતો. આ પ્રસંગે જીરા ગામના ભાઈ-બહેનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.









































