કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘પ્રગતિ પથ યાત્રા’ અંતર્ગત સાવરકુંડલા ખાતે નવનિર્મિત ‘અમૃત સરોવર’ની રાજ્યના કૃષિ અને જિલ્લા પ્રભારીમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મંત્રીઓએ પર્યાવરણની રક્ષા કાજે તૈયાર કરાયેલ નવતર ‘વન કવચ’ પ્રકલ્પને ખુલ્લું મૂક્યું હતું અને ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. પ્રોજેક્ટની ભવ્યતાથી પ્રભાવિત થઈ પ્રભારીમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, જોતા જ આનંદ થાય તેવું આ
અમૃત સરોવર ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તરફથી સાવરકુંડલાની જનતાને ભવ્ય ભેટ છે. યુવા મોરચાના સમયથી મારા સાથી એવા મહેશભાઈની વિઝનરી દ્રષ્ટિનો લાભ આ વિસ્તારને મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા, ધારાસભ્યો જનકભાઈ તળાવિયા, જે.વી. કાકડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.










































