અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામમાં પ્રેમસંબંધને લઈને એક યુવકની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર મૃતક રાજેશ લક્ષ્મણભાઈ બાંભણીયા પોતાની પ્રેમિકાને મળવા માટે ગયો હતો, ત્યારે યુવતીના પરિવારજનોને આ બાબતની જાણ થતાં ઉગ્ર વિવાદ સર્જાયો હતો. વિવાદ દરમિયાન યુવતીના પિતા સહિત પરિવારના અન્ય સભ્યોએ રાજેશ પર હુમલો કર્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.
હુમલામાં રાજેશ લક્ષ્મણભાઈ બાંભણીયાને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી, પરંતુ તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. યુવકના મોત બાદ સમગ્ર મામલો હત્યામાં પલટાઈ ગયો છે. મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ પોલીસ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રાજુલાના ડીવાયએસપી નયનાબેન ગોરડિયાએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને સંડોવાયેલા આરોપીઓ સામે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. સાથે જ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે સઘન શોધખોળ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં પ્રેમસંબંધને લઈને આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. યુવતીના પિતા તેમજ તેના ભાઈઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ બનાવને લઈને કડિયાળી ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે અને લોકોમાં પણ આ ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.









































