ભારતે તાજેતરના વર્ષોમાં પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો કર્યો છે અને તેને વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત કર્યા છે. આનાથી પાકિસ્તાનમાં ગભરાટ ફેલાયો છે. શાહબાઝ શરીફની સરકાર વિશ્વને ભારતને રોકવા માટે અપીલ કરી રહી છે. હકીકતમાં, ભારતે તેના પરમાણુ હથિયારોની સંખ્યા વધારીને ૧૯૦ કરી છે અને ૧૨ પરમાણુ બોમ્બ પણ તૈનાત કર્યા છે. આ માહિતી સ્વીડનમાં સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા વિશ્વને પૂરી પાડવામાં આવી હતી. વિશ્વભરમાં પરમાણુ શસ્ત્રો પરના તેના વાર્ષિક અહેવાલમાં, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટએ દાવો કર્યો છે કે ભારતે ગયા વર્ષે ૧૦ નવા પરમાણુ બોમ્બ બનાવ્યા છે.
હકીકતમાં, ગયા વર્ષે, ભારત પાસે ૧૮૦ પરમાણુ બોમ્બ હતા, જે આ વર્ષે વધીને ૧૯૦ થયા છે. જોકે, પાકિસ્તાનની પરમાણુ શસ્ત્રોની ક્ષમતામાં કોઈ વધારો થયો નથી. આ જ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પહેલીવાર, ભારતે પણ તેના પરમાણુ શસ્ત્રો તૈનાત કર્યા છે. આ રિપોર્ટ બાદ, પાકિસ્તાને મુખ્ય દેશોને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારતની આક્રમકતા અને તે જે ઝડપી ગતિથી પરમાણુ બોમ્બ વિકસાવી રહ્યું છે તે માત્ર પાકિસ્તાન માટે જ નહીં પરંતુ વિશ્વભરના અન્ય દેશો માટે પણ ખતરો છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ જણાવ્યું હતું કે ભારત તેની સંરક્ષણ જરૂરિયાતો કરતાં વધુ રેન્જ ધરાવતી મિસાઇલો વિકસાવી રહ્યું છે, અને એસઆઇપીઆરઆઇ રિપોર્ટ ફક્ત ૧૨ વોરહેડ્સ તૈનાત કરવાનો સંકેત આપે છે, જ્યારે ભારતે આનાથી વધુ પરમાણુ બોમ્બ તૈનાત કર્યા છે. ભારતે પરમાણુ સંચાલિત સબમરીન પણ તૈનાત કરી છે. આ વૈશ્વીક શાંતિ અને સ્થીરતા માટે ખતરો છે.
પાકિસ્તાનને ભારતની વધતી શક્તિ અંગે શંકા છે તેનું કારણ એ છે કે ભારત એક તરફ નવીનતમ શસ્ત્રો વિકસાવી રહ્યું છે અને બીજી તરફ તેની સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવી રહ્યું છે. આજે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે હૈદરાબાદમાં ડીઆરડીઓના પ્રોજેક્ટ કુશનો પ્રારંભ કર્યો. આ ૨૧,૭૦૦ કરોડનો સ્વદેશી પ્રોજેક્ટ છે. આ અંતર્ગત, લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સંરક્ષણ પ્રણાલી વિકસાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટનું વૈજ્ઞાનિક નામ એક્સટેન્ડેડ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ છે. આ એર ડિફેન્સ સિસ્ટમ ૪૦૦ કિલોમીટરના અંતરે દુશ્મનના ફાઇટર જેટ, ડ્રોન, ક્રુઝ અને બેલિસ્ટીક મિસાઇલોને તોડી પાડશે. પ્રોજેક્ટ કુશ ભારતની બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલી, સુદર્શન ચક્રનો એક ભાગ છે, જેની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાના પ્રાચીર પરથી કરી હતી. આજે સંરક્ષણ મંત્રીએ કહ્યું કે જેમ મહાભારત યુદ્ધમાં ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્રથી દુષ્ટ શક્તિઓનો નાશ કર્યો હતો, તેવી જ રીતે ભારતની આધુનિક હવાઈ સંરક્ષણ પ્રણાલી દુશ્મનના દરેક ઈરાદાને નિષ્ફળ બનાવશે અને ભારત માટે એક અભેદ્ય સુરક્ષા વર્તુળ બનાવશે.










































