ગીર ગઢડા તાલુકાના થોરડી (ગીર) ગામમાં આજે સવારે દીપડાના હુમલાથી ભયનો માહોલ સર્જાયો હતો. સવારે લગભગ ૯ વાગ્યે માલાભાઈ લાખાભાઈ મોઢકિયા અને તેમના ભત્રીજા દિવ્યેશ જયંતીભાઈ મોઢકિયા કેળાના બગીચામાં કામ કરી રહ્યા હતા ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. દરમિયાન કેશુભાઈ નારણભાઈ મોઢકિયા પણ ઘાયલ થયા હતા. રાડારાડ થતાં આસપાસના લોકો દોડી આવતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે ગીરગઢડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા હતા, પરંતુ દીપડો નજીક આવી ફરી બાજુની વાડીમાં ભાગી ગયો હતો.