ભાવનગરમાં મહિલા આપઘાતની એક દુઃખદ અને ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં છેલ્લા બે મહિના પહેલા બનેલી એક ઘટનાએ હવે કાયદાકીય વળાંક લીધો છે. મળતી માહિતી મુજબ, એક પરણિતાએ ઝેરી દવા પીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આ કેસમાં મૃતકની માતાએ જમાઈ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની વિગત મુજબ, મૃતક મહિલા છેલ્લા ચાર વર્ષથી વિશાલ કંટારિયા નામના વ્યક્તિ સાથે રહેતી હતી. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ છેલ્લા એક વર્ષથી તેમની વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. મૃતકની માતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વિશાલ છેલ્લા એક વર્ષથી પરિણીતાને શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરી રહ્યો હતો. તેને સતત મારઝૂડ કરવામાં આવતી હતી, જેના કારણે કંટાળીને મહિલાએ આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ નીકળી રહ્યું છે.આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભાવનગર પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતકની માતાના આક્ષેપોના આધારે પોલીસે પતિ વિશાલ કંટારિયા સામે ગુનો નોંધીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલાના મોત બાદ પરિવાર શોકમાં ગરકાવ હતો, પરંતુ પોલીસ તપાસમાં સામે આવેલા તથ્યોએ આ કેસને એક નવો વળાંક આપ્યો છે. હાલ પોલીસ આસપાસના લોકોના નિવેદનો નોંધી રહી છે અને મૃતક મહિલાના મોબાઈલ ડેટા તથા અન્ય પુરાવાઓ એકત્રિત કરી રહી છે.